વેસ્ટર્ન રેલવેના નવા ટાઇમટેબલમાં બદલાવ કરવાની માગણી તીવ્ર બની

01 October, 2022 10:34 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

બોરીવલી અને દહાણુના પ્રવાસીઓમાં વધુ નારાજગી : વેસ્ટર્ન રેલવેનું તંત્ર પણ પ્રવાસીઓનાં સજેશન અને સુઝાવ મગાવી રહ્યું છે

તસવીર : સમીર માર્કન્ડે

વેસ્ટર્ન રેલવે દ્વારા આજથી લાગુ કરાયેલા ટ્રેનોના નવા ટાઇમટેબલ સામે અનેક પ્રવાસીઓ અને વેપારી અસોસિએશનો દ્વારા નારાજગી દાખવવામાં આવી રહી છે. એમાં પણ ખાસ કરીને બોરીવલી અને દહાણુ જતી લોકલના પ્રવાસીઓમાં ભારે નિરાશા દેખાઈ રહી છે. અમુક પ્રવાસીઓએ પત્ર લખીને તો અમુક પ્રવાસીઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી નારાજગી દાખવી છે. જોકે નવા ટાઇમટેબલ સામે પ્રવાસીઓના પ્રતિસાદ પર નજર રાખીને એવું કંઈ લાગશે તો ટાઇમટેબલ બદલવામાં પણ આવે એવી શક્યતા છે.

રેલવે દ્વારા મળ્યો પ્રતિસાદ

ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશનના કેન્દ્રીય પ્રમુખ મિતેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવેના ચીફ ઑપરેશન ઑફિસરે મને ફોન કર્યો હતો અને અમારા પત્ર વિશે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે અમે પ્રવાસીઓ, અસોસિએશન, સંસ્થાના ફીડબૅકની રાહ જોઈ રહ્યા હતા. તેમણે આ બાબતે તપાસ કરવાની અને પીક-અવર્સમાં તેઓ બોરીવલી લોકલ કેવી રીતે રજૂ કરી શકે એ જોવાની ખાતરી આપી હતી. સવારે ૭.૫૪ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ લોકલ કૅન્સલ થવાને કારણે પડતી હાડમારી વિશે પણ અમે તેમને જાણ કરી હતી. તેમણે એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ વર્તમાન નૉન-એસી લોકલને ખલેલ પહોંચાડ્યા વિના નવી એસી લોકલ રજૂ કરવા પર કેવી રીતે કામ કરી રહ્યા છે. એકંદરે આપણે આશા રાખી શકીએ છીએ કે આ પ્રયાસોને કારણે આનો ઉકેલ આવશે.’

સાંજે નો બોરીવલી લોકલ

અમે પત્ર લખ્યા બાદ મુંબઈનાં અનેક અસોસિએશનોના સભ્યોએ અમારો સંપર્ક કર્યો હતો એમ જણાવીને મિતેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાઉથ મુંબઈમાં મોટા ભાગની હોલસેલ, રીટેલ માર્કેટ આવેલી છે. હજારોની સંખ્યામાં સાંજના સમયે માર્કેટથી છૂટતા નોકરિયાતો અને બોરીવલીમાં રહેતા પ્રવાસીઓ ચર્ચગેટ-બોરીવલી ટ્રેન પકડતા હોય છે, પરંતુ ટાઇમટેબલ બદલાતાં સાંજે સવાછથી સાડાઆઠ વાગ્યા સુધી એકેય બોરીવલી લોકલ જ નથી. ૧૭.૧૫ વાગ્યે બોરીવલી લોકલ એક ટ્રેન છે. એ પછી ૧૭.૫૦ની બોરીવલી લોકલ અને ૧૮.૦૬ની ભાઈંદર લોકલ છે. એ પછી ૧૮.૨૮ની વિરાર, ૧૯.૦૦ની વસઈ, ૧૯.૪૩ની વિરાર, ૧૯.૫૮ની વિરાર, ૨૦.૨૭ની નાલાસોપારા અને ૨૧.૫૧ વાગ્યાની મલાડ લોકલ છે અને એટલો લાંબો સમય બોરીવલીની કોઈ લોકલ જ નથી. તો બોરીવલીના પ્રવાસીઓ કેવી રીતે પ્રવાસ કરશે? માર્કેટમાંથી છૂટ્યા બાદ છ વાગ્યાથી સાડાઆઠ વાગ્યા સુધી પીક-અવર્સ હોય છે અને એ સમયે લોકલ હોવી જ જોઈએ. ટાઇમટેબલમાં બદલાવની માગણી સાથે ફરી અમુક પ્રવાસીઓ વેસ્ટર્ન રેલવેને મળવા પણ જશે.’

વિરાર-દહાણુ લોકલના પ્રવાસીઓને ગાજર દેખાડ્યું

દહાણુ-વૈતરણા પ્રવાસી સેવાભાવી સંસ્થાના પ્રવક્તા હિતેશ સાવેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોના સમયે રદ કરેલી દહાણુથી છૂટતી ૭.૦૫ વાગ્યાની લોકલ વેસ્ટર્ન રેલવેના વિભાગીય રેલવે મૅનેજર દ્વારા આશ્વાસન આપવા છતાં શરૂ કરાઈ નથી. નવા ટાઇમટેબલમાં વિરારથી દહાણુ વચ્ચે રેલવે-સર્વિસમાં વધારો ન થયો હોવાથી તીવ્ર નારાજગીનું વાતાવરણ સજાર્યું છે અને અમે રાખેલી બધી આશા ફળી નથી.  નવા ટાઇમટેબલમાં આ બેલ્ટના પ્રવાસીઓ માટે કંઈ જ નવું નથી એટલે એથી અમે રેલવેમાં આ વિશે નારાજગી વ્યક્ત કરવાના છીએ.’

લોકલ ટ્રેને ગરબાનું શેડ્યુલ બગાડ્યું

સેન્ટ્રલ રેલવેમાં ગઈ કાલે રાત્રે ધસારાના સમયે મુલુંડ અને થાણે વચ્ચે ફાસ્ટ ડાઉન લાઇનમાં એટલે કે કલ્યાણ તરફના ટ્રૅકમાં ક્રૉસિંગ સિગ્નલ ફેલ થઈ જવાથી કલ્યાણ અને કસારા તરફની લોકલ ટ્રેનો પોણો કલાક સુધી અટકી ગઈ હતી. ધસારાના સમયે આ સમસ્યા ઊભી થવાથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ૭.૩૫ વાગ્યે લોકલ ટ્રેન ફરી શરૂ થઈ હતી. જોકે આ મુશ્કેલીથી ટ્રેનોનું શેડ્યુલ ખોરવાઈ જવાથી બાદમાં પણ મોડી રાત સુધી મોટા ભાગની ટ્રેનો મોડી દોડી હતી. આને લીધે ઑફિસથી ઘરે જઈને ગરબા રમવા જવા ઇચ્છતા ઘણા મુંબઈગરાઓનું શેડ્યુલ ખોરવાઈ ગયું હતું. 

પ્રવાસીઓના પ્રતિસાદ પર નજર

વેસ્ટર્ન રેલવેના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવે દ્વારા દર વર્ષે ટાઇમટેબલમાં પ્રવાસીઓની સુવિધા અને આવશ્યકતાને ધ્યાનમાં રાખીને બદલાવ કરવામાં આવે છે, પરંતુ કોવિડને કારણે છેલ્લાં બે વર્ષથી કોઈ બદલાવ કરવામાં આવ્યો નહોતો. એસી લોકલની માગણીમાં વધારો થતાં રેક મળતાં આ સર્વિસમાં વધારો કરાયો છે. હાલમાં વેસ્ટર્ન પાસે પાંચ રેક છે અને સોમવારથી વેસ્ટર્નમાં ૭૯ એસી સર્વિસ દોડશે. ભવિષ્યમાં સેન્ટ્રલ પાસેથી વધુ એક રેક પણ મળશે. એસી સર્વિસને કોઈ પણ ઠેકાણેથી શરૂ કરી ન શકાય. એને એક લિન્ક પ્રમાણે જ ચલાવવી પડે છે. એથી હાલમાં જે વધારો કે બદલાવ કરાયો છે એ બધી વ્યવસ્થા જોઈને કરાયો છે. નવા અને બદલાવેલા ટાઇમટેબલ પ્રમાણે પ્રવાસીઓનો શું પ્રતિસાદ મળે છે એના પર નજર રહેશે. કંઈ એવું લાગશે તો કદાચ બદલાવ પણ કરી શકાશે.’

mumbai mumbai news western railway mumbai local train preeti khuman-thakur