જૈનો કા ક્ષેત્ર સુરક્ષિત હૈ ઔર સુરક્ષિત રહેગા, મૂળ સ્વરૂપ કો ખંડિત નહીં હોને દેંગે

22 January, 2022 09:33 AM IST  |  Mumbai | Rohit Parikh

દિગંબર જૈન સમાજના હાલમાં સમેતશિખરજી તીર્થમાં બિરાજમાન મુનિ શ્રી પ્રમાણસાગરજી મહારાજસાહેબનો જૈન સમાજને સંદેશો

મુનિશ્રી પ્રમાણસાગરજી મહારાજસાહેબ, નૅશનલ કમિશન ફૉર માઇનોરિટીઝ દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવેલો પત્ર

જૈનોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને જૈનોના સમેતશિખરજી તીર્થની પવિત્રતા ન જોખમાય અને આ તીર્થમાં માંસ અને મદિરાનું વેચાણ ન થાય એ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એવું નૅશનલ કમિશન ફૉર માઇનોરિટીઝ દ્વારા રાજ્ય સરકારને સૂચિત કરવામાં આવ્યું

ઝારખંડમાં આવેલું સૌથી મોટું સમેતશિખરજી તીર્થ જૈનોનું હતું અને જૈનોનું જ રહેશે એવું ઉચ્ચારણ દિગમ્બર જૈન સમાજના હાલમાં સમેતશિખર તીર્થમાં બિરાજમાન મુનિ શ્રી પ્રમાણસાગરજી મહારાજસાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘વર્તમાન સમય બોલને કા નહીં, કરને કે હૈ. આદિવાસીઓ અહીં પેડપ્રકૃતિની પૂજા કરવા આવે છે. જૈનો કા ક્ષેત્ર સુરક્ષિત હૈ ઔર સુરક્ષિત રહેગા. મૂળ સ્વરૂપ કો ખંડિત નહીં હોને દેંગે.’ 
આની સાથે ગુરુવારે નૅશનલ કમિશન ફૉર માઇનોરિટીઝ દ્વારા રાજ્ય સરકારને સૂચિત કરવામાં આવ્યું છે કે જૈનોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને જૈનોના સમેતશિખરજી તીર્થની પવિત્રતા ન જોખમાય એ માટે આ તીર્થમાં માંસ અને મદિરાનું વેચાણ ન થાય એ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.
મકરસંક્રાન્તિના બીજા દિવસે એટલે કે ૧૫ જાન્યુઆરીએ સમેતશિખરજીના પર્વત પર આદિવાસીઓ તેમના ઇષ્ટદેવ એટલે કે વૃક્ષો અને પ્રકૃતિની પૂજા કરવા લાખોની સંખ્યામાં જમા થાય છે. આ દિવસે જમા થયેલા લોકોએ દારૂનું સેવન અને બીભત્સ ગીતો પર ડાન્સ કરીને જૈનોના તીર્થની પવિત્રતા જોખમમાં મૂકી દીધી હતી. એને કારણે જૈન સમાજમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. એને કારણે દેશભરના જૈનોમાં ઊહાપોહ મચી ગયો હતો. 
જૈન સમાજે આ સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, કૉન્ગ્રેસનાં નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને રાજ્ય સરકારને આવેદનપત્રો આપીને ૧૫ જાન્યુઆરીએ સમેતશિખરજી પર બનેલી ઘટનાની આકરી ટીકા કરીને ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. દિગમ્બર જૈન સમાજના એક ગ્રુપ તરફથી સરકારને એક મહિનાનું અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું હતું. 
જૈનોના પત્રવ્યવહાર અને ચારે બાજુ ફેલાયેલા આક્રોશ પછી ગુરુવારે નૅશનલ કમિશન ફૉર માઇનોરિટીઝના જૉઇન્ટ સેક્રેટરી એ. ધનલક્ષ્મીએ ઝારખંડ સરકારના ચીફ સેક્રેટરીને પત્ર લખીને જૈનોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે જૈનોના સમેતશિખરજી તીર્થની પવિત્રતા ન જોખમાય એ માટે આ તીર્થમાં માંસ અને મદિરાનું વેચાણ ન થાય એ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.
આ ઘટના પછી દિગમ્બર સમાજના અને હાલમાં સમેતશિખરજી તીર્થમાં બિરાજમાન મુનિશ્રી પ્રમાણસાગરજી મહારાજસાહેબે શંકાના સમાધાન માટે સમેતશિખર તીર્થના આદિવાસી સમાજ સાથે મીટિંગ કરી હતી. એ જાણકારી આપતાં દિગમ્બર જૈન ગ્લોબલ મહાસભાના ફાઉન્ડર ટ્રસ્ટી અને શ્રી દિગમ્બર જૈન તીર્થરક્ષા કમિટી - મહારાષ્ટ્રના મંત્રી પારસ લોહાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મીટિંગમાં આદિવાસીઓના સૌથી મોટા સંથાલ સમાજના આગેવાનોએ મુનિશ્રીને જણાવ્યું હતું કે આજ સુધી અમારું કોઈએ સાંભળ્યું નથી કે અમને કોઈએ બોલાવ્યા નથી. અમે પહેલી વાર આવ્યા છીએ. અમે સમેતશિખરજી પર્વત પર કોઈ મંદિર બનાવતા નથી. અમે કોઈ મૂર્તિની પૂજા કરતા નથી. અમે માંસ-મદિરાનું સેવન કરતા નથી. અમે પર્વતની પવિત્રતા જાળવવાનો સંકલ્પ લઈએ છીએ. શરારતી તત્ત્વો આ તીર્થની કે પર્વતની પવિત્રતાનું ખંડન ન કરે એનું અમે ધ્યાન રાખીશું.’
અત્યાર સુધીમાં જૈન સમાજ તરફથી તીર્થની પવિત્રતા જાળવવા માટે કોઈ નિયમો બનાવવામાં આવ્યા નથી એમ જણાવતાં પારસ લોહાડેએ કહ્યું હતું કે ‘અફસોસ છે કે તીર્થવંદના માટે કોડ ઑફ કન્ડક્ટ બનાવવામાં આવ્યું નથી જેનાથી તીર્થના દરેક ભાગમાં આ કોડ ઑફ કન્ડક્ટ લખવાની જરૂર પડે. એના વગર જ જૈનો આ તીર્થની પવિત્રતા જાળવી રહ્યા છે. સંથાલ સમાજના આદિવાસીઓ ૨૨૦૦ ગામો અને ૫૦૦૦ કિલોમીટરમાં ફેલાયેલા છે. એ સિવાય મુંડા, આરોન, ભૂમિજ, અસુર, બિરહોર કોરવા, સાવર, માલ પહાડિયા, સોરિયા પહાડિયા આદિવાસીઓ પણ રહે છે. સંથાલ આદિવાસીઓ અભ્રક ખાણકામમાં અને બાકીના ખેતીમાં વધુ રોકાયેલા છે. બીજા મધુવનમાં દસ-બાર હજાર જૈનોની સેવામાં-ડોળીમાં રોકાયેલા છે. તમામ સંથાલ પ્રમુખોને સાંભળ્યા બાદ મુનિ શ્રી પ્રમાણસાગરજીએ કહ્યું હતું કે ‘વર્તમાન સમય બોલવાનો નથી, કરવાનો છે. કેટલીક ઘટનાઓ એવી બને છે કે લોકો એમના કૅમેરાનો ઉપયોગ કરીને સમાજને ઉશ્કેરે છે. આ જોઈને દુઃખ થાય છે. આ ઘટનાને આદિવાસી સમાજ સાથે જોડવી ખોટી છે. આદિવાસી સમાજ પણ આ વિસ્તારની પવિત્રતા જાળવવા માગે છે. અહીં જેઓ ગરબડ માટે જવાબદાર છે એ મૅનેજમેન્ટ સિસ્ટમ છે. નિયમો કેમ નથી બનાવતા? પૂજા માટે તીર્થની પવિત્રતા જૈન પદ્ધતિ પ્રમાણે કરવી જોઈએ. તહેવારની પવિત્રતા નીચેથી ઉપર સુધી જાળવી રાખો.’
જૈન સમાજની અમુક નબળાઈઓને કારણે જૈનોનાં અનેક તીર્થો અસુરક્ષિત બની ગયાં છે અથવા તો સરકારે જૈનોનાં આ તીર્થો પર કબજો કરીને જૈનોની લાગણીને દુભાવી છે એમ જણાવતાં જૈન ક્રાંતિકારી મંચના કન્વીનર અને ભાયખાલાના મોતીશા દેરાસરના ટ્રસ્ટી ઘેવર જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમેતશિખર તીર્થ પર સ્થાનિક રહેવાસીઓ વર્ષોથી ૧૫ જાન્યુઆરીએ તેમના ઇષ્ટદેવની પૂજા કરવા આવે છે જેના પર પ્રતિબંધ ક્યારે પણ મુકાશે નહીં. રાજ્ય સરકાર પણ પહેલાં સ્થાનિક રહેવાસીઓના જ પક્ષમાં રહેશે. આથી જૈન સમાજે બહુ કુનેહ અને સમજણપૂર્વક આ તીર્થનું સંચાલન કરવાની જરૂર છે.’ 

mumbai mumbai news rohit parikh