લૉકડાઉન આવે તો બીડીબી શું નિર્ણય લેશે એના પર હીરાબજારના વેપારીઓની નજર

13 April, 2021 09:15 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ગઈ કાલે વેપારીઓની સંખ્યા પાંખી રહી : આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા ગણતરીના લોકો જ આગળ આવ્યા

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ

આજે ગુઢીપાડવાના શુભ દિવસે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા હીરાબજાર – ભારત ડાયમન્ડ બુર્સનું કામકાજ ચાલુ રહેશે. જોકે એક તો બૅન્ક હૉલિડે અને એમાં પણ મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશન (એમડીએમએ)નો હૉલ આજે બંધ રહેશે એટલે બહુ ઓછા વેપારીઓ શુભ મુહૂર્તે ઑફિસ થોડા વખત માટે ખોલે એવી શક્યતા છે. ગઈ કાલે પણ માર્કેટમાં બહુ પાંખી સંખ્યા નોંધાઈ હતી.

શનિવાર અને રવિવારના લૉકડાઉન બાદ ગઈ કાલે સોમવારે પણ બહુ ઓછા વેપારી ભાઈઓ અને દલાલ ભાઈઓ માર્કેટમાં આવ્યા હતા. આમ પણ હાલ ૧૦ ટકા સ્ટાફ સાથે જ માર્કેટ ખુલ્લું છે. માર્કેટના માહોલ વિશે માહિતી આપતાં બ્રોકર દિલીપ શાહે કહ્યું હતું કે ‘ગઈ કાલે અને ગુઢીપાડવાના નિમિત્તે આજે હીરાબજાર તથા ભારત ડાયમન્ડ બુર્સ ચાલુ છે. જોકે ગઈ કાલે બહુ ઓછા લોકો માર્કેટમાં આવ્યા હતા. આરટી-પીસીઆર ટેસ્ટમાં પણ કોઈ લાઇન નહોતી. એમડીએમએના કુલ ૧૪,૦૦૦ મેમ્બર છે. સામાન્ય સંજોગોમાં એમાંના ૩,૦૦૦ નાના વેપારીઓ અને દલાલ ભાઈઓ આવતા હોય છે. હાલ ૧૦ ટકા સ્ટાફને એન્ટ્રી હોવાથી એમડીએમએના ૩૦૦ મેમ્બરોને વારાફરથી એન્ટ્રી આપવામાં આવે છે. જોકે ગઈ કાલે બહુ પાંખી હાજરી હોવાથી જો કોઈ મેમ્બરના કાર્ડ પર આજે એન્ટ્રી ન હોય અને તેના દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવે તો તેનું કાર્ડ ઓપન કરી આપવામાં આવતું હતું અને તેને એન્ટ્રીની સુવિધા કરી આપવામાં આવતી હતી. ગુરુવારથી લૉકડાઉન લાગવાની વાતો ચાલી રહી હોવાથી હવે આગળ જતાં ભારત ડાયમન્ડ બુર્સ શું નિર્ણય લે છે એના પર લોકોની નજર છે. એથી જે નાનાં-મોટાં કામ બાકી રહી ગયાં છે એ પતાવવા તરફ વેપારીઓ ધ્યાન દઈ રહ્યા છે અને મોટા ભાગે એ વેપારીઓ જ માર્કેટમાં આવી રહ્યા છે.’

coronavirus covid19 mumbai mumbai news bandra bkc bakulesh trivedi