મિડ-ડે ગૌરવ ICONSની બીજી સીઝનમાં ડિમ્પલ કાપડિયા છવાયાં

22 December, 2018 05:32 PM IST  | 

મિડ-ડે ગૌરવ ICONSની બીજી સીઝનમાં ડિમ્પલ કાપડિયા છવાયાં

ડિમ્પલ કાપડિયાને અવૉર્ડ આપતાં (ડાબેથી) મિડ-ડેના તંત્રી રાજેશ થાવાણી, અંગ્રેજી મિડ-ડેનાં તંત્રી ટિનાઝ નૂશીઆં અને મિડ-ડે ઇન્ફોમીડિયા લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સંદીપ ખોસલા. તસવીરો : રાણે આશિષ

મુંબઈમાં વસતા ગુજરાતીઓ અને મારવાડીઓના દિલમાં ધબકતા ‘મિડ-ડે’ની મિડ-ડે ગૌરવ ICONSની બીજી સીઝન ગઈ કાલે સાંતાક્રુઝની ફાઇવસ્ટાર હોટેલ ગ્રૅન્ડ હયાતમાં યોજાઈ હતી. ગુજરાતી તેમ જ મારવાડી કમ્યુનિટીના વિવિધ ક્ષેત્રોના ઝળહળતા સિતારાઓને નવાજવાનો આ અવસર અનેક સેલિબ્રિટીઝની હાજરીથી યાદગાર બની રહ્યો.

પ્રતીકાત્મક તસવીર

મિડ-ડે ગૌરવ ICONS-૨૦૧૮ અવૉર્ડ્સના ગઈ કાલના શાનદાર સમારંભમાં બિઝનેસ, ટ્રાવેલ, ફિટનેસ, ટેક્નૉલૉજી, રિયલ એસ્ટેટ, રાજકારણ, શિક્ષણ ઉપરાંત ફિલ્મી જગત સાથે સંકળાયેલી અને બેનમૂન કામ કરનારી જાણીતી ગુજરાતી-મારવાડી હસ્તીઓને સન્માનિત કરવામાં આવી હતી. મશહૂર ગુજરાતી ફિલ્મ-અભિનેત્રી ડિમ્પલ કાપડિયાને આ ઇવેન્ટમાં ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ નવાજવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ડિમ્પલે ગુજરાતીમાં બોલતાં કહ્યું હતું કે ‘બહુ વર્ષોથી હું સ્ટેજ પર નથી આવી, પણ ‘મિડ-ડે’એ મને સન્માનિત કરી એ માટે હું ‘મિડ-ડે’ની ખૂબ આભારી છું. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સંજીવકુમારજી, પરેશ રાવલ, જૅકી શ્રોફજી અને આશા પારેખ જેવાં અનેક દિગ્ગજ ગુજરાતી કલાકારો છે. હું આશા પારેખની બહુ મોટી ફૅન હતી અને તેમના પગલે હું પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી. જોકે એ વખતે મારા ઘરના તમામ લોકોના વિરોધ વચ્ચે મારા પિતા ચુનીલાલ કાપડિયાએ મને સપોર્ટ કર્યો હતો. આ અવૉર્ડ હું મારા પિતાને અર્પણ કરું છું.’

ઇવેન્ટનો આરંભ દાંડિયાકિંગ અને રૉકસ્ટાર નૈતિક નાગડાના વ્હીલ ઑફ ડ્રમ્સના રોમાંચક પર્ફોર્મન્સથી થયો અને શોનાં ઍન્કર લેખા રાચ્છના પ્રતિભાશાળી સંચાલન સાથે અવૉર્ડ્સની ઇવેન્ટ શાનદાર બની. આ પ્રસંગે સોહમ શાહ, પ્રવીણ સોલંકી, અપરા મહેતા, મનોજ જોષી, જે. ડી મજીઠિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, જિમિત ત્રિવેદી, ડેઇઝી શાહ, પૂજા ગોર, જિયા માણેક જેવા મશહૂર કલાકારો તથા શાઇના એન.સી. ઉપસ્થિત રહ્યાં હતાં.

mumbai news dimple kapadia sandeep khosla tinaz nooshian gujarati mid-day