વેજ આઇટમોને ન આપો નૉન-વેજ નામ

28 September, 2022 12:22 PM IST  |  Mumbai | Rohit Parikh

આ વાતનો વિરોધ કરતાં તેમણે કહ્યું કે એનાથી આજની પેઢી ઇચ્છા-અનિચ્છાએ પણ આગળ જતાં નૉન-વેજ તરફ વળી શકવાની શક્યતાને નકારી નથી શકાતી

વેજ આઇટમોને ન આપો નૉન-વેજ નામ


મુંબઈ : બદલાતા યુગ સાથે હવે પ્રસંગોમાં કેટરિંગ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. અત્યારના લોકોના ખાવાના શોખ એટલા બધા વધી ગયા છે કે કેટરર્સ મામૂલી કટલેટને અવનવું નામ આપીને કે સામાન્ય મીઠાઈને નવું નામ આપીને તેમના ગ્રાહકોને આકર્ષે છે. જોકે આમાં પણ થોડા સમયમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. હવે તેઓ પ્રસંગોમાં બનતી વાનગીઓને અવનવાં નામ આપવાની ફૅશનમાં વેજ આઇટમને નૉન-વેજ નામ આપવા લાગ્યાં છે જેની સામે વિવાદ સર્જાયો છે. સમસ્ત કચ્છ અને વાગડ જૈન સમાજે વેજ આઇટમોને આપવામાં આવતાં નૉન-વેજ નામ સામે વિરોધ કર્યો છે. આ સમાજે તેમના સમાજને અપીલ કરતાં કહ્યું છે કે આપણા સમાજના પરિવારોએ પોતાને ત્યાં અથવા પરિવાર-મિત્રમાં થતા પ્રસંગોમાં આવા દ્વિઅર્થી નામોની ડિશ રાખવાનું બંધ કરવું જોઈએ.
આ બાબતમાં માહિતી આપતાં શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનના પ્રમુખ નાગજી રીટાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હમણાં-હમણાં લગ્નપ્રસંગ, લગ્નની વર્ષગાંઠ કે અન્ય પ્રસંગોના જમણવારમાં આઇટમોની વરાઇટી દેખાડવા માટે એવાં નામ આપવામાં આવે છે જે બોલવામાં તથા એની પાછળના ભાવમાં એ આઇટમો નૉન-વેજ હોવાના ભાવ પેદા થાય છે. જેમ કે હૉટ ડૉગ, હરભરા કબાબ, પનીર ટિક્કા કબાબ, હેદરાબાદી બિરયાની, છૈના વેજ મુર્ગી, હની ચિલ્લી, કસ્તુરી કબાબ, પોટેટો એગ રોલ. આવાં બધાં નૉન-વેજ નામ આપીને શાકાહારી વાનગીઓ પીરસવામાં આવે છે.’
નવી પેઢીને આ નામ હોઠે લાગશે તો તેમનો અપરાધભાવ ખતમ થઈ જશે એમ જણાવતાં નાગજી રીટાએ કહ્યું હતું કે આ પેઢી આગળ જતાં ઇચ્છા-અનિચ્છાએ પણ નૉન-વેજ તરફ વળી શકવાની શક્યતાઓને નકારી શકાતી નથી.
આવા સંજોગો નિર્માણ થાય એ પહેલાં જ આપણા વાગડ સમાજે જ નહીં, સમગ્ર જૈન સમાજે જાગવાની જરૂર છે એમ જણાવીને નાગજી રીટાએ કહ્યું હતું કે ‘આપણા જૈન સમાજે આપણી વાનગીઓને જે પ્યૉર જૈન અથવા તો પ્યૉર વેજ હોય છે એને કોઈ પણ સંજોગોમાં નૉન-વેજ નામ ન આપવામાં આવે એની પ્રસંગોમાં તકેદારી રાખવાની જરૂર છે.  આપણા કેટરર્સને જ્યારે આપણે મેનુ તૈયાર કરી આપીએ છીએ ત્યારે જ તેની સાથે આ મુદ્દે સ્પષ્ટતા કરવી જોઈએ કે તે એક પણ શાકાહારી આઇટમને નૉન-વેજનું નામ આપે નહીં.’
શાકાહારી ભોજન પીરસો છો તો એને શાકાહારી જ નામ આપવું જોઈએ એમ જણાવતાં ધ બૉમ્બે કેટરર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ અને જૈન કેટરર્સના માલિક લલિત જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સમાજની આ ડિમાન્ડ સહેજ પણ ખોટી નથી. જો તમે પ્યૉર વેજ ફૂડ પીરસતા હો તો તમારે એને નૉન-વેજ નામ આપવાં જોઈએ નહીં. શાકાહારી વાનગીઓને શાકાહારી જ નામ આપવું જોઈએ.’

mumbai news indian food