ઓમાઇક્રોનના વધતા જતા સંક્રમણ વચ્ચે ડેલ્ટા વાઇરસ હજીયે પ્રભાવશાળી વેરિઅન્ટ

16 January, 2022 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોગ્ય ખાતાના ઍડિશનલ ચીફ સેક્રેટરી ડૉક્ટર પ્રદીપ વ્યાસે તેમના સહકર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું હતું કે કુલ ૪૨૦૦ સૅમ્પલ્સનું વિશ્લેષણ કરાયું હતું

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં કોરોના વાઇરસના ઓમાઇક્રોન વેરિઅન્ટના વધતા જતા સંક્રમણ વચ્ચે ડેલ્ટા વાઇરસ હજી પણ પ્રભાવશાળી વેરિઅન્ટ રહ્યો હોવાનું જણાવતાં રાજ્યના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પેશન્ટના જિનોમ સીક્વન્સિંગ પરથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં નોંધાઈ રહેલા કેસમાં ઓમાઇક્રોનની સરખામણીએ ડેલ્ટા વાઇરસના કેસનું પ્રમાણ હજી પણ વધુ છે.
આરોગ્ય ખાતાના ઍડિશનલ ચીફ સેક્રેટરી ડૉક્ટર પ્રદીપ વ્યાસે તેમના સહકર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું હતું કે કુલ ૪૨૦૦ સૅમ્પલ્સનું વિશ્લેષણ કરાયું હતું, જેમાંથી ૬૮ સૅમ્પલ્સ ડેલ્ટા વેરિઅન્ટના અને ૩૨ પેશન્ટ ઓમાઇક્રોનના હતા. 
ગયા વર્ષે મહામારીની બીજી લહેરમાં ડેલ્ટા વેરિઅન્ટનું સંક્રમણ એની ચરમસીમાએ હતું. નવેમ્બર ૨૦૨૧માં દક્ષિણ આફ્રિકામાં શોધાયેલો કોરોના વાઇરસનો ઓમાઇક્રોન વેરિઅન્ટ ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ભારતમાં જોવા મળ્યો હતો. શુક્રવાર રાત સુધીમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ઓમાઇક્રોનના કુલ ૧૬૦૫ કેસ નોંધાયા હતા, જ્યારે કોવિડ-19 વાઇરસથી સંક્રમિત લોકોનો આંકડો ૭૧,૨૪,૨૭૮ પર પહોંચ્યો હતો. 
ગયા વર્ષની પહેલી નવેમ્બરથી અત્યાર સુધીમાં કુલ ૪૨૬૫ પેશન્ટ્સનાં સૅમ્પલ્સ જિનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં, જેમાંથી ૪૨૦૧ પેશન્ટ્સનાં સૅમ્પલ્સનું રિઝલ્ટ મળ્યું છે. આમાંથી ૧૩૬૭ એટલે કે ૩૨ ટકા પેશન્ટ્સ ઓમાઇક્રોન સંક્રમિત છે, જ્યારે બાકીના ૬૮ લોકો ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જણાયું હતું.

coronavirus covid19 Omicron Variant mumbai mumbai news