ગજબના ગોવિંદાઓ

06 September, 2026 08:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર વર્ષની જેમ મુંબઈમાં દહીહંડીની જબરદસ્ત ઉજવણી થઈ હતી. ઠેર-ઠેર મટકીઓ ફોડવા નીકળી પડેલાં છોકરાઓ અને છોકરીઓનો ઉત્સાહ જોવા જેવો હતો.

પ્રતીકાત્મક તસવીર

દર વર્ષની જેમ મુંબઈમાં દહીહંડીની જબરદસ્ત ઉજવણી થઈ હતી. ઠેર-ઠેર મટકીઓ ફોડવા નીકળી પડેલાં છોકરાઓ અને છોકરીઓનો ઉત્સાહ જોવા જેવો હતો. જોકે મલાડમાં થયેલા ૭ વર્ષના એક બાળગોવિંદાના અવસાને અને પિંપરી-ચિંચવડની એક મહિલા સાથે થયેલી વિચિત્ર જીવલેણ દુર્ઘટનાએ માહોલ કરુણ કરી દીધો હતો

દહીહંડીની ઉજવણી જીવલેણ બની: પોતાના ઘર પાસેની દહીહંડીની ઉજવણીમાં ૭ વર્ષના છોકરાનો જીવ જતો રહ્યો

મલાડમાં દહીહંડી રમી રહેલા છોકરાનું કરુણ મોત થયું હોવાની ઘટના બની હતી. મલાડ-વેસ્ટના માલવણીની ચીકુવાડીમાં કેટલાક નાના છોકરાઓએ તેમના ઘર પાસે જ નાની એવી મટકી બાંધી હતી. દોરડાનો એક છેડો ઝાડ સાથે બાંધ્યો હતો અને બીજો  છેડો ગ્રાઉન્ડ ફ્લોરના સ્ટ્રક્ચરના પિલર સાથે બાંધ્યો હતો. બપોરે ૩ વાગ્યાની આસપાસ ઈંટનો બનાવેલો કાચો પિલર તૂટી પડ્યો હતો. એ તૂટીને ૭ વર્ષના કેતન ઉર્ફે રુદ્ર કદમ પર પડ્યો હતો. તેને તરત જ માલવણી જનરલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. છોકરાનું મૃત્યુ થતાં દહીહંડીના રંગમાં ભંગ પડ્યો હતો અને મોજની જગ્યાએ માતમ ફેલાઈ ગયો હતો.   

દહીહંડીમાં ઉપરથી પડવાથી ૧૬૮ ગોવિંદા ઘાયલ
આખા મુંબઈમાં ગઈ કાલે ભારે ઉત્સાહ સાથે જન્માષ્ટમીની ઉજવણી થઈ હતી અને ગોવિંદા રે ગોપાલા ગાઈને મટકીઓ ફોડી હતી. જોકે એમાં કેટલાક ગોવિંદાઓ ઉપરથી નીચે પટકાતાં ઘાયલ પણ થયા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જણાવ્યા અનુસાર રાતના ૯ વાગ્યા સુધીમાં ૧૬૮ ગોવિંદા ઘાયલ થયા હતા. એમાં સૌથી વધુ ઈસ્ટર્ન સબર્બ્સમાં ૧૦૬ ગોવિંદા ઘાયલ થયા હતા, જ્યારે વેસ્ટર્ન સબર્બ્સમાં ૩૩ ગોવિંદા ઘાયલ થયા હતા. KEM હૉસ્પિટલમાં સૌથી વધુ ૩૩ ગોવિંદા ઘવાઈને આવ્યા હતા. રાજાવાડી હૉસ્પિટલમાં ૨૦ અને નાયરમાં ૧૭ ગોવિંદા સારવાર માટે આવ્યા હતા. કુલ ૧૬૮ ઘાયલ ગોવિંદામાંથી ૨૯ને ઍડ્‍મિટ કરીને સારવાર અપાઈ રહી હતી. ૮૧ ગોવિંદાની સારવાર ચાલી રહી હતી અને ૫૮ ગોવિંદાને જરૂરી પાટાપિંડી કરીને રજા આપવામાં આવી હતી.

દહીહંડી પત્યા પછી મંડપની લોખંડની કમાન તૂટી પડી, મહિલાનું મોત

પિંપરી-ચિંચવડના જૂના સાંગવી ગામમાં એક દુઃખદ ઘટના બની હતી. શુક્રવારે રાતે વિઘ્નહર્તા મંડળની દહીહંડીની ઉજવણી કરાઈ હતી. બધું સમુંસૂતરું પાર પડ્યું હતું. એ પછી ગોવિંદાઓનો ઉત્સાહ વધારવા માટે ઊભા કરાયેલા લોખંડના મંડપને છૂટો કરાઈ રહ્યો હતો એ વખતે એની લોખંડની કમાન પડવા માંડી હતી. વજનદાર કમાન પડતી જોઈને એને રોકવાનો પ્રયાસ કેટલાક યુવાનોએ કર્યો પણ ખરો. જોકે વજન ન ખમી શકતાં એ લોકો ઝડપથી સાઇડમાં થઈ ગયા હતા. તેમની સાથે જ ઊભેલી ૪૫ વર્ષની સલમા પઠાણને પણ કમાન પડી રહી હોવાની ખબર તો પડી, પણ તે ઝડપથી ખસીને બચી જાય એ પહેલાં જ એ તેના પર પડી હતી. એને કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તરત જ તેને હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી. આ ઘટના ત્યાં લગાડવામાં આવેલા CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી. સલમાનો દીકરો વિઘ્નહર્તા મંડળનો સભ્ય છે એટલે તેના પરિવારે મંડળ સામે ગુનો દાખલ કરવાનું માંડી વાળ્યું હતું. પોલીસે પણ જાતે ગુનો દાખલ ન કરવો એવી વિનંતી પરિવારે કરી હતી. તેમનું કહેવું છે કે જો ફરિયાદ નોંધાશે તો મંડળના સભ્યો મુશ્કેલીમાં મુકાઈ જશે. 

હમ ભી કુછ કમ નહીં

ગોવિંદાઓ દ્વારા કૃષ્ણ ભગવાનને યાદ કરીને મટકી ફોડવા જે થર લગાવવામાં આવે છે એમાં સાહસ, પર્ફેક્શન, તાકાત અને એકબીજાના સહકારની એકસાથે કસોટી થાય છે. પુરુષો દ્વારા મટકીફોડની રમત રમાય છે, પણ હવે કેટલાંક વર્ષોથી મહિલાઓ (ખાસ કરીને છોકરીઓ) પણ આમાં ભાગ લઈ રહી છે. ગઈ કાલે થાણેમાં સ્વામી પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત કરાયેલી દહીહંડીમાં છોકરીઓએ ૭ થર લગાવીને મટકી ફોડવાનો પ્રયાસ કર્યો હતો. મટકી ફૂટે કે ન ફૂટે, એ માટે ૭ થર લગાવવા એ પણ કોઈ અચીવમેન્ટથી ઓછું નથી.

આર્યન્સ ગોવિંદા પથકના ખેલાડીઓ ૧૦ થર ચડ્યા ખરા, પણ પડ્યા 

જોગેશ્વરી-ઈસ્ટની મજાસવાડીના આર્યન્સ ગોવિંદા પથકે ગઈ કાલે થાણેમાં આયોજિત કરાયેલી સંસ્કૃતિની દહીહંડીમાં ૧૦ થર લગાવ્યા હતા. ટોચમાં નાની બાળકીને સેફ્ટી-ગિઅર સાથે રાખી હતી. ટોચના થર ઊભા થવા ગયા, પણ એ જ વખતે વચ્ચેથી થર તૂટી પડ્યો હતો. આમ ગયા વર્ષના જય જવાન ગોવિંદા પથકના ૧૦ થરના રેકૉર્ડની બરાબરી જરાક તેઓ માટે ચૂકી ગયા હતા.     

સૂર્યા ઘાટકોપરમાં
ક્રિક્ટના મેદાન પર ફટકાબાજી કરતો સૂર્યકુમાર ગઈ કાલે ગોવિંદાઓનો ઉત્સાહ વધારવા તેમના તાલે ઝૂમતો જોવા મળ્યો હતો. ઘાટકોપરના અમૃતનગરની ગણેશ ચુક્કલની દહીહંડીમાં તેણે હાજરી આપી હતી.   

ગોવિંદાના જલ્લોષમાં ‘ગોવિંદા’નો જલવો

વિરાર કા છોકરાની ઓળખ ધરાવતો ગોવિંદા ગઈ કાલે દહીહંડી ફોડવા આવેલા ગોવિંદાઓનો ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો. થાણેના ટેમ્ભી નાકા મંડળની દહીહંડીમાં તે સ્ટેજ પર આવતાં જ ગોવિંદાઓએ ચિચિયારીઓ પાડીને તેને વધાવ્યો હતો. ત્યાર બાદ તેણે તેનાં જ ગીતો પર ડાન્સ કરી યુવાનોનાં દિલ જીતી લીધાં હતાં.  

સંજય દત્ત બોરીવલીમાં
સંજય દત્ત ગઈ કાલે બોરીવલી-ઈસ્ટના માગાથાણેમાં આયોજિત કરાયેલી દહીહંડીમાં પહોંચી ગયો હતો. તેણે ગોવિંદોઓનું અભિવાદન હાથ જોડીને સ્વીકાર્યું હતું.    

mumbai news mumbai dahi handi festivals janmashtami pimpri govinda sanjay dutt suryakumar yadav