જમ્બો કોવિડ સેન્ટરમાં બેદરકારી બદલ અધિકારીઓ સામે ફરિયાદની માગણી

04 December, 2020 09:10 AM IST  |  Mumbai | Mumbai correspondent

જમ્બો કોવિડ સેન્ટરમાં બેદરકારી બદલ અધિકારીઓ સામે ફરિયાદની માગણી

પ્રતીકાત્મક તસવીર

મુલુંડ-વેસ્ટમાં આશા કૅન્સર ટ્રસ્ટ સંચાલિત રિચર્ડ ઍન્ડ ક્રુડાસમાં આવેલા જમ્બો કોવિડ સેન્ટરમાં અનેક પ્રકારની બેદરકારી સામે આવતાં મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ પાલિકાના કમિશનરને પત્ર લખીને સંબંધિત અધિકારીઓ પર એફઆઇઆર નોંધવાની માગણી કરી છે.
આશા કૅન્સર ટ્રસ્ટ સાથે જુલાઈમાં ૬૦૦ બેડવાળા કોવિડ સેન્ટર માટે જરૂરી સ્ટાફ પૂરો પાડવાનો કરાર કરવામાં આવ્યો હતો. આ માટે કરારમાં કેટલીક શરતો મૂકવામાં આવી હતી. જોકે એનએમસીની સંબંધિત સિસ્ટમ દ્વારા એવું નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે આ સંસ્થા આ શરતોનું પાલન કરતી નથી. સારવાર કેન્દ્રમાં ડૉક્ટરો, નર્સો, ટેક્નિશ્યન અને અન્ય સ્ટાફની સંખ્યા જરૂરી કરતાં ૩૦થી ૫૦ ટકા ઓછી છે. આ અપૂરતી સંખ્યાને કારણે દરદીઓને સેવાઓ પૂરી પાડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવું પણ જાણવા મળ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા નિયુક્ત નર્સો પૂરતી તાલીમબદ્ધ નથી. ટ્રસ્ટના કર્મચારીઓએ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કર્યું નથી. દરદીઓ સાજા હોવા છતાં તેમને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. આવી ફરિયાદોને આધારે પાલિકાના સહાયક કમિશનરે પણ આ કેન્દ્રને નોટિસ મોકલી છે.
મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ કહ્યું હતું કે ‘આ સારવાર કેન્દ્રના સ્ટાફની બેદરકારીને કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. કેટલાક દરદીઓને જ્યારે જરૂર હતી ત્યારે તેઓને રસીકરણનું ઇન્જેક્શન આપવામાં આવ્યું નહોતું. કેટલાકને એની જરૂર ન હોય ત્યારે આપવામાં આવ્યું હતું. ઉપરાંત દરદીઓને જરૂર હોવા છતાં સમયસર ઑક્સિજન સપ્લાય મળી શક્યું નથી. ટ્રસ્ટને ટેકો આપનારા પાલિકાના ડિરેક્ટર, સ્ટાફ અને સંબંધિત અધિકારીઓ સામે એફઆઇઆર નોંધવાની માગણી મેં કરી છે.’

mulund mumbai mumbai news covid19 coronavirus