10 November, 2025 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દહિસર પોલીસે રિટાયર્ડ અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સંજય જગતાપની ધરપકડ કરી છે. તેમના પર ૨૦૨૩માં પાસપોર્ટ વેરિફિકેશન બ્રાન્ચમાં ફરજ બજાવતી વખતે ડુપ્લિકેટ પાસપોર્ટ અરજી ક્લિયર કરવામાં મદદ કરવાનો આરોપ મુકાયો હતો. ૩૧ ઑક્ટોબરે નિવૃત્ત થયેલા સંજય જગતાપને પાંચમી નવેમ્બરે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ કેસની મુખ્ય કડી રાજેન્દ્ર ઉર્ફે રાજિન્દર ગુરુ વચનસિંહ છે. તે નાર્કોટિક્સ ક્રિમિનલ છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તેની વિરુદ્ધ કેસ નોંધાયેલા છે. આ ગુનેગારને ૨૦૨૩માં મેડિકલ કારણોને લીધે છોડવામાં આવ્યો હતો. એ પછી તે મુંબઈ શિફ્ટ થયો હતો. મુંબઈમાં તેણે આ કેસના અન્ય આરોપીઓની મદદથી પોતાનું અને પોતાના પરિવારનાં બનાવટી આધાર કાર્ડ અને બીજા ડૉક્યુમેન્ટ્સ બનાવીને પાસપોર્ટ માટે અરજી કરી હતી. ASI સંજય જગતાપે ડૉક્યુમેન્ટ્સની પૂરતી તપાસ કર્યા વગર એને મંજૂરી આપી હતી અને અરજી આગળ મોકલી હતી. રાજેન્દ્ર વચનસિંહ પોતાનો પાસપોર્ટ મેળવીને દેશ છોડીને ભાગી જવામાં સફળ થયા પછી જ આ છેતરપિંડી સામે આવી હતી. વિદેશમાં ગયા પછી તેણે ફરીથી ગેરકાનૂની રીતે ડ્રગ્સની સપ્લાય શરૂ કરી હોવાથી આખો મામલો ખુલ્લો પડ્યો હતો.