સાયરસ મિસ્ત્રીના રોડ-અકસ્માતની આફ્ટર ઇફેક્ટ : હાઇવે રિપેર કરતી કંપની સામે પોલીસે નોંધ્યો ગુનો

22 September, 2022 09:35 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર છેલ્લાં પાંચ વર્ષમાં ૫૧૧ લોકોએ જીવ ગુમાવ્યા

ફાઇલ તસવીર

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પરના ખાડા અને એને કારણે થતા અકસ્માતોનો મુદ્દો દિવસે-દિવસે ગંભીર બની રહ્યો છે. જોકે સાયરસ મિસ્ત્રીના રોડ-અકસ્માત બાદ આ મુદ્દા પર ગંભીરતા દેખાડવામાં આવી છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ હાઇવે પર લગભગ બે હજાર અકસ્માતો થયા છે, જેમાં ૫૧૧ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું બહાર આવ્યું છે. નૅશનલ હાઇવેની સુરક્ષા માટે અનેક વખત નિવેદન આપવા અને માગણીઓ કરવા છતાં સુધારો થતો ન હોવાથી હાઇવે ઑથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટર, સંબંધિત એન્જિનિયરો, રસ્તાના બાંધકામ અને જાળવણી સમારકામના કૉન્ટ્રૅક્ટર સામે અકસ્માતો માટે તેમને જવાબદાર ઠેરાવીને ગુનો દાખલ કરવાની માગણી સંસદસભ્ય રાજેન્દ્ર ગાવિતે પોલીસ કમિશનર અને પોલીસ અધિકારીને પત્ર લખીને કરી હતી. અંતે ગઈ કાલે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેના રસ્તા રિપેર કરતી કંપની સામે તલાસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

દહિસર ચેકપોસ્ટથી નીકળ્યા બાદ મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેની હદ શરૂ થાય છે જે ગુજરાત સીમા પર પાલઘર જિલ્લાના અચ્છાડ સુધીની છે. આ હાઇવેની કુલ લંબાઈ ૧૧૯ કિલોમીટર છે. આ હાઇવે પર અતિક્રમણ, સર્વિસ રોડનો અભાવ, રોડની વચ્ચે પાર્ક કરાયેલાં વાહનો, અટવાયેલાં વાહનો હટાવવા માટે તંત્રનો અભાવ, છૂટાંછવાયાં પશુઓની અવરજવર, કાદવ અને ધૂળનું સામ્રાજ્ય, અપૂરતાં ડિવાઇડર એમ વિવિધ પ્રકારનાં કારણોને લીધે અકસ્માતો વધી રહ્યા છે. હાલમાં વરસાદ પડી રહ્યો હોવાથી હાઇવે પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ખાડાઓની જાળવણી અને સમારકામ માટે હાઇવે ઑથોરિટી અને તેમના દ્વારા નિમાયેલી કંપનીની ઉદાસીનતાને કારણે નાગરિકોને ભારે ફટકો પડી રહ્યો છે.

અંતે ગુનો નોંધાયો મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર અકસ્માતોનો સિલસિલો શરૂ જ છે અને તાજેતરમાં પણ બે ભીષણ અકસ્માતોમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. નૅશનલ હાઇવે પર તલાસરી તાલુકાના આમગાંવ ફાટા નજીક એક જ જગ્યાએ થયેલા બે અકસ્માતમાં છ મુસાફરોનાં મૃત્યુ થયાં છે. આ કેસમાં તલાસરી પોલીસ દ્વારા નૅશનલ હાઇવે મેઇન્ટેનન્સ કરનાર કૉન્ટ્રૅક્ટર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાયરસ મિસ્ત્રીના રોડ-અકસ્માતમાં થયેલા મૃત્યુ બાદ નૅશનલ હાઇવે પર અકસ્માતને તંત્રએ ગંભીરતાથી લઈને કૉન્ટ્રૅક્ટર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ બાબતે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેની જાળવણી માટે કૉન્ટ્રૅક્ટર કંપની આર. કે. જૈન ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના મૅનેજર અને સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ ગઈ કાલે તલાસરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કૉન્ટ્રૅક્ટર કંપની પર હાઇવેની જાળવણીમાં ઇરાદાપૂર્વકની બેદરકારી અને લાપરવાહીનો આરોપ લગાવીને કેસ દાખલ કરવામાં આવ્યો છે. તલાસરી પોલીસ સ્ટેશનમાં મૅનેજર રામ રાઠોડ અને સંબંધિત અધિકારીઓ સામે આઇપીસીની ૩૦૪ (અ), ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૪૨૭ એમવી ઍક્ટ ૧૮૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

mumbai mumbai news mumbai police western express highway