અવઢવ: વૅક્સિન લેવી કે નહીં?

20 January, 2021 08:21 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

અવઢવ: વૅક્સિન લેવી કે નહીં?

ફાઈલ તસવીર

દેશભરમાં કોરોના સામે લડવા માટે વૅક્સિનની કાગડોળે રાહ જોવાઈ રહી હતી, પણ હવે જ્યારે વૅક્સિન આવી ગઈ છે અને સરકાર દ્વારા ખાતરી પણ અપાઈ છે કે વૅક્સિન લઈને તમે કોરોના સામે સેફ રહી શકો છો છતાં એ લેવા માટે માત્ર ૫૦ ટકા  લોકો જ આવી રહ્યા હોવાથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. લોકો વૅક્સિન લેવા બાબતે અવઢવમાં હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે.     

રસી લેવા માટે કન્ફ્યુઝન શું કામ?

વૅક્સિન ક્યારે આવશે એવા સવાલો અત્યાર સુધી પુછાતા હતા પણ હવે જ્યારે રસી આવી ગઈ છે ત્યારે કેમ ઓછા લોકો વૅક્સિન લઈ રહ્યા છે એવો પ્રશ્ન થાય છે. ખાસ કરીને હાલના પહેલા તબક્કામાં હૉસ્પિટલો, સરકારી દવાખાનાં, આરોગ્ય સેન્ટર સાથે જોડાયેલા અને બીએમસી હેલ્થ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સહિત મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલાને કોવિશીલ્ડ અને કોવૅક્સિનનો ડોઝ અપાઈ રહ્યો છે. તેમનું પહેલાંથી રજિસ્ટ્રેશન પણ કરાવાયું છે અને તેમને એ માટે જાણ પણ કરાઈ છે. એટલું જ નહીં, તેમને એ માટે ફોન કરીને રિમાઇન્ડર કૉલ પણ કરાય છે એમ છતાં, માત્ર ૫૦ ટકા જ લોકો વૅક્સિન લેવા આવી રહ્યા છે. પહેલા દિવસે મુંબઈમાં ૪૦૦૦ લોકોને વૅક્સિનેટ કરવાના હતા એ સામે માત્ર ૧૯૨૬ જણે વૅક્સિન લીધી હતી, જ્યારે ગઈ કાલે ૩૨૦૦ લોકોને વૅક્સિન આપવાની હતી એ સામે માત્ર ૧૫૯૭ લોકોએ જ વૅક્સિન લીધી હતી.

આ બાબતે ‘મિડ-ડે’એ બીએમસીનાં ઍક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર મંગલા ગોમારેને ફોન કરીને કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ ઍડલ્ટ વૅક્સિન છે. પુખ્ત વયનાઓ માટેની છે. લોકોએ જાતે નિર્ણય લેવાનો છે લેવી કે નહી. વળી વૅક્સિન લેવા અપૉઇન્ટમેન્ટ આપી હોવા છતાં ઘણા લોકો એ સમય જાળવી શકતા નથી. કોઈને કામ આવી ગયું હોય કે પછી અન્ય કોઈ કારણ હોય, એથી તે લોકો વૅક્સિન લેવા આવી શકતા નથી. વળી વૅક્સિન લેવા આવતી વખતે બે કલાક સમય ફાળવવા પડે છે, જે કેટલાક લોકોને શક્ય બનતું નથી. એમ છતાં, ૫૦ ટકા લોકો પણ વૅક્સિન લઈ રહ્યા છે એ સારી જ બાબત છે.’

આ સિવાય તેમણે ઉમેર્યું હતું કે ‘અમે આ જ કારણસર જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પણ તેમને હજી ડેટ અલોટ નથી કરાઈ તે લોકો પણ જો વૅક્સિન લેવા માગતા હોય તો ડાયરેક્ટ સેન્ટર પર આવી તેમનો મોબાઇલ નંબર અમને કહેશે તો અમે તેમનું રજિસ્ટ્રેશન વેરિફાઈ કરી તેમને એજ દિવસે વૅક્સિન આપી દઈશું. આમ એ લોકોને પણ હવે વધુ રાહ જોવી નહીં પડે. ઍપમાં પણ એ ઑપ્શન ઍડ્ કરવામાં આવી રહ્યો છે. વળી અમને ટૂંક સમયમાં વૅક્સિનના વધુ ડોઝ પણ મળી રહ્યા છે. એથી વધુ લોકોને વૅક્સિન આપી શકાશે.’

વૅક્સિનેશન રજિસ્ટ્રેશન અને અપૉઇન્ટમેન્ટ માટે ઍપનો વિકલ્પ તો હતો જ, પણ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ફોન કરીને પણ જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને ફોન કરીને પણ એ લેવા આવવાની જાણ કરાઈ રહી છે.

વૅક્સિન કોણે ન લેવી

કોવૅક્સિન વૅક્સિન બનાવનાર ભારત બાયોટેકે કહ્યું છે કે ‘ગર્ભવતી મહિલાઓ,  કૅન્સરના દરદીઓ જેમને કિમો થેરપી ચાલી છે તેઓ, એચઆઇવી પેશન્ટ કે જેમની રોગપ્રતિકારક શક્તિ બહુ ઓછી હોય તેમણે વૅક્સિન લેવી નહીં. ડૉક્ટરોનું પણ કહેવું છે કે તે લોકો પર વૅક્સિનની અસર ઓછી થતી હોય છે.

બન્ને વૅક્સિન લેવાની પ્રોસિજર અલગ

મુંબઈનાં ૧૯ સેન્ટરોમાં કોવિશીલ્ડ લેવા ન માગતા હોય, પણ ભારત બાયોટેકની કોવૅક્સિન લેવા માગતા હોય એવા લોકોને એ લેવામાં બમણો સમય લાગે છે. કોવિશીલ્ડ વૅક્સિન આપવામાં ૪ મિનિટનો સમય લાગે છે, જ્યારે કોવૅક્સિન આપવામાં તેનાથી બમણા જેટલો સમય લાગે છે, કારણ કે કોવૅક્સિન લેનાર પાસેથી એ માટેની મંજૂરી (ડેકલેરેશન) લખાવી લેવાય છે. ઉપરાંત તેમના બ્લડ પ્રેશર, ટેમ્પરેચર અને ઑક્સિજન લેવલ પણ ચેક કરાય છે. એટલું જ નહીં, તેમને એમ પણ પૂછવામાં આવે છે કે તમે છેલ્લે કોની સાથે પ્રવાસ કર્યો. એ પછી વૅક્સિન લેનારને એક ફોર્મ આપવામાં આવે છે જેમાં તેણે વૅક્સિન લીધા પછીના સાત દિવસમાં તેમને જો કોઈ લક્ષણો દેખાય તો એની નોંધ કરવાની છે. જોકે એમાં દર્શાવેલાં લક્ષણો સામે માત્ર ટીક કરવાની છે. જ્યારે સામે પક્ષે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ લેનારને એવા કોઈ જ સવાલ કરાતા નથી કે ફોર્મ અપાતું નથી.

કોવૅક્સિન એ મૃત વાઇરસમાંથી બનાવાઈ છે, એથી એ સેફ છે. એની સાઇડ ઇફેક્ટ બહુ જ ઓછી અથવા નગણ્ય હોઈ શકે એમ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઑફ મેડિકલ એજ્યુકેશનના વડા ડૉ. ટી.પી. લહાણેએ જણાવ્યું છે. જો કોઈને સામાન્ય તાવ આવે કે બૉડી પેઇન, કળતર થાય તો ગભરાવું નહીં, કારણ કે એ વૅક્સિન લીધા પછી એ સામાન્ય લક્ષણો છે. એટલે જ વૅક્સિન લેનારને ૩ દિવસ સવાર, બપોર, સાંજ એમ દિવસમાં ત્રણ વખત પૅરાસિટામોલની ટૅબ્લેટ લેવા માટે અપાઈ છે.

ગઈ કાલે કઈ હૉસ્પિટલમાં કેટલા લોકોને વૅક્સિન અપાઈ

કેઈએમ          ૩૦૭

સાયન            ૧૧૦

કૂપર             ૨૨૯

નાયર            ૧૬૫

વી.એન.દેસાઈ   ૫૯

શતાબ્દી          ૨૩૬

રાજાવાડી         ૨૮૫

બીકેસી જમ્બો    ૧૦૩

ભાભા (બાંદરા)   ૯૦

જેજે                ૧૩

coronavirus covid19 maharashtra mumbai mumbai news