શું તમારા શરીરમાં હજી છે કોવિડ સામે લડવા ઍન્ટિબૉડીઝ?

21 September, 2022 07:46 AM IST  |  Mumbai | Suraj Pandey

સુધરાઈને આનો જવાબ જોઈએ છે અને એટલે જ એણે બીજા તબક્કામાં સીરો સર્વે કરીને એ જાણવાની કોશિશ શરૂ કરી, પણ એને સૅમ્પલ લેવા ફ્રન્ટલાઇન વર્કરો જ નથી મળી રહ્યા

સીરો સર્વેમાં બ્લડ સૅમ્પલ આપતો ફ્રન્ટલાઇન વર્કર.


મુંબઈ : સુધરાઈના આરોગ્ય અને ફ્રન્ટલાઇન વર્કરના સીરો સર્વેનો બીજો તબક્કો શરૂ થઈ ઘયો છે. પરંતુ કેટલીક હૉસ્પિટલોમાં બ્લડ સૅમ્પલ કલેક્શનની ઝુંબેશને બહુ ઓછો પ્રતિસાદ મળ્યો છે. હૉસ્પિટલના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે કોવિડનો ભય ઘટી જવાથી કર્મચારીઓને પણ આમાં ઝાઝો રસ રહ્યો નથી. વળી પહેલા તબક્કામાં જે રેસિડન્ટ ડૉક્ટરો હતા તેઓ પણ હવે ઉપલબ્ધ નથી.    
     

કોરોના સામે ઍન્ટિ-બૉડીઝ ઓછા થઈ રહ્યા છે કે કેમ એ જાણવા માટે સુધરાઈએ આ સીરો સર્વે શરૂ કર્યો છે. એ માટે ત્રણ તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પાસેથી સૅમ્પલ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. માર્ચમાં અંદાજે ૩૦૦૦ હેલ્થકૅર અને ફ્રન્ટલાઇન વર્કર્સનાં સૅમ્પલ લેવામાં આવ્યાં હતા. બીજો તબક્કો ૧૫ સપ્ટેમ્બરથી શરૂ થયો હતો. એવું જોવામાં આવ્યું છે કે જેમણે પહેલા તબક્કામાં બ્લડ સૅમ્પલ આપ્યાં હતાં તે તમામે બીજા તબક્કામાં ભાગ લીધો નથી. આંકડાઓ મુજબ ગોવંડીની શતાબ્દી હાસ્પિટલમાંથી ૫૦ પૈકી ૩૭, કુર્લાની ભાભા હૉસ્પિટલમાંથી ૬૦ પૈકી ૨૬, રાજાવાડી હૉસ્પિટલમાંથી ૯૦ પૈકી ૫૮, કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાંથી ૮૦ પૈકી ૩૯ સૅમ્પલ મોકલવામાં આવ્યાં હતાં. 
આ મામલે ‘મિડ-ડે’એ એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉ. મંગલા ગોમારેને ફોન કર્યો તો તેમણે કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. 

ચોમાસામાં થતા રોગો કાબૂમાં
ચોમાસા દરમ્યાન જોવા મળતા રોગોની સંખ્યામાં છેલ્લાં ત્રણ વર્ષની સરખામણીમાં કોઈ વિશેષ વધારો જોવા મળ્યો નથી. ૧થી ૧૮ સપ્ટેમ્બર સુધીમાં મલેરિયાના ૩૯૮ કેસ, લેપ્ટોસ્પાઇરોસિસના ૨૭ કેસ, ડેન્ગ્યુના ૧૩૯ કેસ, ગૅસ્ટ્રોના ૨૦૮ કેસ, હેપેટાઇટિસના ૪૫ કેસ, ચિકનગુનિયાના બે કેસ  અને સ્વાઇન ફ્લુના માત્ર ૬ કેસ નોંધાયા છે. 

mumbai news coronavirus covid19