દાદર સ્ટેશનની થશે કાયાપલટ

30 December, 2021 11:32 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઇનને ભેગી કરીને બનાવાશે ૧૫ પ્લૅટફૉર્મનું સ્ટેશન : એમાં લોકલ તેમ જ આઉટ સ્ટેશન ટ્રેન ઉપરાંત મેટ્રો તેમ જ મોનોરેલના પ્રવાસીઓની અવરજવરની પણ સુવિધા હશે

આવું હશે નવું દાદર સ્ટેશન

દાદર સ્ટેશન પર હાલમાં રોજના ૫.૫૦ લાખ મુસાફરો આવે છે જેમાં બહારગામથી આવતી ટ્રેનના પ્રવાસીઓ તેમ જ લોકલ ટ્રેનના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. ગણેશચતુર્થીના તહેવારો તેમ જ રાજકીય રૅલી હોય ત્યારે પ્રવાસીઓની સંખ્યા વધીને આઠ લાખ થઈ જાય છે. દાદર સ્ટેશન પર હાલમાં ૧૫ પ્લૅટફૉર્મ છે જેમાં વેસ્ટર્ન રેલવેનાં 
સાત તેમ જ સેન્ટ્રલનાં આઠ પ્લૅટફૉર્મનો સમાવેશ થાય છે. સ્ટેશન આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જૅમ થાય છે. મુંબઈ મેટ્રો કૉરિડોર પ્રોજેક્ટનું હાલમાં નિર્માણકાર્ય ચાલી રહ્યું છે એથી દાદર સ્ટેશનને એક મલ્ટિમૉડલ ઇન્ટિગ્રેટેડ હબ તરીકે વિકસાવવામાં આવશે. 
દાદર સ્ટેશનના રીડેવલપમેન્ટની યોજનામાં દરેક પ્લૅટફૉર્મ પર મુસાફરોની સંખ્યા સરખી રીતે વહેંચાયેલી હોય, ચાલીને જતા મુસાફરો માટે પૂરતી જગ્યા હોય અને વધારાના ફુટઓવર બ્રિજનો પણ સમાવેશ થાય છે. ટિળક બ્રિજ, લક્ષ્મી નપુ રોડ અને સેનાપતિ બાપટ માર્ગ પર આવ-જા માટેના વધારાના માર્ગ મૂકવામાં આવશે. મુસાફરોના આવવા તેમ જ જવા માટે અલગ માર્ગ બનાવવાનો પણ પ્રસ્તાવ છે. આઉટ-સ્ટેશન માટેના પ્રવાસીઓને પ્લૅટફૉર્મ પર ઓછું ચાલવું પડે એવી વ્યવસ્થા તેમ જ લોકલ પ્લૅટફૉર્મ અને ફુટઓવર બ્રિજની ઉપર પાકી દીવાલ બનાવવાની યોજના છે જેથી સૂર્યપ્રકાશ અને વરસાદનું પાણી ન પ્રવેશે એનું પણ ધ્યાન રાખવામાં આવશે.

mumbai mumbai news dadar rajendra aklekar