નાલાસોપારામાં સેપ્ટિક ટૅન્ક સાફ કરવા ગયેલા ત્રણ વર્કરનાં મૃત્યુ

04 May, 2019 01:44 PM IST  | 

નાલાસોપારામાં સેપ્ટિક ટૅન્ક સાફ કરવા ગયેલા ત્રણ વર્કરનાં મૃત્યુ

મિથેન ગૅસના કારણે ત્રણ વર્કરેના મૃત્યુ

નાલાસોપારાના એક રેસિડેન્શિયલ બિલ્ડિંગની એક સેપ્ટિક ટૅન્ક સાફ કરવા ગઈ કાલે ઊતરેલા ૩ મજૂરોના શ્વાસમાં ઝેરી મીથેન ગૅસ જવાને કારણે ગૂંગળામણ થતાં તેઓ જીવ ગુમાવી બેઠા હતા. ત્રણેય વર્કર્સની ડેડ-બૉડી મળી આવી છે. આ બનાવ બાદ આઠ જણ સામે નાલાસોપારા પોલીસે ગુનો નોંધ્યો છે. જોકે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

નાલાસોપારા (વેસ્ટ)માં નીલેમોરે વિલેજમાં આનંદ વ્યુ નામના આઠ માળના બિલ્ડિંગની સેપ્ટિક ટૅન્ક સાફ કરવા માટે ૨૫ વર્ષનો સુનીલ ચાવરિયા, 30 વર્ષનો વિક્રમ ઉર્ફે બિકા ભૂબંક અને 25 વર્ષનો પ્રદીપ મિયાસણ ગયા હતા. નાલાસોપારાના પોલીસ-ઇન્સ્પેક્ટર વસંત લબ્ધેએ કહ્યું હતું કે ‘ગુરુવારે રાતે સેપ્ટિક ટૅન્કમાં વર્કર્સ ઊતર્યા હતા. તેમની પાસે કોઈ માસ્ક, ગ્લવ્ઝ, સેફ્ટી બેલ્ટ, ઑક્સિજનનાં સાધન કે નિસરણી પણ નહોતી. સુપરવાઇઝરે વર્કર્સને કહ્યું હતું કે કામ શુક્રવાર સુધીમાં થઈ જવું જોઈએ, કારણ કે તેને બીજા પ્રોજેક્ટનું કામ પણ પૂરું કરવાનું હતું. છેલ્લા અમુક દિવસથી કામ ચાલતું હોવાથી સુપરવાઇઝરે 6 મજૂરોને રાખ્યા હતા, પરંતુ એ દિવસે ઘટનાસ્થળે 3 મજૂરો જ હતા. રાતે જમીને મજૂરો સાઇટ પર મોડા આવ્યા અને સફાઈકામ શરૂ કર્યું હતું.

ટૅન્કમાં પહેલાં વિક્રમ ઊતર્યો હતો અને તેના શ્વાસમાં ઝેરી મીથેન ગૅસ જતાં તે ટૅન્કની અંદર જ પડ્યો હતો. જ્યારે બાકીના બે મજૂરોને વિક્રમ વિશે કશી માહિતી નહોતી એટલે તેઓ પણ ટૅન્કની અંદર ઊતરતાં તેઓ પણ જીવ ગુમાવી બેઠા હતા. અન્ય 3 મજૂરોએ મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરી હોવાથી તેઓ રાતે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સફાઈકામ મોટા ભાગે દિવસે જ થતું હોય છે, પરંતુ સુપરવાઇઝરના દબાણને કારણે તેઓ રાતે પણ કામ કરી રહ્યા હતા. આ બનાવ બાદ અમે બિલ્ડર અને કૉન્ટ્રૅક્ટર મળી કુલ આઠ જણ સામે ગુનો નોંધ્યો છે.’

આ પણ વાંચો:બેસ્ટના પ્રવાસીઓના જીવ જોખમમાં

નાલાસોપારા પોલીસ-સ્ટેશને પીડિતના પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો. તેમની માગણી હતી કે, આરોપીઓને પકડ્યા બાદ જ મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવશે. ગિરદીને ધ્યાનમાં લઈને વધુ પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે પરિવારજનોને પોલીસે સમજાવ્યા બાદ તેમણે મૃતદેહ કબજામાં લીધા હતા.