વરસાદ આવતાની સાથે જ વસઈ-વિરારવાસીઓની વીજળી વેરણ બની

05 June, 2020 08:04 AM IST  |  Virar | Mumbai Correspondent

વરસાદ આવતાની સાથે જ વસઈ-વિરારવાસીઓની વીજળી વેરણ બની

પ્રતીકાત્મક તસવીર

વરસાદ આવતાં જ વસઈ-વિરારવાસીઓની હાડમારી વધી છે. વીજળીની સપ્લાય ન થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બુધવારે તો આખો દિવસ અને ગુરુવારે પણ અમુક વિસ્તારોમાં થોડો સમય વીજપુરવઠો ખોરવાતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. વિરાર-વસઈમાં હજી પણ પાવર સપ્લાય માટેના જે વાયર છે એ ઘણી જગ્યાએ થાંભલા પર બહારથી લટકાવાયેલા છે એને કારણે વરસાદનાં ભારે ઝાપટાં આવે કે પવન સાથે વરસાદ આવે અને એકાદ ડાળખી પણ જો એ વાયર પર પડે તો વીજળીનું કનેક્શન તૂટી જાય છે અને આખા વિસ્તારની વીજળી ચાલી જાય છે. વિરારમાં બુધવારે આખો દિવસ વીજળી નહોતી. એમાં પાછું એ દિવસે ‘નિસર્ગ’ વાવાઝોડાનો ખતરો હતો એને કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. બીજું, વિરાર-વસઈમાં અનેક નીચાણવાળા વિસ્તારો છે. થોડો વરસાદ પડે તો પણ એ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે એથી વીજળી પૂરી પાડતી મહાવિતરણ કંપની સામેથી વીજળીની સપ્લાય કાપી નાખે છે. તેમનું કહેવું છે કે જો વીજળીની સપ્લાય ચાલુ રાખીએ અને શૉર્ટ સર્કિટ થાય તો પાણીમાં વીજપ્રવાહ પાસ થાય તો બહુ મોટી દુર્ઘટના સર્જાઈ જાય. જાનમાલની મોટી ખુવારી થાય એથી જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી અમે વીજળીની સપ્લાય ચાલુ કરવાનું રિસ્ક ન લઈ શકીએ.

આવી પરિસ્થિતિમાં લોકો ઇન્વર્ટરના સહારે ઘરનાં લાઇટ-પંખા ચલાવે છે, પણ જો લાંબો સમય વીજળી જાય તો ઇન્વર્ટરની બૅટરી પણ પુરી થઈ જાય છે. વિરાર-વસઈના લોકોની આ હાડમારી બાબતે મહાવિતરણનો સપર્ક સાધીને ઉકેલ જાણવાની કોશિશ કરી હતી, પણ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો.

vasai virar brihanmumbai electricity supply and transport mumbai mumbai news cyclone nisarga