હીરાના વેપારી સાથે ૧૯ લાખ રૂપિયાના ડાયમન્ડની છેતરપિંડી

25 June, 2022 11:16 AM IST  |  Mumbai | Mehul Jethva

બીકેસીના વેપારીએ આ હીરા લુધિયાણાની પાર્ટીને મોકલવા માટે કુરિયર કંપનીને આપ્યા હતા, પણ ત્યાં પહોંચ્યા જ નહીં

હીરાના વેપારી સાથે ૧૯ લાખ રૂપિયાના ડાયમન્ડની છેતરપિંડી

બીકેસીમાં આવેલી ડાયમન્ડ માર્કેટનો એક વેપારી લુધિયાણાની એક પાર્ટીએ આપેલા ઑર્ડર પર ૧૯ લાખ રૂપિયાના ડાયમન્ડ લુધિયાણા મોકલવા માગતા હતા. એમાં એક કુરિયર કંપનીને માલ ડિલિવરી કરવા માટે આપતાં કુરિયર કંપનીએ વેપારીના એ ડાયમન્ડ લુધિયાણા ન પહોંચાડતાં વેપારી સાથે છેતરપિંડી કરી હતી. 
બીકેસીની ડાયમન્ડ માર્કેટમાં ડી. રાજ ડાયમન્ડ નામે વ્યવસાય કરતા ધ્રુમિલ ઝવેરીએ કરેલી ફરિયાદ અનુસાર ૧૧ જાન્યુઆરીએ લુધિયાણામાં આવેલી સોપાન જ્વેલરના માલિક આદિત્ય જૈને આશરે ૧૯ લાખ રૂપિયાના ડાયમન્ડનો ઑર્ડર આપ્યો હતો. તેમણે એ માલ પહોંચાડવા માટે અંધેરીસ્થિત આર. જે. કુરિયરને પૂછતાં તેમણે દોઢ દિવસમાં માલ લુધિયાણા પહોંચી જશે એવી માહિતી આપી હતી. એટલે તેમણે ૧૫.૫૧ કૅરૅટના કુલ ૧૯,૩૪,૯૪૫ રૂપિયાના ડાયમન્ડ ડિલિવરી કરવા માટે આર. જે. કુરિયરને આપ્યા હતા. બે દિવસ પછી પણ ડાયમન્ડ લુધિયાણા ન પહોંચતાં તેમણે કુરિયર કંપનીના માલિક મુકેશ ઝુનઝુનવાલાને પૂછતાં તેમણે અલગ-અલગ કારણો આપ્યાં હતાં. એ પછીના બે દિવસ બાદ પણ ડાયમન્ડ ન પહોંચતાં ધ્રુમિલભાઈએ બીકેસી પોલીસને ફરિયાદ પત્ર આપ્યો હતો જેના પર બીકેસી પોલીસે ગઈ કાલે આર. જે. કુરિયર કંપનીના માલિક મુકેશ ઝુનઝુનવાલા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી.
બીકેસી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ફરિયાદીના કહેવા અનુસાર કુરિયર કંપની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધીને વધુ તપાસ કરી રહ્યા છીએ. હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’

Mumbai mumbai news mehul jethva