લગ્ન માટે ટર્કીથી આવેલા યુવાનને લીધે 2500 લોકોને કોરોનાના ચેપની શક્યતા

27 March, 2020 07:23 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

લગ્ન માટે ટર્કીથી આવેલા યુવાનને લીધે 2500 લોકોને કોરોનાના ચેપની શક્યતા

ડોમ્બિવલીમાં ટર્કીથી આવેલા યુવાને સેંકડો લોકોને કોરોનાનો ચેપ લગાવ્યો હોવાની શક્યતાથી પાલિકાએ અડધો કિલોમીટર વિસ્તાર ફાયરબ્રિગેડની મદદથી સેનિટાઈઝ કર્યો.

ભાઈના લગ્ન માટે ટર્કીથી આવેલા યુવાનને કોરોના વાઇરસનો ચેપ લાગવાથી તેને કસ્તુરબા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયો હોવાના સમાચાર ગઈ કાલે ડોમ્બિવલીમાં વાયુવેગે ફેલાયા હતા અને આને કારણે લોકોમાં ઘણો ફફડાટ વ્યાપી ગયો હતો. એનું કારણ એટલું જ કે અહીંની મ્હાત્રે વાડીમાં આયોજિત બે લગ્ન સમારંભમાં આ યુવાને હાજરી આપી હતી અને આમાં અંદાજે ૨૫૦૦ લોકો સામેલ થયા હોવાથી કોરોના વાઇરસ આખા ડોમ્બિવલીમાં ફેલાવાની આશંકાથી અહીંના રહેવાસીઓમાં દહેશતનું વાતાવરણ ઊભું થયું છે.

લોકોના ગભરાટ વચ્ચે કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા દ્વારા લગ્ન સ્થળની આસપાસના અડધો કિલોમીટર વિસ્તારને સેનિટાઈઝ કરવાની સાથે કોરોના પૉઝિટિવ ટર્કીથી આવેલા યુવાન અને તેના પરિવારજનોને કસ્તુરબા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરીને લગ્નમાં સામેલ થયેલા લોકોને ટ્રેસ કરવાનું કામ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મળેલી માહિતી મુજબ ડોમ્બિવલીમાં આવેલી મ્હાત્રે વાડીમાં ૧૯ માર્ચે બે મરાઠી પરિવારનો લગ્ન સમારંભ યોજાયો હતો, જેમાં સ્થાનિક નેતાઓની સાથે મોટી સંખ્યામાં વેપારી વર્ગ પણ સામેલ થયો હતો. ભાઈના લગ્નમાં સામેલ થવા ટર્કીથી આવેલા યુવકનું ઍરપોર્ટ પર સ્ક્રીનિંગ થયું હતું જ્યાં કશું શંકાસ્પદ નહોતું લાગ્યું. એના પછી એની એક વાર કોરોના ટેસ્ટ કરાઈ હતી જે નેગેટિવ આવી હતી. લગ્ન બાદ ૨૨ માર્ચે આ યુવકની વધુ એક વખત કોરાના ટેસ્ટ કરાતાં તે પોઝિટિવ આવતાં તેને મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કસ્તુરબા હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.

આ સમાચાર વાયુવેગે આખા ડોમ્બિવલીમાં ફેલાઈ જતાં સૌ ફફડી ઊઠ્યા છે, કારણ કે લગ્ન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. આ લોકો અસંખ્ય લોકોના સંપર્કમાં આવી ચૂક્યા છે એટલે જ્યાં સુધી તેમની કોરોના ટેસ્ટ ન થાય ત્યાં સુધી કેટલા લોકોને ચેપ લાગ્યો છે એ કહેવું મુશ્કેલ છે.

કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મ્હાત્રે વાડી ખાતેના ૧૯ માર્ચના લગ્ન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. ટર્કીથી આવેલા યુવકને ચાર દિવસ પહેલાં જ કસ્તુરબા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયો છે. તેના પરિવારજનોને પણ આ વાઇરસનું ઈન્ફેક્શન થવાની પૂરેપૂરી શક્યતા હોવાથી તેમને પણ ગઈ કાલે કસ્તુરબામાં લઈ જવાયા હતા. લગ્નના સ્થળથી અડધો કિલોમીટર વિસ્તારને ફાયરબ્રિગેડની ટીમે સેનિટાઈઝ કર્યો છે. એ સિવાય લગ્નમાં સામેલ થનારા દરેક વ્યક્તિને શોધીને તેમની ટેસ્ટ કરાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે.’

લગ્નના સ્થળથી અડધો કિલોમીટર વિસ્તારને ફાયરબ્રિગેડની ટીમે સેનિટાઈઝ કર્યો છે. એ સિવાય લગ્નમાં સામેલ થનારા દરેક વ્યક્તિને શોધીને તેમની ટેસ્ટ કરાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે.

- ડૉ. વિજય સૂર્યવંશી, કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા કમિશનર

dombivli mumbai mumbai news coronavirus covid19 prakash bambhrolia