25 April, 2026 12:50 PM IST | Palghar | Gujarati Mid-day Correspondent
૧૧૦૦થી વધુ હરિભક્તો અને ૨૦૦થી વધુ સંતો આ દિવ્ય અવસરના સાક્ષી બન્યા
મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-48) પર આવેલા દુર્વેસ (મનોર) ખાતે BAPS સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ગઈ કાલે ભક્તિ અને વૈદિક પવિત્રતા વચ્ચે ઉલ્લાસભેર સંપન્ન થયો હતો. પવિત્ર મૂર્તિપ્રતિષ્ઠા વિધિ સદ્ગુરુ સંત પૂજ્ય ભક્તિપ્રિયસ્વામી (પૂજ્ય કોઠારીસ્વામી) અને સદ્ગુરુ સંત પૂજ્ય વિવેકસાગરસ્વામી દ્વારા કરવામાં આવી હતી. એમાં પરંપરાગત વૈદિક વિધિઓ અને મંત્રોચ્ચાર દ્વારા મૂર્તિઓમાં દિવ્ય ઉપસ્થિતિનું આહવાન કરવામાં આવ્યું હતું. આ સમારોહ આ ભવ્ય મંદિરના શાંતિ, ભક્તિ અને સાંસ્કૃતિક ઉત્કર્ષના કેન્દ્ર તરીકે આધ્યાત્મિક ઉદ્ઘાટનનું પ્રતીક બન્યો હતો.
૧૧૦૦થી વધુ હરિભક્તો અને ૨૦૦થી વધુ સંતો આ દિવ્ય અવસરના સાક્ષી બનવા અને આ ઐતિહાસિક સમારોહના ગહન આધ્યાત્મિક આનંદનો અનુભવ કરવા ઉપસ્થિત રહ્યા હતા. ૧૦.૫ એકરમાં ફેલાયેલું આ મંદિર પરંપરાગત નાગરાદિ સ્થાપત્યશૈલીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જે અદ્ભુત કારીગરી અને ઊંડા આધ્યાત્મિક પ્રતીકવાદનો સમન્વય છે.
શ્રી ભગવાન સ્વામીનારાયણ - શ્રી ગુણાતીતાનંદ સ્વામી (શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ)
શ્રી રાધા-કૃષ્ણ ભગવાન
શ્રી સીતા-રામ ભગવાન
શ્રી શિવ-પાર્વતી ભગવાન
શ્રી હનુમાનજી મહારાજ
શ્રી ગણપતિ મહારાજ
શ્રી નીલકંઠવર્ણી મહારાજ
૩ ભવ્ય શિખર, એક મુખ્ય ઘુમ્મટ અને ૧૧ નકશીદાર ઘુમ્મટીઓ
૫૮ કોતરણીયુક્ત થાંભલા અને ૨૦ નકશીદાર તોરણ
૭૭ કલાત્મક ઝરૂખા અને લાકડાની કોતરણીવાળાં ૬ ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર
લગભગ ૧૦૦૦ ભાવિકોને સમાવી શકે એવો વિશાળ સભાગૃહ