ગોરેગામની ગુજરાતી ગૃહિણીને મોત ઘરની બહાર ખેંચી ગયું

18 June, 2022 12:07 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

દીકરાની તબિયત સારી ન હોવાથી સ્કૂલમાં જવાની ના પાડતો હોવા છતાં અભ્યાસ ન બગડે એ માટે ટૂ-વ્હીલર પર બન્ને દીકરાને સ્કૂલમાં મૂક્યા બાદ પાછા ફરતી વખતે સ્લિપ થવાથી બસના ટાયર નીચે આવવાથી જીવ ગુમાવ્યો

પ્રતીકાત્મક તસવીર

ગોરેગામમાં ટૂ-વ્હીલર પર જઈ રહેલાં ૩૭ વર્ષનાં ગુજરાતી ગૃહિણી કુંજન જિતેન્દ્ર ઠક્કરનું બસના પૈડા નીચે આવી જવાથી ગુરુવારે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઊબડખાબડ રસ્તા અને ઑઇલને લીધે બે પુત્રોને સ્કૂલે મૂકીને પાછા ફરતી વખતે ટૂ-વ્હીલર સ્લિપ થઈ જતાં એ બાજુમાંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ-બસના પાછળના ટાયર નીચે આવી ગયું હતું. નાના દીકરાને તાવ હતો અને મોટો દીકરો પણ સ્કૂલ જવા ન માગતો હોવા છતાં સ્કૂલ શરૂ થયાને માત્ર ચાર જ દિવસ થયા હતા એટલે અભ્યાસ બગડે નહીં માટે કુંજનબહેન બન્નેને સ્કૂલ મૂકવા ઘરમાંથી નીકળ્યાં હતાં અને મોતને ભેટ્યાં હતાં. 
પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારે બપોરના ૧૩.૧૫ વાગ્યે ગોરેગામ-ઈસ્ટમાં પાંડુરંગ વાડી ખાતેની એક સોસાયટીમાં રહેતાં ૩૭ વર્ષનાં કુંજન ઠક્કર ટૂ-વ્હીલર પર લિડા ટિડેલિંગ સ્ટુડિયોની સામે લક્કી હોટેલ પાસેથી જતાં હતાં ત્યારે ટૂ-વ્હીલર કોઈક રીતે સ્લિપ થવાથી તે નજીકમાંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ-બસના પાછળના ટાયર નીચે આવી ગયાં હતાં. અકસ્માત કરીને મૃત્યુ નીપજાવવા બદલ દિંડોશી પોલીસે બસ-ડ્રાઇવરની ધરપકડ કરી હતી. મરનાર કુંજન ઠક્કરે હેલ્મેટ પહેર્યું હતું, પરંતુ તેઓ સ્કૂટરની સાથે બસના ટાયર નીચે આવી જતાં તેમનું મૃત્યુ થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું.
પોલીસે આપેલી માહિતી મુજબ કુંજન જિતેન્દ્ર ઠક્કર પતિ તથા ૮ અને ૧૦ વર્ષના પુત્ર સાથે રહેતાં હતાં. તેઓ ગોરેગામ-ઈસ્ટમાં રહે છે અને તેમના પુત્રો વેસ્ટમાં આવેલી સ્કૂલમાં ભણે છે. પતિ જૉબ કરતા હોવાથી કુંજન બન્ને પુત્રોને ટૂ-વ્હીલર પર સ્કૂલે મૂકવા અને લેવા કાયમ જતાં.
મોત ઘરની બહાર ખેંચી લાવ્યું
કુંજન ઠક્કરના દિયર વિજયભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાના ભત્રીજાને તાવ આવતો હોવાથી તે સ્કૂલે જવા નહોતો માગતો એટલે મોટા ભત્રીજાએ પણ સ્કૂલ જવાની ના પાડી હતી. આથી ભાભી દીકરાઓને લઈને સ્કૂલ મૂકવા નહોતાં જવાનાં. જોકે સ્કૂલ સોમવારે જ શરૂ થઈ છે અને દીકરાને વધુ તાવ ન લાગતાં અભ્યાસ બગડે નહીં એ માટે સ્કૂલ મૂકવા જવાનો નિર્ણય લીધો હતો. તેઓ પુત્રોને સ્કૂલમાં મૂકીને ઘરે પાછાં આવી રહ્યાં હતાં ત્યારે ઍક્સિડન્ટ થયો હતો, જેમાં તેમણે જીવ ગુમાવ્યો હતો. આ બનાવ પરથી લાગે છે કે મોત તેમને ઘરની બહાર ખેંચી ગયું હતું.’
ખરાબ રસ્તો કે ખાડો?
કુંજન ઠક્કરનું ટૂ-વ્હીલર ખરાબ રસ્તાને લીધે કે ખાડાને કારણે સ્લિપ થવાની શક્યતા છે. આ વિશે તેમના દિયર વિજયભાઈએ કહ્યું હતું કે ‘લકી હોટેલ પાસેના ઘટનાસ્થળે કેટલાંક ગૅરેજ આવેલાં છે. આથી અહીં કાયમ ઑઇલ ઢોળાયેલું રહે છે. રસ્તો પણ બહુ સારો નથી. જે સ્થળે ભાભીનું ટૂ-વ્હીલર સ્લિપ થયું હતું ત્યાં ખાડો હોવાની શક્યતા પણ છે. જોકે આ બધું તો ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોયા બાદ જ ખ્યાલ આવશે. દિંડોશી પોલીસની મદદથી અમે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોવાનો પ્રયાસ કરીશું.’
બસની અડફેટે આવતાં જીવ ગયો
દિંડોશી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જીવન ખરાતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટૂ-વ્હીલર કોઈક રીતે સ્લિપ થવાથી એના પર પ્રવાસ કરી રહેલી કુંજન જિતેન્દ્ર ઠક્કર નામની ૩૭ વર્ષની મહિલાનું પાસેથી પસાર થઈ રહેલી બસના પાછળના ટાયર નીચે આવી જવાથી મૃત્યુ થયું હતું. તેમણે હેલ્મેટ પહેર્યું હતું, પણ ટૂ-વ્હીલરની સાથે તેઓ આખા બસની નીચે આવી જવાથી તેઓ બચી નહોતાં શક્યાં એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે. અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને બસ-ડ્રાઇવરની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી 
છે. ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પરથી અકસ્માત કેવી રીતે થયો હતો એ જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.’ 

Mumbai mumbai news prakash bambhrolia