HSCમાં દીકરી SSCમાં મમ્મી

18 June, 2022 08:53 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

૧૯ વર્ષ બાદ પેન પકડનારાં મુલુંડમાં રહેતાં કાજલ જાવિયા-ગોહિલે બ્યુટિશ્યનનું કામ કરતાં-કરતાં માત્ર સવા મહિનો અભ્યાસ કરીને એસએસસીમાં ૭૧.૪૦ ટકા મેળવ્યા

૧૯ વર્ષે ફરી અભ્યાસ કરીને કાજલ જાવિયા-ગોહિલ દસમામાં સફળ.

મુલુંડમાં રહેતાં ગુજરાતી બ્યુટિશ્યને ભણતર છોડ્યાનાં ૧૯ વર્ષ બાદ પેન હાથમાં પકડીને એસએસસીની પરીક્ષા આપી હતી, જેમાં તેઓ ૭૧.૪૦ ટકા સાથે પાસ થયાં છે. આથી પણ મહત્ત્વનું એ છે કે આ વર્ષે જ તેમની દીકરીએ એચએસસીની પરીક્ષા આપી હતી. દિવસ દરમ્યાન સતત કામમાં રહેતાં હોવાથી તેઓ રાત્રે માત્ર બેથી અઢી કલાક અભ્યાસ કરતાં અને પરીક્ષા પહેલાં સવા મહિનો જ તૈયારી કરી હતી. તેમણે ગુજરાતી ભાષામાં એસએસસીની પરીક્ષા આપી હતી.
મુલુંડમાં રહેતાં કાજલ પ્રવીણ જાવિયા-ગોહિલે આ વર્ષે અભ્યાસ છોડ્યાનાં ૧૯ વર્ષ પછી પરીક્ષા આપી હતી. આટલાં વર્ષે એસએસસી શા માટે કરી? આ સવાલના જવાબમાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૯૯૬માં સાતમા ધોરણમાં હતી ત્યારે મમ્મીનું અવસાન થયું હતું. નાનાં ભાઈ-બહેન તથા ઘરની જવાબદારી માથા પર આવી પડતાં એ સમયે સ્કૂલ છોડવી પડી હતી. ભણવાનો મને બહુ શોખ હતો એટલે દીકરી અને દીકરો મોટા થયા બાદ વિચાર્યું કે હવે બ્યુટિશ્યનના કામકાજમાંથી થોડો સમય કાઢીને અભ્યાસ કરવો જોઈએ. આ વિચાર પતિને કહેતાં તેમણે અભ્યાસમાં આગળ વધવાનું કહ્યું હતું. આથી મેં મારા બ્યુરિશ્યન અને મેક-અપ આર્ટિસ્ટના કામ વચ્ચે એસએસસીની પરીક્ષા આપવા માટેની તૈયારી આરંભી હતી.’
કામકાજ વચ્ચે કેવી રીતે અભ્યાસ કરવા માટે સમય કાઢ્યો એ વિશે કાજલ જાવિયા-ગોહિલે કહ્યું હતું કે ‘દીકરીએ આ વર્ષે એચએસસીની તૈયારી શરૂ કરી હતી. ત્યારે મેં પણ આખો દિવસ કામ કર્યા બાદ રાતના ૧૦ વાગ્યાથી ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. દીકરો પણ નવમા ધોરણમાં છે એટલે અમે ત્રણેય સાથે રાતના અભ્યાસ કરવા બેસી જતા. તમે માનશો નહીં પણ માત્ર સવા મહિનો જ મેં એસએસસી બોર્ડની પરીક્ષા માટે વધુ સમય આપ્યો હતો. આટલાં વર્ષ બાદ લખવાનું ફરી શરૂ કરવાનું મુશ્કેલ હતું, પરંતુ ભણવાની ધગશ હતી એટલે કરી શકી. મને ૬૦થી ૬૫ ટકાની અપેક્ષા હતી એની સામે ૭૧ ટકા આવ્યા એનો આનંદ છે. સાતમા ધોરણની કોઈ વૅલ્યુ નથી એટલે એસએસસી બોર્ડનું સર્ટિફિકેટ હોય તો એનાથી આગળ ભણી શકાશે એમ માનીને મેં આ પરીક્ષા આપી હતી અને આખા પરિવારના સપોર્ટથી મને સફળતા મળી છે.’

Mumbai mumbai news prakash bambhrolia