પાલઘરની ધરતી ફરી ધણધણી : બે કલાકમાં 13 આંચકા અનુભવાયા

11 March, 2020 09:31 AM IST  |  Palghar

પાલઘરની ધરતી ફરી ધણધણી : બે કલાકમાં 13 આંચકા અનુભવાયા

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા બે દિવસમાં ધરતીકંપના ૧૩ આંચકા આવતા પાલઘર જિલ્લાની જમીન ધણધણી ઊઠી છે. ગઈ કાલે પણ જિલ્લાના દહાણુ અને તલાસરી પરિસરમાં ધરતીકંપના ચાર આંચકા અનુભવાયા હતા. આ આંચકા હળવી માત્રાના હોવા છતાં ગામવાસીઓમાં ભયનું વાતાવરણ નિર્માણ થયું છે.

પાલઘર જિલ્લાના દહાણુ અને તલાસરીમાં સોમવારે અને ગઈ કાલે ધરતીકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સામાન્ય રીતે ધરતીકંપના આ આંચકાની તીવ્રતા ૨.૮ હતી. ઓછી તીવ્રતાના આંચકા હોવા છતાં વારંવાર ધરતી ધ્રૂજી ઊઠતી હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં ડરનું વાતાવરણ ઊભું થયું છે.

સોમવારે વહેલી સવારે ૪ વાગ્યે ધરતીકંપનો પહેલો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા ૨.૦ હતી. એ પછી સવા કલાકમાં એટલે કે ૫.૧૮ મિનિટે ૨.૩ તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. બાદમાં રાત્રે ૮.૪૫ મિનિટે ૨.૪ તીવ્રતાનો વધુ એક આંચકો અનુભવાયો હતો. આ સિલસિલો ચાલુ રહેતા બે જ મિનિટમાં ફરી ધરતી ધણધણી ઊઠી હતી.

સોમવારની જેમ મંગળવારે પણ ધરતી ધ્રૂજવાનો સિલસિલો કાયમ રહ્યો હતો. મધરાત્રે ૧.૨૪ વાગ્યે પહેલો આંચકો લાગેલો જે ૨.૮ તીવ્રતાનો હતો. એ પછી વહેલી સવારે ૫.૪૭ વાગ્યે ૨.૭ની તીવ્રતાનો, ૬.૨૧ મિનિટે ૨.૦ તીવ્રતાનો અને સવારે ૯.૪૮ મિનિટે ૧.૯ તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.

એક પછી એક કરીને બે દિવસમાં ધરતીકંપના ૧૩ આંચકા લાગ્યા હતા. આથી સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. તેઓ જરા પણ હલચલ થતાંની સાથે જીવ બચાવવા ઘરની બહાર દોડી આવે છે.

palghar earthquake