મુંબઈમાં કોરોનાનો મૃતાંક થયો બમણો

08 May, 2021 10:40 AM IST  |  Mumbai | Chetna Sadadekar

એપ્રિલના પહેલા પખવાડિયામાં રોજના સરેરાશ ૩૧ જણનાં મૃત્યુ થતાં હતાં જે વધીને અત્યારે ૬૭ થઈ ગયાં છે

ફાઈલ તસવીર

શહેરમાં કોરોનાને કારણે ૧૪ એપ્રિલથી ૬ મે દરમ્યાન દૈનિક સરેરાશ ૬૭ મોત સાથે કુલ ૧૫૦૦ કરતાં વધુ મોત નોંધાયાં હતાં. એપ્રિલના પ્રથમ પખવાડિયાની તુલનામાં સરેરાશ મોતનો આંક લગભગ બમણો થઈ ગયો છે, કારણ કે પ્રથમ પખવાડિયામાં સરેરાશ ૩૧ મોત નોંધાયાં હતાં.

ડેટા અનુસાર ૧થી ૧૩ એપ્રિલ દરમ્યાન દૈનિક ૩૧ની સરેરાશ સાથે આશરે ૪૦૨ મોત નોંધાયાં હતાં. જોકે ૧૪ એપ્રિલથી ૬ મે સુધીમાં ૧૫૩૨ મોત નોંધાયાં હતાં. આ બે ગાળામાં કેસ ઝડપથી વધ્યા નથી, ત્યારે વિધાનસભ્યએ દાવો કર્યો હતો કે એ માટે ટેસ્ટિંગની ઘટેલી સંખ્યા જવાબદાર છે.

બીજેપીના વિધાનસભ્ય અમિત સાટમે બીએમસીના કમિશનરને શુક્રવારે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘એપ્રિલના પ્રથમ પખવાડિયાની તુલનામાં સરેરાશ ટેસ્ટિંગ પણ ૨૦ ટકા જેટલું ઘટ્યું છે, જેના કારણે કેસ ઘટ્યા છે, પણ એની સામે મૃત્યુનો આંકડો બમણો થઈ ગયો છે. સુધરાઈએ અત્યારે પોતાની પીઠ થાબડવાને બદલે મૃત્યુનો દર કઈ રીતે ઓછો થાય એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોરોનાની લડાઇમાં લોકોનો જીવ બચાવવો એ સૌથી મહત્વનું છે.’

એક તરફ સુધરાઈના બીકેસી જમ્બો સેન્ટર અને એના ડીન ડૉ. રાજેશ ઢેરેની ટીકા થઈ હતી તો બીજી તરફ ગાયિકા લતા મંગેશકરે સેન્ટરની કામગીરી સુચારુ રીતે સંભાળવા બદલ અને રાજ્ય તથા શહેર માટે દિવસ-રાત જોયા વિના ફરજ બજાવવા બદલ ડૉ. રાજેશ ઢેરેને બિરદાવીને તેમને અભિનંદન આપ્યાં હતાં.

coronavirus covid19 mumbai mumbai news