✕

પ્રભાદેવી સ્ટેશન નજીકનાં ગેરકાયદે બાંધકામો સામેની વેસ્ટર્ન રેલવેની ડિમોલિશન ઝુંબેશનો ભારે વિરોધ થયો

21 November, 2026 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરોધીઓ JCB મશીનરી સામે બેસી ગયા અને સૂઈ ગયા, ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે રેલવે-પ્રધાન અ‌‌શ્વિની વૈષ્ણવને ફોન કરીને ડિમોલિશનની કામગીરી રોકાવડાવી

ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી ટીમ વખતે સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો હતો અને એને ખાળવા મોટી સંખ્યામાં પોલીસબંદોબસ્ત પણ કરાયો હતો. તસવીરઃ સૈયદ સમીર અબેદી

વેસ્ટર્ન રેલવેએ શુક્રવારે મુંબઈમાં પ્રભાદેવી સ્ટેશન નજીક શરૂ કરેલી ૧૦૧ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની ઝુંબેશ હાલપૂરતી સ્થગિત કરી દીધી હતી. સ્થાનિકોના ભારે વિરોધ અને અમુક રાજકીય પક્ષોના વિરોધના પગલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને વિનંતી કર્યા બાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ‘અસરગ્રસ્ત રહેવાસીઓના પુનર્વસન માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ રેલવેમંત્રાલયને સોંપવામાં આવશે, જ્યારે વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે અતિક્રમણમાં રેલવેની જમીનનો મોટો ભાગ સામેલ છે અને એનો કાયમી ઉકેલ લાવવાની જરૂર છે.

ગુરુવારે ડિમોલિશન મુલતવી રખાયું

પ્રભાદેવી સ્ટેશન પાસે વર્ષોથી રેલવેની જમીન પર ગેરકાયદે ઊભાં કરી દેવાયેલાં ઘર, સ્ટ્રક્ચર્સનું ગુરુવારે હાઈ કોર્ટના આદેશ બાદ ડિમોલિશન મુલતવી રાખ્યા બાદ ગઈ કાલે ડિમોલિશન શરૂ કરાયું  હતું. એ ડિમોલિશનનો ત્યાંના રહેવાસીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક રહેવાસીઓ JCB મશીન સામે બેસી ગયા હતા, કેટલાક રસ્તા પર જ સૂઈ ગયા હતા. વિરોધ થવાની આશંકા હોવાથી પહેલેથી જ ભારે પોલીસબંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.  

લાંબા સમયથી ચાલી રહ્યો છે વિવાદ

પ્રભાદેવી સ્ટેશનના સાઉથ એન્ડની જમીન પર આ બાંધકામો ઊભાં છે જે વેસ્ટર્ન રેલવે એના સર્વે રેકૉર્ડ અને યોજનાઓ અનુસાર પોતાની હોવાનો દાવો કરે છે. અસરગ્રસ્ત રહેવાસીઓમાં એવા પરિવારોનો સમાવેશ થાય છે જે આ વિસ્તારમાં લગભગ ૫૦થી ૬૦ વર્ષથી રહે છે. કેટલાકનો દાવો છે કે ત્યાં લગભગ સાત દાયકાથી રહે છે. રહેવાસીઓએ પુનર્વસન અને વૈકલ્પિક રહેઠાણની માગણી કરી છે, અધિકારીઓને તેમના લાંબા સમયથી ચાલતા કબજાને ધ્યાનમાં લેવા અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA) દ્વારા જાળવવામાં આવેલા અગાઉના પુનર્વિકાસ અને પુનર્વસન રેકૉર્ડ સહિત દસ્તાવેજોની ચકાસણી કરવા વિનંતી કરી છે.

વેસ્ટર્ન રેલવેની સ્પષ્ટતા

વેસ્ટર્ન રેલવેનો દાવો છે કે એના કર્મચારીઓ માટે રહેણાક ક્વૉર્ટર બનાવવા માટે જમીન જરૂરી છે. રેલવે રેકૉર્ડ અનુસાર કબજેદારો સામે કાર્યવાહી ૨૦૨૨ની બાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી. ત્યાર બાદ સુનાવણી અને અંતિમ દલીલો કરવામાં આવી હતી. ખાલી કરાવવાનો આદેશ ૧૨ ઑક્ટોબરે પસાર કરવામાં આવ્યો હતો અને ૧૫થી ૧૭ ઑક્ટોબરની વચ્ચે રહેવાસીઓને આપવામાં આવ્યો હતો. ૧૪ નવેમ્બરે રેલવે-પરિસર પર ૧૯ અને ૨૦ નવેમ્બરના ડિમોલિશન શેડ્યુલની જાહેરાત કરતી એક સામાન્ય નોટિસ ચોંટાડવામાં આવી હતી.

એકનાથ શિંદેનો ફોન આવ્યો અને કાર્યવાહી રોકી દેવાઈ

ડિમોલિશન માટે જ્યારે JCB સાથે કામદારો ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાંના રહેવાસીઓ સાથે શિવસેના (UBT)ના નેતા અજય ચૌધરી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા બાળા નાંદગાંવકર પણ હતા. તેમણે પણ કેટલાક ઑફિસરોને ફોન કરી ડિમોલિશન રોકવા રજૂઆત કરી હતી. જોકે તેઓ એમાં સફળ થયા નહોતા. એ પછી રહેવાસીઓ દ્વારા એકનાથ શિંદેને ડિમોલિશન રોકવા ફોન દ્વારા વિનંતી કરવામાં આવી હતી. ત્યારે એકનાથ શિંદેએ કેન્દ્રના રેલવે-પ્રધાન અશ્વિની વૈષ્ણવને ફોન કર્યો હતો. એ વિશે માહિતી આપતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA), ગૃહનિર્માણ વિભાગ અને રેલવે-મંત્રાલયની ગયા અઠવાડિયે બેઠક થઈ હતી. એ બેઠકમાં હું જાતે હાજર રહ્યો હતો. મેં જાતે આ સંદર્ભે રેલવે-મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ સાથે ચર્ચા કરી હતી. અહીંના રહેવાસીઓ ૫૦-૬૦ વર્ષથી ત્યાં રહે છે. મેં રજૂઆત કરતાં કહ્યું હતું કે એથી આપણે તેમનું યોગ્ય પુનર્વસન કરવું પડશે. રેલવે ડિપાર્ટમેન્ટ અને ગૃહનિર્માણ વિભાગ મળીને તેમનું પુનર્વસન કરીશું. રેલવેના રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ વિભાગ અને અમારા SRA વિભાગની પૉલિસીના આધારે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીશું, ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવી નહીં. જોકે એમ છતાં ડિમોલિશન માટે યંત્રણા ત્યાં પહોચી હતી. એથી મેં અશ્વિની વૈષ્ણવને ફોન કરી એ કાર્યવાહી રોકવા કહ્યું હતું. તેમણે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. ત્યાર બાદ તેમણે રેલવેના ઑફિસરોને કહી એ કાર્યવાહી તત્કાલ રોકવા કહ્યું હતું. ત્યાર બાદ એ કાર્યવાહી રોકી દેવાઈ હતી.’

prabhadevi western railway eknath shinde indian railways ashwini vaishnaw