હમ ભી કુછ કમ નહીં

11 June, 2022 09:39 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

દોઢ મહિનાથી સેન્ટ્રલ આફ્રિકામાં પતિએ ઘરમાં ગોંધી રાખેલી ગુજરાતી યુવતીને વિદેશમાં ડોમેસ્ટિક વાયલન્સનો મુશ્કેલ મામલો હોવા છતાં મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસે ફક્ત ૨૪ કલાકમાં હેમખેમ ભારત પહોંચાડી

ગુજરાતી યુવતીને આફ્રિકાથી ભારત લાવવાનું ઑપરેશન પાર પાડનારાં ભરોસા સેલનાં અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર તેજશ્રી શિંદે.

ડોમેસ્ટિક વાયલન્સ એટલે કે ઘરેલુ મારપીટમાં સામાન્ય રીતે પોલીસ ફરિયાદ નોંધવા સિવાય ખાસ કોઈ કાર્યવાહી કરતી ન હોવાની છાપ છે. જોકે સેન્ટ્રલ આફ્રિકામાં દોઢ મહિનાથી પતિની મારપીટનો સામનો કરી રહેલી અને ઘરમાં ગોંધી રાખવામાં આવેલી ગુજરાતી યુવતીનો મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના ભરોસા સેલની ટીમે માત્ર ૨૪ કલાકમાં પતિની ચુંગાલમાંથી છુટકારો કરીને તેને મુંબઈ પહોંચાડી છે. આ ગુજરાતી યુવતીને સપનામાંય ખ્યાલ નહોતો કે તેને ભારતની પોલીસ ફરિયાદ કર્યાના ગણતરીના કલાકમાં છેક આફ્રિકાથી ભાઈંદરમાં આવેલા તેની માતા-પિતાના ઘરે પહોંચવામાં મદદરૂપ થશે. પોલીસે ભારત અને આફ્રિકન એમ્બેસીની મદદથી આ ઑપરેશન પાર પાડ્યું હતું.
પતિ-પત્ની કે પરિવાર તેમ જ નાના-મોટા મામલાની પતાવટ કરવા માટે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ દ્વારા ભરોસા સેલ બનાવવામાં આવ્યો છે. આ સેલમાં ફરિયાદ લઈને આવતા લોકોનું પોલીસની ટીમ કાઉન્સેલિંગ કરીને નાની-મોટી ફરિયાદ પતાવે છે. ૩ જૂને ભાઈંદરમાં રહેતી એક ગુજરાતી મહિલા ભરોસા સેલમાં સામેલ અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર તેજશ્રી શિંદે પાસે આવી હતી અને તેણે પોતાની સેન્ટ્રલ આફ્રિકામાં પતિએ ગોંધી રાખેલી દીકરીનો વિડિયો બતાવ્યો હતો. દીકરીને કોઈ પણ રીતે ભારત લાવવા માટે તેણે પોલીસની મદદ માગી હતી.
પોલીસ અધિકારી તેજશ્રી શિંદે આફ્રિકામાં ઘરમાં ગોંધી રાખવામાં આવેલી યુવતીનો વિડિયો જોઈને ચોંકી ઊઠી હતી અને તેમણે તેને કોઈ પણ રીતે મદદ કરવાનો નિર્ણય લીધો હતો. ડોમેસ્ટિક વાયલન્સના આ કેસમાં સેન્ટ્રલ આફ્રિકામાં ફસાયેલી યુવતીને કેવી રીતે અહીંથી મદદ કરી શકાય એ બાબતે તેજશ્રી શિંદેએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડીસીપી ડૉ. મહેશ પાટીલ (ક્રાઇમ) અને એસીપી અમોલ માંડવેનું માર્ગદર્શન મેળવ્યું હતું અને યુવતીને આફ્રિકાથી મુંબઈ પાછી લાવવા માટેનું ઑપરેશન શરૂ કર્યું હતું. યુવતી ગઈ કાલે એટલે કે શુક્રવારે સવારે જ આફ્રિકાથી ભાઈંદર પહોંચી હતી. તેનું લગ્નજીવન મુશ્કેલીમાં હોવાથી પોલીસે તેની ઓળખ છતી નથી કરી.
૨૪ કલાકમાં ઑપરેશન પાર પાડ્યું
યુવતીએ આપેલી માહિતી મુજબ તપાસ અધિકારી તેજશ્રી શિંદેએ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં આવેલા ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉન્ગો, ગબૉન ખાતેના ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો અને યુવતીએ તેનો પતિ જે કંપનીમાં જૉબ કરે છે એની માહિતી આપી હતી. આ વિશે તેજશ્રી શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેન્ટ્રલ આફ્રિકામાં આવેલા ભારતીય દૂતાવાસના સ્ટાફને રજૂઆત કર્યા બાદ તેમણે તાત્કાલિક ત્યાંની પોલીસની મદદથી યુવતીના પતિની ઑફિસમાં સંપર્ક કર્યો હતો અને તેના ઘરનું ઍડ્રેસ મેળવ્યું હતું. ગણતરીના કલાકોમાં જ પોલીસે યુવતી જે ઘરમાં હતી ત્યાં પહોંચીને તેને રેસ્ક્યુ કરી હતી. બાદમાં તેને નજીકમાં રહેતા ભારતના એક પરિવારના ઘરમાં થોડો સમય રાખવામાં આવી હતી. અહીંથી તેને ઍરપોર્ટ લઈ જવાઈ હતી અને ગઈ કાલે એટલે કે શુક્રવારે સવારે ૮.૩૦ વાગ્યે તે મુંબઈ ઍરપોર્ટ પર પહોંચી હતી. અમારી ટીમ તેને ઍરપોર્ટથી રિસીવ કરીને ભાઈંદરમાં આવેલા તેની માતાના ઘર સુધી મૂકી આવી હતી.’
નોકરાણીના ફોનથી સંપર્ક
પતિએ તેનો ફોન આંચકી લીધો હતો તો યુવતીએ ભાઈંદરમાં રહેતી તેની મમ્મીનો કેવી રીતે સંપર્ક કર્યો હતો એ વિશે ઇન્સ્પેક્ટર તેજશ્રી શિંદેએ કહ્યું હતું કે ‘યુવતીનો પતિ જૉબ પર ચાલ્યો જતો ત્યારે તે ઘરમાં કામ કરવા આવતી મહિલાના ફોનથી માતાને વિડિયો કૉલ કરીને પોતાની સ્થિતિની માહિતી આપતી હતી અને પોતાને કોઈ પણ રીતે પતિની પકડમાંથી છોડાવવાની વિનંતી કરતી હતી. પતિની મારપીટના કેટલાક વિડિયો પણ તેણે મમ્મીને મોકલ્યા હતા.’
રેસ્ક્યુનો મુશ્કેલ નિર્ણય
વિદેશમાં ડોમેસ્ટિક વાયલન્સનો મુશ્કેલ મામલો હોવા છતાં મદદ કરવાનો નિર્ણય કેવી રીતે લીધો? આ વિશે તપાસ અધિકારી તેજશ્રી શિંદેએ કહ્યું હતું કે ‘યુવતીએ તેના પતિની મારપીટનો જે વિડિયો મોકલ્યો હતો એ જોઈને હું ધ્રૂજી ગઈ હતી. માત્ર એક વર્ષના લગ્નજીવનમાં દોઢ મહિના પહેલાં જ પતિની સાથે ગયેલી યુવતીની તેનો પતિ દરરોજ મારપીટ કરતો હતો. વિડિયોમાં તેનો ચહેરો સૂજી ગયેલો જોઈને થયું કે મુશ્કેલ હોવા છતાં તેને બચાવવાનો એક પ્રયાસ તો કરી શકાય. બસ, આ વિચારથી મેં મારા ઉપરી અધિકારીઓની પરવાનગી લઈને ભરોસા સેલની ટીમના સહયોગથી યુવતીની માહિતી મેળવી હતી અને તેને સફળતાપૂર્વક ભારત લાવવામાં સફળતા મેળવી હતી. વિદેશમાં ડોમેસ્ટિક વાયલન્સના સફળ ઑપરેશનનો કદાચ આ પહેલો કેસ હશે. અમારા આ પ્રયાસથી લોકોને ખ્યાલ આવશે કે તમે દુનિયાના ગમે તે ખૂણામાં ફસાયેલા હો તો પણ ભારતીય દૂતાવાસ અને પોલીસ તમારી મદદ કરી શકે છે.’ 

Mumbai mumbai news prakash bambhrolia