27 May, 2025 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિનો મોરિયા
મીઠી નદીની સફાઈ કરવાના ૬૫ કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં બે મિડલમેનની ધરપકડ કરવામાં આવ્યા બાદ આ મામલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ ગઈ કાલે બૉલીવુડના અભિનેતા ડિનો મોરિયાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. ક્રૉફર્ડ માર્કેટ નજીક આવેલી મુંબઈ પોલીસ-કમિશનરની ઑફિસના કૉમ્પ્લેક્સમાં ડિનો મોરિયા સવારના ૧૧ વાગ્યે પહોંચ્યો હતો. પોલીસ અધિકારીઓએ તેની લાંબી પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ મીઠી નદીને સાફ કરવાના મામલાના મુખ્ય આરોપી કેતન કદમ સાથે ડિનો મોરિયા અને તેના ભાઈ વચ્ચેના અનેક ફોનકૉલ્સ તપાસમાં જણાઈ આવ્યા હતા. આથી ડિનો મોરિયાને પોલીસની ઑફિસમાં આવવાના સમન્સ મોકલવામાં આવ્યા હતા. ધરપકડ કરવામાં આવેલા આરોપી કેતન કદમ અને તેના સહયોગીએ મીઠી નદીમાંથી ગાળ કાઢવા માટે કોચી ખાતેની મૅટપ્રૉપ ટેક્નિકલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પાસેથી મશીનરી માર્કેટભાવ કરતાં ઘણા વધુ ભાવથી ખરીદી હોવાનો આરોપ છે. આમાં ડિનો મોરિયા અને તેના ભાઈનો પણ કોઈક રીતે સંબંધ હોવાની શંકાના આધારે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.