હુમલા સહન ન કરનારું આ નવું ભારત છે એ બતાવી દીધું

08 May, 2025 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍર સ્ટ્રાઇક વિશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...

ગઈ કાલે મુંબઈની લોકલ ટ્રેનમાં એકનાથ શિંદે અને શિવસેના પરિવારે ભારતીય સૈન્ય અને નરેન્દ્ર મોદીને અભિનંદન આપતી જાહેરખબરો આપી હતી. તસવીર : સતેજ શિંદે

ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓના અડ્ડાઓને ઉડાડી દીધા છે એ વિશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘પાકિસ્તાનના માધ્યમથી ભારતમાં આતંકવાદી હુમલા કરવામાં આવી રહ્યા છે એનો જવાબ આપણી ઍર ફોર્સે ૯ જગ્યાએ ઍર સ્ટ્રાઇક કરીને આપી દીધો છે. ૧૫ દિવસ પહેલાં પહલગામમાં નિર્દોષ ટૂરિસ્ટોને નામ અને ધર્મ પૂછી-પૂછીને ગોળી મારવામાં આવી હોવાથી પાકિસ્તાનના આતંકવાદીઓ સામે ભારતમાં જબરદસ્ત આક્રોશ છે. ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને આ દેશને નકશામાંથી ગાયબ કરી દેવો જોઈએ એવી ભાવના લોકો વ્યક્ત કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામના હુમલા બાદ કહ્યું હતું કે જબરદસ્ત જવાબ આપવામાં આવશે, આવી ઘટના ભારત સહન નહીં કરે. ભારતની સેનાએ આતંકવાદીઓના અડ્ડા નષ્ટ કરીને વડા પ્રધાને કહ્યા મુજબ જ જવાબ આપ્યો છે. આ નવું ભારત છે, હવે હુમલો સહન નહીં કરે એ ભારતે બતાવી દીધું છે. પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ આપણે ૧૩-૧૪ દિવસ દુનિયાના અનેક દેશો સાથે સંપર્ક કરીને આ અટૅક માટે પાકિસ્તાન કેવી રીતે દોષી છે એની માહિતી પુરાવા સાથે આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહે વિવિધ દેશ સાથે ચર્ચા કરીને પાકિસ્તાને કેવી રીતે ભારતમાં હુમલા કરાવ્યા છે એની માહિતી પણ આપી હતી. આથી જ આજે આપણે ઍર સ્ટ્રાઇક કરી ત્યારે વિશ્વના મોટા ભાગના દેશ ભારત સાથે છે. ભારતે ઍર સ્ટ્રાઇકમાં પાકિસ્તાનના ઉત્તરથી લઈને દક્ષિણ સુધીના આતંકવાદીઓના તમામ અડ્ડા નષ્ટ કરી દીધા છે.’

operation sindoor devendra fadnavis Pahalgam Terror Attack terror attack amit shah narendra modi india pakistan Pakistan occupied Kashmir Pok mumbai news mumbai news