ધારાવીની બૅગ હવે તમને મળશે સીએસએમટી સ્ટેશને

15 April, 2022 11:32 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

વડા પ્રધાન મોદીના વોકલ ફૉર લોકલના મંત્રને આગળ વધારવા રેલવેએ વન સ્ટેશન વન પ્રોડક્ટ પ્રોગ્રામ શરૂ કર્યો જેમાં સ્થાનિક ફેમસ વસ્તુઓ પ્લૅટફૉર્મ પર જ મળી રહેશે

સેન્ટ્રલ રેલવેનાં વિવિધ ડિવિઝનનાં સ્ટેશનો પર સ્થાનિક વસ્તુઓને પ્રમોટ કરવા આ રીતે સ્ટૉલ્સ લગાડેલા જોવા મળે છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડ ઇન ઇન્ડિયા સાથે વોકલ ફૉર લોકલના મંત્રને બૂસ્ટ કરવાના ઉદ્દેશથી રેલવેએ એક પગલું લીધું છે એ અનુસાર રેલવેએ ડિવિઝન પ્રમાણે આવતા સ્ટેશન પર સ્થાનિક વસ્તુઓને ઓળખ મળે એ હેતુસર વન સ્ટેશન વન પ્રોડક્ટ ઉપક્રમ શરૂ કર્યો છે. ૧૫ દિવસ માટે શરૂ કરાયેલા આ ઉપક્રમમાં સ્ટેશન પરિસરમાં જ આ વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી રહે છે. ઉલ્લેખનીય છે કે જે સ્ટેશન પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યાં આ ઉપક્રમને વધુ દિવસ ચાલુ રાખવામાં આવશે.

રેલવે પ્રવાસીઓ પ્રવાસ દરમિયાન જે સ્ટેશનની પ્રખ્યાત વસ્તુઓ લેવાની કે ખાવાની ઇચ્છા રાખતા હશે તેમને સ્ટેશન પર ઊતરીને દૂર ક્યાંય જવાની જરૂર નથી. સ્ટેશન પર જ ત્યાંની પ્રખ્યાત વસ્તુઓ પ્રવાસીઓને મળી રહેશે. સ્થાનિક પ્રોડક્ટ્સનો પ્રચાર થાય અને એક રીતે રોજગાર પણ નિર્માણ થઈ શકે છે. વન સ્ટેશન વન પ્રોડક્ટનો કન્સેપ્ટ કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયો હતો.
સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા એ. કે. જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વડા પ્રધાને આપેલા મંત્રને અનુસરીને રેલવેએ શરૂ કરેલા ઉપક્રમમાં સેન્ટ્રલ રેલવેનાં પાંચ ડિવિઝનનાં એક-એક સ્ટેશન પર સ્ટૉલ લગાડવામાં આવ્યા છે. સ્થાનિક વસ્તુઓને ઓળખ અને પ્રમોટ કરી શકાય એ માટે એ સ્ટેશનની સ્થાનિક વસ્તુઓને જ વેચવામાં આવી રહી છે. ૧૫ દિવસ માટે આ ઉપક્રમ હાથ ધરાયો છે અને જ્યાં વધુ રિસ્પૉન્સ મળશે ત્યાં દિવસો વધારવામાં પણ આવશે. મુંબઈ ડિવિઝનમાં ધારાવીની લેધરની બૅગ ને અન્ય વસ્તુઓ પ્રખ્યાત છે. સોલાપુરમાં ચાદર, કોલ્હાપુરમાં ચંપલ એમ ત્યાંની પ્રખ્યાત વસ્તુઓ સ્ટૉલ પર રાખવામાં આવશે. આગ્રાના પેંડા પછી બંગડીઓ, ખાવાના પદાર્થ જેવી વસ્તુઓ પણ સ્ટેશન પર તમને મળી રહેશે.’

જ્યારે કે વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા સુમિત ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘વેસ્ટર્ન રેલવે પણ વન સ્ટેશન વન પ્રોડક્ટ ઉપક્રમ ચલાવી રહ્યું છે. હાલમાં વાપી, બરોડા, રાજકોટ વગેરે સ્ટેશનોએ શરૂ કરાયું છે. જ્યારે મુંબઈ ડિવિઝનમાં ટૂંક સમયમાં શરૂ થશે. સ્થાનિક વસ્તુઓને ભારતભરમાં પ્રમોટ થાય અને એ વહેંચાય એ હેતુએ સ્ટૉલ્સ લગાડવામાં આવી રહ્યા છે.’

mumbai mumbai news narendra modi chhatrapati shivaji terminus dharavi preeti khuman-thakur