CUETની પરીક્ષા માટે મુંબઈના વિદ્યાર્થીઓને ગુજરાતમાં સેન્ટર: વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન

18 May, 2023 05:50 PM IST  |  Mumbai | Karan Negandhi

વિદ્યાર્થીઓને નવસારી, સુરત અને અમદાવાદમાં સેન્ટર મળ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પણ ઘણા વિદ્યાર્થીઓએ આવી જ ફરિયાદ કરી છે

પ્રતીકાત્મક તસવીર

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ તાજેતરમાં 21 મેથી 24 મે અને 25 મેથી 28 મે દરમિયાન યોજાનારી પરીક્ષાઓ માટે CUET-UG 2023 એડવાન્સ સિટી ઇન્ટિમેશન સ્લિપના બે સેટ બહાર પાડ્યા છે. 21 મેથી 24 મે દરમિયાન યોજાનારી પરીક્ષાઓ માટે પ્રથમ સેટ 14 મેના રોજ બહાર પાડવામાં આવ્યો હતો.

હવે સિટી ઇન્ટિમેશન સ્લિપ જોઈને મુંબઈ (Mumbai)ના વિદ્યાર્થીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. મુંબઈના કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ગુજરાત (Gujarat)માં સેન્ટર આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને નવસારી, સુરત અને અમદાવાદ (Ahmedabad)માં સેન્ટર મળ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પણ ઘણા વિદ્યાર્થીઓએ આવી જ ફરિયાદ કરી છે.

આ મામલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે CUET-UGની પરીક્ષા આપનારી વિદ્યાર્થિની સેન્ટ ઝેવિયર્સ કૉલેજની લમ્હા રાવલ સાથે વાત કરી. લમ્હા રાવલ જણાવ્યું કે, “આ વર્ષે કૉલેજો HSC રિઝલ્ટ અને CUET-UGના રિઝલ્ટ બંનેના સ્કોર પર એડમિશન આપવાની છે. તેવામાં સારી કૉલેજમાં એડમિશન મેળવવા માટે આ ટેસ્ટ આપવી અગત્યની છે. જોકે, કેટલાક વિદ્યાર્થીઓને સેન્ટર ખૂબ જ દૂર આપવામાં આવ્યા છે. જ્યારે મેં મારી સિટી ઇન્ટિમેશન સ્લીપ ડાઉનલોડ કરી ત્યારે મને ખબર પડી કે મારું સેન્ટર અમદાવાદમાં છે.”

તેણીએ ઉમેર્યું કે, “વેકેશનની સિઝનમાં આટલી શોર્ટ નોટિસ પર ટિકિટ મેળવવી એ એક ખૂબ જ મોટી સમસ્યા છે. ઉપરાંત, બંને જ શહેરમાં વાતાવરણ ખૂબ જ જુદું છે. આવી ગરમીમાં વિદ્યાર્થીઓ ટ્રાવેલ કરી અને બીમાર પડશે તો તેની સીધી અસર તેમના માર્કસ પર પડશે. મેં હેલ્પ સેન્ટરમાં આ વિશે ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજી સુધી તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી.”

ટ્વીટર પર જમ્મુ-કાશ્મીરના એક વિદ્યાર્થીએ પણ આ પ્રકારની સમસ્યા ભોગવી રહ્યા હોવાનું કહ્યું હતું. વિદ્યાર્થીએ સંબંધિત એકઉન્ટને ટેગ ટ્વીટમાં લખ્યું છે કે, “હું શોપિયન કાશ્મીરનો છું અને મને સેન્ટર ભટિંડા પંજાબમાં અહીંથી 227 કિમી દૂર આપવામાં આવ્યું છે. ઑનલાઈન અરજી કરતી વખતે મેં આ શહેર પસંદ કર્યું નથી. કૃપા કરીને આ બાબતે ધ્યાન આપશો.”

આ મામલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમની તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહતો.

આ પણ વાંચો: થાણેમાં ગુજરાતી યુવકે ૧૭મા માળેથી કૂદકો મારીને જીવ ગુમાવ્યો

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ CUET પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમાન સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આગામી ત્રણ-ચાર દિવસમાં CUET પરીક્ષના એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવશે. ઉમેદવારોને આશા છે કે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવે તે પહેલાં પરીક્ષાના શહેરમાં બદલાવ કરવામાં આવશે.

mumbai mumbai news national news twitter ahmedabad karan negandhi