07 October, 2025 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દાદરમાં થયેલા અકસ્માતમાં કૅબ અને ટેમ્પોને ભારે નુકસાન થયું હતું.
દાદરમાં ટેમ્પો-ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં એક ટેમ્પોએ બસ અને બે ગાડીને ટક્કર મારીને જીવલેણ અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
રવિવારે મોડી રાતે ૧૧.૩૦ વાગ્યે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની લીઝ પર લીધેલી બસ વરલી બસડેપોથી પ્રતીક્ષાનગર તરફ જઈ રહી હતી. બસ દાદર પ્લાઝા બસ-સ્ટૉપ પર પહોંચી ત્યારે શિવાજી પાર્ક તરફ જઈ રહેલો ટેમ્પો ટ્રાવેલર બસની જમણી બાજુના ફ્રન્ટ વ્હીલમાં ઘૂસી ગયો હતો. એને કારણે બસ અચાનક ડાબી બાજુ ફંટાઈ ગઈ હતી અને બસ-સ્ટૉપ પર ઊભેલા મુસાફરો તથા ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓ બસની અડફેટે આવી ગયા હતા.
અકસ્માતનો જીવલેણ ખેલ આટલેથી ન અટકતાં ટેમ્પો આગળ જઈને ટૅક્સી અને ટૂરિસ્ટ કારને પણ અથડાયો હતો. એને લીધે વાહનને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં ઘવાયેલા મુસાફરોને પોલીસ અને બસના કન્ડક્ટરે હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જ્યાં ૩૭ વર્ષના શાહબુદ્દીનને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. ૪ ઈજાગ્રસ્તોને સાયન હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ ચારેય લોકો એક જ પરિવારના છે.
ટેમ્પો-ડ્રાઇવર વિરુદ્ધ શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી છે.