વડોદરાના કરોડોના એફડી કૌભાંડમાં મુંબઈના બે આરોપી સહિત ચાર પકડાયા

21 July, 2020 07:30 AM IST  |  Mumbai | Shailesh Nayak

વડોદરાના કરોડોના એફડી કૌભાંડમાં મુંબઈના બે આરોપી સહિત ચાર પકડાયા

પ્રતીકાત્મક તસવીર

વડોદરામાં અન્યોન્ય કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડના લિક્વિડેટરની ખોટી સહી કરીને તેમ જ બનાવટી દસ્તાવેજ ઊભા કરીને અંધેરીના ઓશિવરાના રાહુલ શાહ તેમ જ મલાડના ભૂપેશ સુરતી સહિતના ચાર શખસોએ વ્યાજ સાથે ૧,૭૫,૪૮,૫૪૪ લાખ રૂપિયાની એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ) ઉપાડી લઈ ગુનાહિત કાવતરું રચી છેતરપિંડી–વિશ્વાસઘાત કરીને ગુનો આચર્યો હોવાની ઘટનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના બે સહિત ચાર શખસોની ધરપકડ કરી છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ છેતરપિંડીના કેસમાં મુંબઈમાં અંધેરી-વેસ્ટના ઓશિવરા રહેતા રાહુલ ઉર્ફે સચિન ગિરીશ શાહ, અમદાવાદના બાપુનગરમાં રહેતા કિરણકુમાર ત્રિભોવન પંચાલ, મલાડ-વેસ્ટમાં રહેતા ભૂપેશ ભીમભાઈ સુરતી અને વડોદરાના ફતેગંજમાં રહેતા અમૂલ ગોવિંદરાવ મોહોડની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.’

આરોપીઓએ મિલીભગત કરીને ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અન્યોન્ય કો-ઑપ‌રેટિવ બૅન્કના લિક્વિડેટરે બૅન્કના ગ્રાહકો પાસેથી લોનના વસૂલ કરેલાં નાણાંમાંથી ૧,૭૫,૦૦,૦૦૦ રૂપિયા વડોદરાની પંજાબ નૅશનલ બૅન્કની દિવાળીપુરા શાખામાં ૨૦૨૦ની ૧૬ જાન્યુઆરીએ એક વર્ષ માટે ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા હતા. આરોપીઓએ આ એફડીની ખોટી રિસીટ ઊભી કરી પંજાબ નૅશનલ બૅન્કમાં રજૂ કરીને બૅન્કમાંથી ૨૦૨૦ની ૧૦ ફેબ્રુઆરીએ વ્યાજ સાથેનો ૧,૭૫,૪૮,૫૪૪ રૂપિયાનો પેએબલ ઍટ કોલ્હાપુર ડિસ્ટ્રિક્ટનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવડાવ્યો હતો. ત્યાર બાદ આરોપીઓએ ૨૦૨૦ની ૧૮ ફેબ્રુઆરીએ અન્યોન્ય બૅન્કના ખોટા પત્રના આધારે એ ડિમાન્ડ ડ્રાફ્ટ કૅન્સલ કરાવીને બીજો ડિમાન્ડ ડ્રાફ્ટ પેએબલ ઍટ વડોદરાનો બનાવીને સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાની કારેલીબાગ શાખામાં અન્યોન્ય કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડના લિક્વિડેટરના નામનું કરન્ટ ખાતું ખોલાવડાવીને એમાં ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવ્યા બાદ આરોપીઓએ આ નાણાં મેળવી લીધાં હતાં.

આ પણ વાંચો : મુંબઈ : મોબાઇલ મોંઘા થવાથી ઑનલાઈન એજ્યુકેશનમાં મુશ્કેલી

રાહુલ ઉર્ફે સચિન શાહ, કિરણકુમાર પંચાલ, ભૂપેશ સુરતી અને અમૂલ મોહોડની પોલીસે ધરપકડ કરી છે અને મકસુદ શેખ, હિતેશ કારેલિયા તથા રાજુ ગોલ્ડની શોધખોળ ચલાવી રહી છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧૧ મોબાઇલ, બે લૅપટૉપ, બે કાર, ૧ ડોંગલ, અલગ-અલગ બૅન્કનાં ૫૩ ડેબિટ કાર્ડ તેમ જ એક ડ્રાઇવિંગ લાઇસન્સ કબજે કર્યાં છે.

shailesh nayak mumbai mumbai news vadodara Crime News mumbai crime news