કરોડોની લાલચમાં કરોડો ગયા

10 May, 2022 07:55 AM IST  |  Mumbai | Mehul Jethva

ડોમ્બિવલીના ગુજરાતી વેપારીને વિરાર નજીક હાઇવે પર મળેલા યુવકે સોનાનો એક સિક્કો આપ્યો એ સાચો નીકળતાં વધુ સિક્કા અડધા ભાવે ખરીદીને ૧૦ કરોડની લાલચમાં ૩.૧૨ કરોડની છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

ડોમ્બિવલીમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતો ગુજરાતી વેપારી પરિવારના સભ્યો સાથે ગુજરાતમાં દેવદર્શને નીકળ્યો ત્યારે તેઓ વિરાર નજીક હાઇવે પર માટીનાં વાસણ લેવા ઊભા રહ્યા હતા. એ વખતે એક યુવાન તેમની પાસે આવ્યો અને તેણે સોનાનો એક સિક્કો આપ્યો અને એવા આશરે ૩૩ કિલો સોનાના સિક્કા પોતાની પાસે હોવાનું વેપારીને કહ્યું હતું. યુવાને આપેલો સિક્કો વેપારીએ તપાસ્યો અને એ સાચો નીકળ્યો એટલે વેપારીએ કમાવાની લાલચમાં વધુ સિક્કા લેવા ૩.૧૨ કરોડ રૂપિયા લઈને વિરાર પહોંચ્યો હતો. પૈસા આપ્યા પછી મોટી થેલીમાં ભરીને સિક્કા લીધા હતા. બીજા દિવસે જ્યારે એ સિક્કા ચકાસ્યા ત્યારે તમામ ખોટા નીકળ્યા હોવાથી વેપારીએ વિરાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ડોમ્બિવલી-ઈસ્ટમાં ફતેહઅલી રોડ પરની એક સોસાયટીમાં રહેતા ૪૪ વર્ષના હેમંત મૂળચંદ વાવિયા (પટેલ)એ કરેલી ફરિયાદમાં જણાવ્યું કે ‘અમે ૧૫ એપ્રિલે પરિવારના સભ્યો સાથે ગુજરાત દેવદર્શને નીકળ્યા હતા. એ દરમ્યાન દાપચેરી ગામ નજીક અમે માટીનાં વાસણ લેવા ઊભા રહ્યા હતા. એ વખતે અમારી પાસે એક યુવક આવ્યો અને તેણે મને કહ્યું કે ‘સાહેબ જરા જુઓ, આ શું છે?’ એમ કહેતાં સોનાનો એક ગ્રામનો સિક્કો તેણે મને આપ્યો હતો. એ પછી તેણે કહ્યું કે મારી પાસે આવા ઘણા સિક્કા છે. મેં કહ્યું કે મને આમાં ખબર ન પડે. ત્યારે યુવકે કહ્યું કે તમે એક સિક્કો લઈ જાઓ અને ખાતરી કરજો કે આ સોનાનો છે કે નહીં. એટલે મેં એ સિક્કો લઈ લીધો. ૧૭ એપ્રિલે દેવદર્શન કરીને ડોમ્બિવલી આવતાં મેં જ્વેલર પાસે જઈને સિક્કો ચકાસ્યો ત્યારે એ સાચો હોવાની મને જાણ થઈ હતી. એ દરમ્યાન મને આરોપી યુવકનો ફોન પણ આવ્યો હતો. લાલચમાં આવી જઈને હું એ જ દિવસે આરોપીને મળવા દાપચેરી ગયો હતો. આરોપીએ પોતાની ઓળખ રાજુ પ્રજાપતિ તરીકે આપતાં મને કહ્યું કે હું પાઇપલાઇનનું કામ કરું છું અને મને સિક્કા જમીન નીચેથી મળ્યા હતા અને હાલમાં પણ મેં એ સિક્કા જમીનમાં દાટી રાખ્યા છે. તમને જોઈતા હોય તો બીજા દિવસે આવજો.’
હેમંતભાઈએ ફરિયાદમાં વધુમાં કહ્યું હતું કે ‘બીજા દિવસે એટલે કે ૧૮ એપ્રિલે સવારે ૭ વાગ્યે હું તેને મળવા તલાસરી પહોંચ્યો હતો, જ્યાં મને મળેલા રાજુ સાથે એક મહિલા પણ હતી અને તેના હાથમાં એક થેલી હતી જેમાં સોનાના સિક્કા હોવાનું કહેતાં રાજુએ મને એક મુઠ્ઠી ભરીને સોનાના સિક્કા થેલીમાંથી કાઢી બતાવ્યા હતા એટલે મને વિશ્વાસ બેસી ગયો હતો. એ પછી આરોપીએ કહ્યું કે મારે એક કિલો સિક્કા ૧૫ લાખમાં આપવા છે અને આશરે ૩૩ કિલોના આશરે પાંચ કરોડ રૂપિયા થાય. મેં ભાવાતાલ કરતાં ૩.૧૨ કરોડ રૂપિયામાં સોદો ડન થયો હતો. હું ત્યાંથી ડોમ્બિવલી પાછો આવ્યો અને પૈસા ભેગા કર્યા. ૩.૧૨ કરોડ રૂપિયા ભેગા કરી પત્ની અને મમ્મી સાથે પૈસા લઈને હું સકવાર ગામ નજીક એક્સપર્ટ હોટેલની બાજુમાં આવેલી ઝૂંપડીમાં પહોંચ્યો હતો. પૈસા આપતાં તેણે મને સિક્કાથી ભરેલી એક બૅગ આપી હતી જે લઈને અમે પાછાં ઘરે આવ્યાં હતાં. ૨૪ એપ્રિલે હું મારા ભાઈ સાથે થાણેના રામ મારુતિ રોડ પર જ્વેલરની દુકાનમાં ગયો હતો, જ્યાં જ્વેલરે સિક્કા ખોટા હોવાની માહિતી આપી હતી. છેતરપિંડીનો શિકાર બન્યા બાદ મેં ૭ મેએ વિરાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
વિરાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ વર્હાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં ફરિયાદી વેપારી લાલચમાં ફસાયો હતો. આ મોડસ ઑપરૅન્ડી બહુ જૂની છે. અમે છેતરપિંડીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી આરોપી સંબંધી કોઈ કડી અમારા હાથ લાગી નથી.’
ફરિયાદી હેમંત પટેલ સાથે ‘મિડ-ડે’એ સંપર્ક કરવાની કોશિશ કરતાં તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળી શક્યો નહોતો. 

mumbai mumbai news mehul jethva