ફડણવીસની મોદી-શાહ જોડે મુલાકાત: નેતા કહે છે રાજકારણની ચર્ચા કરી નહોતી

18 July, 2020 06:50 AM IST  |  Mumbai | Dharmendra Jore

ફડણવીસની મોદી-શાહ જોડે મુલાકાત: નેતા કહે છે રાજકારણની ચર્ચા કરી નહોતી

દેવેન્દ્ર ફડણવીસ, નરેન્દ્ર મોદી

રાજકીય વર્તુળોમાં અટકળો અને તર્ક-વિતર્કો વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને રાજ્ય સ્તરે બીજેપીના આગેવાન દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. ફડણવીસે બન્ને કેન્દ્રીય નેતાઓને મળીને રાજ્યમાં રોગચાળાની અને રાજકીય સ્થિતિની માહિતી આપી હતી. એ મુલાકાતમાં રાજકારણની ચર્ચા નહીં પણ રાજ્યના સાખર કારખાનાંના સંચાલકોની સમસ્યાઓની રજૂઆત કરી હોવાનું ફડણવીસે જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત વેળા દેવેન્દ્ર ફડણવીસ એકલા હતા, પરંતુ અમિત શાહ જોડેની મુલાકાત વેળા એમની સાથે બીજેપી સાથે સંકળાયેલા સહકારી સાખર કારખાનાંના સંચાલકો હતા. દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓ કેન્દ્રના ખેતીવાડી ખાતાના પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને ગ્રાહકોની બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાનને પણ મળ્યા હતા.

રાજસ્થાનની રાજકીય કટોકટી અને મહારાષ્ટ્રમાં પણ ત્યાંની ઘટનાઓના પુનરાવર્તન અને મહાવિકાસ આઘાડી સરકારની એ જ સ્થિતિ થવાના ભણકારા વચ્ચે ફડણવીસની કેન્દ્રીય નેતાઓ જોડે મુલાકાતને રાજકીય નિરીક્ષકો શંકાની નજરે જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : કોરોના વાઈરસ અપડેટ: ઉત્તર મુંબઈમાં સૌથી વધારે એક્ટિવ કેસ

દેવેન્દ્ર ફડણવીસે પત્રકારોને જણાવ્યું હતું કે ‘કોઈ પણ પ્રકારની અફવાઓ ભલે ફેલાય, અમને મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવી પાડવામાં સહેજ પણ રસ નથી. આ સરકાર એના પોતાના વિરોધાભાસી વર્તનને કારણે પડવાની છે. સરકાર આપોઆપ તૂટી પડે ત્યારે જે કરવાનું હોય એ કરીશું, પરંતુ હાલમાં ઓપરેશન લોટસ જેવું કોઈ પ્લાનિંગ નથી.’

devendra fadnavis narendra modi amit shah mumbai mumbai news dharmendra jore