બેસ્ટના પ્રવાસીઓના જીવ જોખમમાં

Updated: May 04, 2019, 13:45 IST

ચાલતી કાર સળગી જવાના બનાવ અવારનવાર બને છે, પણ પૅસેન્જર બસમાં આગ લાગવાની આ પહેલી ઘટના છે. બેસ્ટની બસોમાં દરરોજ 26 લાખ મુંબઈગરાઓ મુસાફરી કરે છે ત્યારે આ ઘટના ખતરાની ઘંટડી સમાન છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

મલાડ(પૂર્વ)માં દિંડોશી વિસ્તારમાં ગઈ કાલે સવારે બેસ્ટની એક બસમાં અચાનક આગી ફાટી નીકળતાં ગણતરીની મિનિટમાં બસ ભડભડ બળવા માંડી હતી. આ સમયે બસમાં ડ્રાઈવર, કન્ડક્ટર સહિત ત્રણ પ્રવાસી હતા. જેઓ સમયસૂચકતા વાપરીને ઝડપથી બહાર નીકળી જતાં માંડ-માંડ બચી ગયા હતા. ચાલતી કાર સળગી જવાના બનાવ અવારનવાર બને છે, પણ પૅસેન્જર બસમાં આગ લાગવાની આ પહેલી ઘટના છે. બેસ્ટની બસોમાં દરરોજ 26 લાખ મુંબઈગરાઓ મુસાફરી કરે છે ત્યારે આ ઘટના ખતરાની ઘંટડી સમાન છે. 

નુકસાનમાં ચાલી રહેલી બેસ્ટની બસોનું સમયસર મેઇન્ટેનન્સ ન થતું હોવાને કારણે બસ સળગી ઊઠી હોવાની શક્યતા છે.
શુક્રવારે સવારે 7:20 વાગ્યે દિંડોશી વિસ્તારમાં આવેલા ગોકુલધામ માર્કેટ બસ સ્ટૉપ પાસે ગોરેગામ રેલવે-સ્ટેશન (ઈસ્ટ)થી નાગરી નિવારા યોજના 1 અને 2 તરફ જતી 646 નંબરની બસમાં ધડાકો થયા બાદ અચાનક આગ ફાટી નીકળી હતી. બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (બેસ્ટ) દ્વારા સંચાલિત આ બસમાં એ સમયે ત્રણ પ્રવાસીઓ હતા. ઘટનાના એકાદ કલાક બાદ ધસારા સમયે બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હોય છે એ સમયે આગ લાગી હોત તો મોટી જાનહાનિ થઈ હોત.

શું બન્યું હતું?

બેસ્ટના પ્રવક્તા બાળાસાહેબ ઝોડગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બસની આગળના ભાગમાં ડાબા ટાયરની નીચે ધડાકો સાંભળતાં ડ્રાઇવર સાવચેત થઈ ગયો હતો. થોડી વારમાં ધુમાડાના ગોટેગોટે ઊડવા માંડતાં ડ્રાઇવર, કન્ડક્ટર અને ત્રણ પૅસેન્જર બસમાંથી બહાર નીકળી ગયા હતા. ગણતરીની મિનિટમાં બસે આગ પકડી લેતાં એ આખેઆખી સળગી ઊઠી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ જોકે બાદમાં આગ બુઝાવી દીધી હતી. પછી બસને ટો કરીને દિંડોશી બસ ડેપો લઈ જવાઈ હતી.

ઘટનાની તપાસ કરવામાં આવશે

બેસ્ટ કમિટીના ચૅરમૅન નગરસેવક અનિલ પાટણકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ પણ બસ ડેપોની બહાર નીકળે ત્યારે એ મુસાફરી કરવા માટે સલામત છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે છે. બધું સલામત હોય તો જ બસ નિãત કરાયેલા રૂટ પર ચલાવવામાં આવે છે. બસમાં આગ લાગતાં પહેલાં એની પૂરતી ચકસાણી કેમ નહોતી કરાઈ એનો રિપોર્ટ અમે મેઇન્ટેનન્સ વિભાગ પાસેથી માગ્યો છે. આ ઘટના માટે કોઈ જવાબદાર ગણાશે તો એ સંબંધિત અધિકારી સામે પગલાં લેવામાં આવશે.’

નુકસાનને લીધે ધ્યાન નથી અપાતું

બેસ્ટની બસો નુકસાનમાં ચાલતી હોવાથી સત્તાધારી પક્ષો કે પાલિકા પ્રશાસન દ્વારા એના પર પૂરતું ધ્યાન ન અપાતું હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. બીજું, મોટા ભાગની બસો જૂની થઈ ગઈ હોવાથી પણ એ જોખમી બની છે. વચ્ચે બેસ્ટના કર્મચારીઓની ઐતિહાસિક નવ દિવસની હડતાળ સમયે પણ કોઈએ પૂરતું ધ્યાન નહોતું આપ્યું એના પરથી અંદાજ લગાવી શકાય છે કે અંદર કેવી સ્થિતિ છે.

આગ શૉર્ટ સર્કિટથી લાગવાની શક્યતા

મોટા ભાગના લોકો માને છે કે કૉમ્પરેસ્ડ નૅચરલ ગૅસ (સીએનજી)થી ચાલતી બસ કે કારમાં ગરમીને લીધે આગ લાગે છે. જોકે હકીકત જુદી હોવા વિશે દહિસરના આનંદનગરમાં સીએનજી કિટનો બિઝનેસ કરતા સમીર પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલી વાત એ કે સીએનજી ગૅસના સિલિન્ડરને ખુલ્લું મૂકી દઈને એના પર દીવાસળી મૂકીએ તો પણ આગ નથી લાગતી. પ્રેશરથી સિલિન્ડરમાં ભરવામાં આવેલો ગૅસ હવામાં ભળતાં જ એ પાણી અથવા બરફમાં પરિવર્તિત થઈ જાય છે. બીજું, અનુભવથી કહી શકું છું કે કાર કે બસમાં જેટલી પણ આગ લાગે છે એના માટે શૉર્ટ સર્કિટ જવાબદાર છે. સીએનજીથી આગ લાગે જ નહીં.’

26 લાખ મુસાફરો જોખમમાં

મુંબઈમાં દરરોજ ૨૬ લાખ લોકો બેસ્ટની બસમાં મુસાફરી કરે છે. બસમાં આગ લાગવા જેવી ઘટનાથી તેમના પર જોખમ તોળાઈ રહ્યું છે. સમયસર બસોના મેઇન્ટેનન્સ પર ધ્યાન નહીં અપાય તો આગ જેવી ઘટના અવારનવાર બનવાની શક્યતા નકારી ન શકાય.

આ પણ વાંચો: નો શાવર, નો બાથટબ

2886 બસ

મુંબઈમાં બેસ્ટની 1197 ડીઝલથી, 1683 સીએનજીથી અને ઇલેક્ટ્રિક ચાલતી 6 બસ મળીને કુલ 2886 બસ દરરોજ શહેરના વિવિધ માર્ગ પર દોડે છે. આમાંની મોટા ભાગની બસો જૂની થઈ ગઈ હોવાથી એમાં અવારનવાર નાની-મોટી મુશ્કેલી ઊભી થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK