બિલ્ડરના અકાઉન્ટમાંના કરોડો રૂપિયા સેરવી લેવાય એ પહેલાં જ બચાવી લેવાયા

28 July, 2020 07:07 AM IST  |  Mumbai | Mumbai correspondent

બિલ્ડરના અકાઉન્ટમાંના કરોડો રૂપિયા સેરવી લેવાય એ પહેલાં જ બચાવી લેવાયા

ઑપરેશન સક્સેસફુલી પાર પાડનાર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ચિમાજી આઢાવ

જુહુમાં રહેતા અને જુહુમાં ઑફિસ ધરાવતા ૮૧ વર્ષના બિલ્ડર પ્રકાશ હીરાલાલા ખાતીવાલાનું ૨૦ જુલાઈએ કોરોનાને કારણે નિધન થયું હતું. તેમની પાછળ તેમનાં વૃદ્ધ અને બીમાર પત્ની આશાબહેન છે. તેમની જ કંપનીમાં કામ કરતા શફિક મેહબૂબ શેખે પ્રકાશભાઈનાં વિવિધ બૅન્ક-અકાઉન્ટમાં રહેલા કરોડો રૂપિયા સેરવી લેવાનો કારસો ઘડી કાઢ્યો હતો.

મીરા રોડમાં રહેતા શફિકે તેના જ એરિયામાં રહેતા બીજા સાગરીતો સાથે મળી એ પૈસા બૅન્કમાંથી કઢાવવાની પૂરતી તૈયારી કરી લીધી હતી, પણ એ ટોળકી કરોડો રૂપિયા સેરવી લે એ પહેલાં જ કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચના ડૅશિંગ અધિકારી ચિમાજી આઢાવને આની માહિતી મળતાં તેઓ તેમની ટીમ સાથે શનિવારે રાતે દહિસરની એક ઝૂંપડપટ્ટીમાં પહોંચી ગયા હતા અને ટોળકીને ઝડપી લીધી હતી.


ચિમાજી આઢાવે કહ્યું હતું કે ‘પ્રકાશ ખાતીવાલાનું નિધન થયા બાદ તેમની જ ઑફિસમાં કામ કરતા અને મીરા રોડમાં રહેતા શફિક મેહબૂબ શેખની દાનત બગડી હતી. તેણે પ્રકાશભાઈનાં વિવિધ બૅન્ક-અકાઉન્ટમાં પડેલા કરોડો રૂપિયા પડાલી લેતાં પહેલાં ઑફિસમાંથી ચેકબુક, પાસબુક અને અન્ય દસ્તાવેજો સાથે કેટલીક કૅશ પણ ચોરી લીધી હતી. તેણે ત્યાર બાદ પો‌તાના સાગરીતોને ભેગા કર્યા હતા; જેમાં સ્વપ્નિલ વિનોદ ઓગલેકર અને પ્રીતેશ ઉર્ફે પિન્ટુ બિપિનચંદ્ર માંડલિયા અને અર્શદ રફિક શેખનો સમાવેશ હતો. સ્વપ્નિલ અને પ્રીતેશ બન્ને રીઢા ગુનેગાર છે અને તેમની સામે બનાવટી આધાર કાર્ડ બનાવવા, એના આધારે નવાં સિમ કાર્ડ લેવા જેવા ગુના નોંધાયેલા છે. જ્યારે અર્શદ રફિક પહેલાં વિદેશમાં કામ કરતો હતો, પણ લૉકડાઉન થતાં ભારત પાછો ફર્યો છે અને તેને લૅપટૉપ અને મોબાઇલ પર અલગ-અલગ સૉફ્ટેવેરનો ઉપયોગ કરીને નેટ-બૅન્કિંગ દ્વારા કેવી રીતે પૈસા ક્યાં ટ્રાન્સફર કરી શકાય એની જાણ છે.

શફિકે આપેલી માહિતીના આધારે સ્વપ્નિલ અને પ્રીતેશે પહેલાં તો પ્રકાશભાઈના નામનું બનાવટી આધાર કાર્ડ બનાવ્યું હતું. ત્યાર બાદ એના આધારે નવું સિમ કાર્ડ મેળવ્યું હતું. પછી એનો ઉપયોગ કરીને મોબાઇલમાં જેજે બૅન્કનાં અકાઉન્ટ હતાં એની ઍપ ડાઉનલોડ કરી લીધી હતી.

એ માટેનો જે ઓટીપી આવતો એ નવા સિમના મોબાઇલ પર આવતો હતો. આમ એ લોકો પાસે બૅન્કનું ઍક્સેસ પણ હતું અને નેટ-બૅન્કિંગનાં ટ્રાન્ઝૅક્શન વખતે મોકલાતો ઓટીપી મળી શકે એવો મોબાઇલ ફોન પણ હતો. વળી અર્શદ નેટ-બૅન્કિંગ માટે જે લૅપટૉપ વાપરતો હતો એના આઇપી ઍડ્રેસ તેણે બીજા દેશનું આપ્યું હતું. આમ પ્રકાશભાઈનાં વિવિધ અકાઉન્ટમાંથી કરોડો રૂપિયા સેરવી લેવાની બધી તૈયારી થઈ ગઈ હતી, પણ એ લોકો એવું કરે એ પહેલાં જ પકડાઈ ગયા હતા.

અમે આરોપીઓને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને ૩૧ જુલાઈ સુધીની પોલીસ-કસ્ટડી આપી છે. અમે ઘટનાસ્થળેથી લૅપટૉપ, મોબાઇલ અને અન્ય વસ્તુઓ તથા દસ્તાવેજ જપ્ત કર્યા હતા.

juhu mumbai mumbai news Crime News mumbai crime news