04 October, 2023 07:33 AM IST | Mumbai | Mehul Jethva
મુલુંડમાં થયેલા વિવાદ બાદ ડેપ્યુટી રજિસ્ટ્રારે સોસાયટીઓને લખ્યો પત્ર
મુંબઈ : મુલુંડનો મરાઠી-ગુજરાતી ભાષાનો વિવાદ રાજ્યમાં ગુંજ્યો હતો. ત્યાર બાદ મુલુંડના ડેપ્યુટી રજિસ્ટ્રારે મુલુંડની તમામ સોસાયટીઓને સોસાયટીમાં જગ્યા આપતી વખતે ધર્મ, જાતિ, ભાષા સામે ભેદભાવ ન કરવા માટે પત્ર લખ્યો હતો. એની સાથે સોસાયટીના ચૅરમૅન અને બીજા પદાધિકારીઓને લોકોમાં જાગરૂકતા લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
મુલુંડના ‘ટી’ વૉર્ડ ડિવિઝન સહકારી સંસ્થાના ડેપ્યુટી રજિસ્ટ્રાર એમ. બી. મ્હસ્કેએ ગઈ કાલે મુલુંડની તમામ સહકારી સોસાયટીઓને પત્ર લખી જણાવ્યું હતું કે મુલુંડની સોસાયટીમાં બનેલી ઘટના પછી મુલુંડ વિભાગની તમામ હાઉસિંગ સંસ્થાઓમાં મકાનો અને દુકાનો કોઈ ભેદભાવ વગર આપવામાં આવે. ભારતીય બંધારણની કલમ બે અનુસાર કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, જાતિ, લિંગ અને જન્મસ્થળના આધારે ભેદભાવ કરવામાં આવી શકે નહીં. મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટી ઍક્ટ ૧૯૪૯ની જોગવાઈઓ મુજબ ઓપન મેમ્બરશિપની જોગવાઈ છે. કોઈ પણ વ્યક્તિ પર જાતિ, ધર્મ, લિંગ, ભાષા કે જન્મસ્થળની શરતો રાખી શકાય નહીં.
ભારતીય બંધારણના આર્ટિકલ બે અનુસાર કોઈ પણ વ્યક્તિને હાઉસિંગ ઑર્ગેનાઇઝેશનના સભ્ય બનવાનો અધિકાર આપવામાં આવે છે. ઘર, દુકાન, વ્યવસાય, ઑફિસ, ગાળો સરકારી નિયમોનું પાલન કરીને જો કોઈ વ્યક્તિ લેવા માગે છે તો તેની સાથે જાતિ, લિંગ, ભાષા, જન્મસ્થળનો ભેદભાવ કરીને નકારવી એ ગેરકાયદે છે. જો આવી ઘટનાઓ ધ્યાનમાં આવશે તો એ મૅનેજિંગ કમિટીની જવાબદારી રહેશે.