21 June, 2026 07:03 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
માટુંગા વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. એમાં વડાલામાં રહેતાં પચાસ વર્ષનાં ગુજરાતી ગૃહિણીના આશરે ૬ લાખ રૂપિયાના હીરાજડિત સોનાના દાગીના એક બ્યુટી-પાર્લરમાંથી ગાયબ થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ગૃહિણીની ફરિયાદના આધારે માટુંગા પોલીસે શુક્રવારે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે બીજી બાજુ પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે મહિલાએ પોતાના દાગીના ટિશ્યુપેપર ફેંકતી વખતે ભૂલથી બ્યુટી-પાર્લરની બહાર ફેંકી દીધા હોઈ શકે છે, કારણ કે તેમના ગુમ થયેલા દાગીનામાંથી અમુક ઘરેણાં બ્યુટી-પાર્લરની બહારથી જ મળી આવ્યાં હતાં. આ મામલે પોલીસ બ્યુટી-પાર્લરના સ્ટાફની પણ વધુ તપાસ કરી રહી છે.
માટુંગા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દાદાસાહેબ ઘુટુકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વડાલાની SIWS કૉલેજ નજીક રહેતી ફરિયાદી મહિલા ૧૩ જૂને સાંજે માટુંગા-ઈસ્ટમાં આવેલા એક બ્યુટી-પાર્લરમાં ફેશ્યલ અને મસાજ કરાવવા ગઈ હતી. ત્યાં તેણે પોતાના કાનની રિંગ, બે બુટ્ટી અને નાકની નથ કાઢી બ્યુટિશ્યન પાસેથી એક ટિશ્યુપેપર લઈ એમાં આ તમામ દાગીના લપેટીને પોતાની કાળા રંગની હૅન્ડબૅગમાં રાખ્યા હતા અને બૅગ બાજુની ખુરસી પર મૂકી દીધી હતી. સૅલોંનું કામ પતાવીને તે પગપાળા ઘરે પાછી ગઈ હતી. બીજા દિવસે બૅગ તપાસતાં દાગીના ગાયબ જણાયા હતા. ચોરાયેલા અથવા ગુમ થયેલા આ દાગીનાઓમાં ૧૮ કૅરૅટ સોનાની હીરાજડિત કાનની રિંગો, હીરાની વીંટી અને અન્ય ઘરેણાં એમ આશરે ૬ લાખ રૂપિયાની માલમતા સામેલ છે. ફરિયાદી મહિલાએ બ્યુટી-પાર્લરના સ્ટાફ પાસે તપાસ કરી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. અંતે તેણે અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં મહિલાએ પોતાના દાગીના ટિશ્યુપેપરમાં રાખ્યા હોવાથી એવી પૂરેપૂરી શક્યતા છે કે તેણે પાર્લરમાંથી બહાર નીકળીને નકામું ટિશ્યુપેપર સમજીને ફેંકતી વખતે ભૂલથી દાગીના પણ બહાર ફેંકી દીધા હોય. આ શંકા એટલા માટે દૃઢ બને છે કારણ કે ગુમ થયેલા દાગીનામાંથી એક-બે ઘરેણાં બ્યુટી-પાર્લરની બહારથી જ મળી આવ્યાં છે. બ્યુટી-પાર્લરની અંદર CCTV કૅમેરા ન હોવાને કારણે અંદર ચોક્કસ શું બન્યું એ જાણી શકાયું નથી. જોકે અમે ત્યાં કામ કરતા સ્ટાફની સઘન પૂછપરછ કરી છે, જેમાં હાલ કંઈ શંકાસ્પદ જણાતું નથી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.’
ચોરાયેલા અથવા ગુમ થયેલા દાગીનાઓમાં ૧૮ કૅરૅટ સોનાની હીરાજડિત કાનની રિંગો, હીરાની વીંટી અને અન્ય ઘરેણાં હતાં