ઉદ્ધવ ઠાકરેના શાબ્દિક હુમલા બાદ દેવેન્દ્ર ફડણવીસે કર્યો વળતો હુમલો

25 January, 2022 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કહ્યું કે અમે તો વંદનીય બાળાસાહેબ ઠાકરેનું અભિમાન સાથે અભિવાદન કરીએ છીએ, પણ તમે સત્તા માટે જેની સાથે પલાંઠીવાળીને બેઠા છો એ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીએ તો શિવસેના સુપ્રીમોની જન્મજયંતીએ એક ટ્વીટ સુદ્ધાં ન કર્યું, આને કહેવાય લાચારી

ઉદ્ધવ ઠાકરેના શાબ્દિક હુમલા બાદ દેવેન્દ્ર ફડણવીસે કર્યો વળતો હુમલો

બાળ ઠાકરેની ૯૬મી જન્મ જયંતિ નિમિત્તે ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ૨૫ વર્ષની યુતિ તોડવા માટે બીજેપીને જવાબદાર ગણાવીને વધુ એક વખત કહ્યું હતું કે શિવસેનાએ નહીં બીજેપીએ દગો આપ્યો છે. એના ઉત્તરમાં વિરોધી પક્ષ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્વવ ઠાકરેને ગઈ કાલે સંભળાવ્યું હતું કે શિવસેનાનું અસ્તિત્વ નહોતું ત્યારે મુંબઈમાં બીજેપીના નગરસેવક હતા. બીજેપી સાથેની યુતિમાં ૨૫ વર્ષ નકામા ગયા હોવાનું તેઓ કહેતા હોય તો ૨૦૧૨ સુધી યુતિના અધ્યક્ષ બાળાસાહેબ ઠાકરે જ હતા. તો શું તમે એવું કહેવા માગો છો કે બાળાસાહેબે આ બધા વર્ષ યુતિ રાખીને શિવસેનાને સડાવી?’
દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું હતું કે ‘તમને ચૂંટણીઓ ભૂલવાની આદત છે એની યાદ અપાવું છું કે તમારા પક્ષનો જન્મ નહોતો થયો એના પહેલાથી મુંબઈમાં બીજેપીના નગરસેવક હતા, વિધાનસભ્યો હતા. ૧૯૮૪માં લોકસભાની ચૂંટણી તમે બીજેપીના નિશાન પર લડી હતી. મનોહર જોશી બીજેપીના નિશાન પર ચૂંટણી લડ્યા હતા. તમે બીજેપી સાથે સડ્યા હોવાનું કહો છો, પણ અમારી સાથે હતા ત્યારે રાજ્યમાં પહેલા નંબરે અને સાથ છોડ્યા બાદ આજે ચોથા નંબરે છો. આથી તમે કોની સાથે સડ્યા છો એનો નિર્ણય લો.’
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન દરેક ભાષણમાં એક જ વાત રીપીટ કરે છે. તેઓ શું બોલવાના છે તે શિવસૈનિકો પહેલેથી જ સમજી જાય છે. અમને હિન્દુત્વ શીખવો નહીં, રામ જન્મભૂમિ માટે અમે જ ત્યાં હતા એવું સતત તેઓ કહે છે. કોણ હતું તમારું? રામ જન્મભૂમિ આંદોલનમાં લાઠીઓ અને ગોળી ખાનારા અમે હતા. રામ જન્મભૂમિ અને બાબરીનો વિવાદ છોડો. આ કામ મોદીએ કરીને બતાવ્યું. તેમના નેતૃત્વમાં મંદિર બની રહ્યું છે. પણ તમે તો કલ્યાણના દુર્ગાડી અને શ્રીમલંગડની સમસ્યા ઉકેલી નથી શક્યા. શા માટે રામ જન્મભૂમિના ગપ્પા હાંકો છો. તમારું હિન્દુત્વ ભાષણ પૂરતું જ છે. પ્રયાગરાજમાં હિન્દુની આસ્થાનો કુંભ જે રીતે આયોજિત કરાયો તે માટે જે સુવિધા ઊભી કરાઈ તેવું કોઈ કામ તમે કર્યું છે? ૩૭૦ કલમ હટાવવા બાબતે તમારી ડબલ ભૂમિકા હતી. શા માટે હિન્દુત્વનું ગપ્પુ મારો છો. અમે તો વંદનીય બાળાસાહેબ ઠાકરેને અભિમાનથી અભિવાદન કરીએ છીએ, પણ અભિવાદન છોડો તેમના માટે એક ટ્વિટ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાસેથી કરાવીને બતાવો. આને તમારી લાચારી કહેવાય. તમે તેમના ફોટોને હાર પહેરાવો છો અને પણ બાળાસાહેબની જયંતિમાં એક ટ્વિટ કરતા પણ તેમને શરમ આવે છે. તેમની આવી વર્તણૂક હોવા છતાં સત્તા માટે તેમની સાથે પલાઠી વાળીને બેસો છો એનાથી મોટી લાચારી શું હોય?’
વિરોધી પક્ષ નેતાએ અંતમાં કહ્યું હતું કે ‘તમારા ભાષણમાં મહારાષ્ટ્રના હિતની કોઈ વાત નથી હોતી. રાજ્યને કઈ દિશામાં લઈ જઈશું એની કોઈ માહિતી નથી હોતી. ગોટાળા કરવા બદલ ગૃહ પ્રધાન જેલમાં છે, સુધરાઈમાં થતી લૂંટ, દરોડા વગેરે પર શું બોલું. તેમને બધી ખબર છે. બીજેપી પોતાની હિંમત પર એકલે હાથે સરકાર બનાવશે અને શિવસેના વિના લડીને રાજ્યમાં ૧ નંબરનો પક્ષ બનાવીને જ રહેશે.’
ફડણવીસના આ આક્ષેપો પછી શિવસેના આનો જવાબ આપ્યા વિના નહીં રહે એ તો નક્કી જ છે અને વાગ્યુદ્ધ ઉગ્ર બનશે.

Mumbai mumbai news rahul gandhi congress shiv sena uddhav thackeray devendra fadnavis sonia gandhi