અટૅક સામે કાઉન્ટર અટૅક

16 May, 2022 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવ ઠાકરેએ બીજેપી અને સંઘ પર જે આરોપ કર્યા હતા એનો દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલની સભામાં આપ્યો જોરદાર જવાબ

ગોરેગામના નેસ્કોમાં ગઈ કાલે જાહેર સભામાં દેવેન્દ્ર ફડણવીસને કાર્યકર્તાઓએ ગદા ભેટમાં આપી હતી. (તસવીર : શાદાબ ખાન)

મુખ્ય પ્રધાન અને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે બાંદરા-ઈસ્ટના બીકેસી મેદાનમાં આયોજિત જાહેર સભામાં બીજેપી, આરએસએસ અને દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહાર કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેને જવાબ આપવા માટે ગઈ કાલે ગોરેગામના નેસ્કો ગ્રાઉન્ડમાં દેવેન્દ્ર ફડણવીસની ‘હિન્દી ભાષી મહાસંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાની શરૂઆતમાં સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ શનિવારની સભામાં હિન્દુત્વ, આરએસએસ અને બીજેપી પર કરેલા પ્રહારનો જવાબ દેવેન્દ્ર ફડણવીસે આપવાની સાથે મુંબઈ બીએમસીની ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ‘મુંબઈનો બાપ’ હોવાનું કહ્યું હતું એના જવાબમાં તેમણે મુંબઈ જ નહીં, મહારાષ્ટ્રનો બાપ છત્રપતિ શિવાજી મહારાજ જ હોવાનું કહ્યું હતું. મુંબઈને કોઈ મહારાષ્ટ્રથી અલગ નહીં કરી શકે, પણ અમે મુંબઈને ભ્રષ્ટાચારથી મુક્ત કરીને અલગ લેવલ પર લઈ જવા માગીએ છીએ એમ તેમણે કહ્યું હતું. 
ગોરેગામ-ઈસ્ટમાં આવેલા નેસ્કો ગ્રાઉન્ડમાં ગઈ કાલે હિન્દી ભાષી મહાસંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગોવા, ઉત્તરાખંડ, મણિપુર અને ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધી પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે ઉદ્ધવ ઠાકરેએ ઉઠાવેલા સવાલના જવાબ આપ્યા હતા. ભાષણના અંતમાં તેમણે હિન્દુઓને જગાડવા માટે ‘જાગો તો એક બાર જાગો, જાગો તો... જાગો તો એક બાર હિન્દુ જાગો...’ ગીત સૌને ગવડાવ્યું હતું.

હિન્દુત્વ
ઉદ્ધવ ઠાકરેએ બીજેપીનું હિન્દુત્વ નકલી હોવાનું કહ્યું હતું એના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘એક સમયે આપણા દેશમાં બાળાસાહેબ ઠાકરે ખરા વાઘ હતા. તમે સત્તા મેળવવા માટે એવા લોકો સાથે બેઠા છો કે તમારે શિવાજી મહારાજની તલવાર મ્યાન કરવી પડી છે. આજે દેશમાં કોઈ વાઘ હોય તો એ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. આતંકવાદી કોઈની હત્યા કરે છે તો તેનો તેઓ જડબાતોડ જવાબ આપે છે. સર્જિકલ સ્ટ્રાઇક અને જમ્મુ-કાશ્મીરની કલમ ૩૭૦ હટાવીને તેમણે એ પુરવાર કર્યું છે. તમે ઔરંગઝેબની કબર પર માથું ટેકવનારને કંઈ નથી કરતા અને હનુમાન ચાલીસા બોલનારાઓને જેલમાં ધકેલાવી દો છો. બાળાસાહેબ ઠાકરે આવું ક્યારેય ન સ્વીકારત.’

આરએસએસનો ઇતિહાસ વાંચો
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આરએસએસે કોઈ સ્વતંત્રતા ચળવળમાં ભાગ નહોતો લીધો એમ કહ્યું હતું. એના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેએ ઇતિહાસ વાંચવાની જરૂર છે. તેઓ સોનિયા ગાંધીની ભાષા બોલી રહ્યા છે. આરએસએસના હેડગેવાર સહિતના અનેક નેતાઓ સ્વતંત્રતા ચળવળમાં સામેલ હતા અને મહારાષ્ટ્રની ચળવળમાં પણ જનસંઘ સક્રિય હતું. તમે મોઢામાં સોનાની ચમચી સાથે જન્મ્યા છો એટલે આની તમને ખબર નહીં હોય. તમે કોઈ સંઘર્ષ કે આંદોલનમાં સામેલ નહોતા અને અમને સવાલ કરી રહ્યા છો?’

લાઠી-ગોલી ખાએંગે, મંદિર વહીં બનાએંગે
દેવેન્દ્ર ફડણવીસ બાબરી ઢાંચાને તોડતી વખતે અયોધ્યા ગયા હોવા વિશે ઉદ્ધવ ઠાકરેએ સભામાં શંકા વ્યક્ત કરી હતી. આ વિશે વિરોધી પક્ષના નેતાએ કહ્યું હતું કે ‘ઉદ્ધવજી, ૧૯૯૨ના ફેબ્રુઆરી મહિનામાં હું નગરસેવક બન્યો. જુલાઈમાં વકીલ થયો અને ત્યાર બાદ અયોધ્યા કારસેવક તરીકે પહોંચ્યો હતો. મને ગર્વ છે કે હું અયોધ્યા ગયો હતો અને ‘લાઠી-ગોલી ખાએંગે, મંદિર વહીં બનાએંગે’ કહેતાં-કહેતાં અમે ઢાંચાને તોડ્યો હતો. બદાયુની જેલમાં હતો ત્યારે શિવસૈનિકોની બહુ રાહ જોઈ હતી, પરંતુ એક પણ એ સમયે દેખાયો નહોતો. આજે પણ દેશને જરૂર પડશે તો કારસેવક બનીશ.’

વજનથી સાવધાન
ઉદ્ધવ ઠાકરેએ સભામાં દેવેન્દ્ર ફડણવીસના વજનની મશ્કરી કરી હતી. તેમણે કહ્યું હતું કે ખરેખર જો તેઓ અયોધ્યા ગયા હોત તો તેમના વજનથી જ બાબરીનો ઢાંચો તૂટી પડ્યો હોત. બીજાઓએ મહેનત ન કરવી પડત. આના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘એ સમયે મારું વજન ૧૨૮ કિલો હતું અને આજે ૧૦૨ કિલો છે. તમારે વજનદાર લોકોથી સાવધાન રહેવું જોઈએ. બીજેપીના નામે મત મેળવ્યા બાદ મારી પીઠમાં ખંજર હુલાવીને સત્તા મેળવી છે. વિશ્વાસઘાત બાદ હું તૂટી પડીશ એવું તેઓ માનતા હતા, પરંતુ હું તેમને પડકાર ફેંકી રહ્યો છું એ તેમને ખૂંચે છે.’

ડૉ. દીપક અમરાપુરકરની વાત કરો
ઉદ્ધવ ઠાકરેએ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની આતંકવાદીએ હત્યા કરવા બાબતે બીજેપીની નીતિ સામે સવાલ કર્યા હતા. એના જવાબમાં ગઈ કાલે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘કાશ્મીરની વાત પછી કરો. પહેલાં મુંબઈમાં ચોમાસામાં પાણી ભરાય છે ત્યારે લોકોને પડતી મુશ્કેલીનો જવાબ આપો. પરેલમાં ડૉ. દીપક અમરાપુરકર ખુલ્લી ગટરમાં પડીને મૃત્યુ પામ્યા હતા એનો જવાબ જનતાને આપો. દર વર્ષે હજારો કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા, ગટર અને ફુટપાથ બને છે તો એ તૂટી કેવી રીતે જાય છે?’

મુંબઈ-મહારાષ્ટ્રનો એક જ બાપ
ઉદ્ધવ ઠાકરેએ શનિવારની સભામાં મુંબઈમાં શિવસેના જ બાપ હોવાનો હુંકાર કર્યો હતો. એના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘બાળાસાહેબ ભોળા હતા એવું તેઓ કહે છે. સાચી વાત છે. વાઘ ભોળો હોય છે, તો ધૂર્ત કોને કહેવાય? મારે કંઈ કહેવાની જરૂર નથી. મુંબઈ જ નહીં, મહારાષ્ટ્રનો એક જ બાપ છે અને તેનું નામ છે છત્રપતિ શિવાજી મહારાજ. કોઈ અનૈતિક સંબંધથી પેદા થયેલો ક્યારેય કોઈનો બાપ ન બની શકે.’

લંકાનું ટૂંક સમયમાં દહન થશે
વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે મુંબઈ બીએમસીની ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘આજે સભાની શરૂઆત સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કરીને કર્યા બાદથી રાવણની લંકા ટૂંક સમયમાં જ બળીને ખાખ થઈ જશે. અમારી સાથે વાનરસેના છે એ તૈયાર જ બેઠી છે. તેઓ ચૂંટણી ગમે એટલી પાછળ ઠેલે, આ વખતે મુંબઈ બીએમસી પર બીજેપીનો જ ભગવો લહેરાશે.’

મુંબઈને મહારાષ્ટ્રથી નહીં, ભ્રષ્ટાચારથી અલગ કરવું છે

બીજેપી મુંબઈને મહારાષ્ટ્ર અને મરાઠીઓથી જુદું કરવાનું કાવતરું ઘડી રહી હોવાનો આરોપ મુખ્ય પ્રધાને કર્યો હતો. આ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘મુંબઈને જુદું કરવું છે, પરંતુ મહારાષ્ટ્રથી નહીં, ભ્રષ્ટાચારથી. સત્તાધારી શિવસેનાએ મુંબઈના રસ્તા, ગટર, ફુટપાથ અને ઉંદર મારવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને મુંબઈગરાઓના રૂપિયા બરબાદ કર્યા છે. શિવસેનાને હનુમાન ચાલીસાની બે લાઇન ‘રામ દુઆરે તુમ રખવાલે, હોત ન આજ્ઞા બીન પૈસા રે’ મુજબ તમે રામના નામે મત મેળવીને સત્તા મેળવી હતી. તમે સામાન્ય લોકોના રૂપિયા લૂંટવાનું કામ જ કર્યું છે. અમે મુંબઈગરાઓના રૂપિયા બચાવીને શહેરને નવી ઊંચાઈએ લઈ જવા માગીએ છીએ.’

mumbai mumbai news shiv sena uddhav thackeray bharatiya janata party devendra fadnavis