તેલના નામે તફડંચી

28 May, 2022 09:10 AM IST  |  Mumbai | Mehul Jethva

પામોલીનને મોટી કંપનીઓની થેલીમાં ભરી છેતરપિંડી કરીને લોકોને વેચતા ગોડાઉન પર ક્રાઇમ બ્રાન્ચે માર્યો છાપો : ૩૫,૦૦૦ લિટર પામોલીન જપ્ત કરી બે આરોપીની કરી ધરપકડ

પામોલીન તેલને કેટલીક જાણીતી કંપનીઓની થેલીમાં ભરીને વેચવામાં આવતું હતું.

દેશમાં તેલનો ભાવ વધવાની સાથે કેટલાક ગઠિયાઓ પામોલીનને રિફાઇન્ડ તેલની થેલી અને ગૅલનમાં પૅક કરીને વેચતા હોય છે. એને ગંભીરતાથી લઈને મુંબઈની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ સાતની ટીમે કાંદિવલીમાં આવેલા તેલના એક ગોડાઉન પર રેઇડ પાડી હતી. ત્યાં પામોલીનને મોટી કંપનીઓની તેલની થેલી અને ગૅલનમાં ભરીને મુંબઈના નાના સ્ટોર પર વેચવા માટે મોકલવામાં આવતું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અહીંથી આશરે ૩૫,૦૦૦ લિટર પામોલીન તેલ જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ આ કેસમાં જે બ્રોકરો તરફથી માલનું વેચાણ થયું છે અને કયા વિસ્તારમાં વેચાણ થયું છે એની માહિતી મેળવી રહી છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ સાતની ટીમને માહિતી મળી હતી કે કાંદિવલીના હનુમાનનગરમાં આકુર્લી રોડ પર બાલાજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગાળા નંબર સી-૪૭માં આવેલી હરિઓમ ટ્રેડિંગ કંપનીમાં મોટી સંખ્યામાં પામોલીન તેલને બ્રાન્ડેડ કંપનીઓની થેલીમાં પૅક કરીને બ્રોકર દ્વારા નાના-મોટા દુકાનદારોને વેચી નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. એ પછી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ૨૫ મેએ અહીં છાપો માર્યો હતો. તપાસ કરતાં તેમની પાસે તેલ સંગ્રહ કરવા માટે હજારો લિટરની તેલની ત્રણ ટાંકી પોલીસને મળી આવી હતી. આ ઉપરાંત ફોરવેલ સનફ્લાવર ઑઇલ, કિશન મસ્ટર્ડ ઑઇલ, રાજદીપ ગ્રાઉન્ડનટ ઑઇલ, સનફ્રાય ઑઇલ, સની ઑઇલ, રાધા રિફાઇન્ડ રાઇસબ્રેન ઑઇલના કેટલાક પૅક ડબ્બાઓ મળી આવ્યા હતા. અહીં મશીનમાં કેટલીક મોટી કંપનીની થેલીમાં તેલ ભરવામાં આવી રહ્યું હતું જેની માહિતી હરિઓમ ટ્રેડિંગના મૅનેજર સાગર નંદલાલ ઝવેરીએ પોલીસને આપી હતી. એ પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અહીંથી આશરે ૩૫,૦૦૦ લિટર તેલ જપ્ત કરીને સાગર ઝવેરી અને રામ અવધ ગોડની ધરપકડ કરી હતી. અન્ય એક આરોપી મનીષ કરસન ડાંગરની પોલીસ શોધ ચલાવી રહી છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ સાતનાં સિનિયર ઇન્સ્પેક્ટર પ્રિયા થોરાતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેલના ભાવ મોટા પ્રમાણમાં વધી ગયા છે જેનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો તેલના નામે છેતરપિંડી કરતા થયા છે. અમને ગુપ્ત માહિતી મળી હતી જેના આધારે અમે અહીં રેઇડ પાડી હતી. હરિઓમ ટ્રેડિંગમાં પામોલીન તેલને રિફાઇન્ડ તેલની થેલીમાં ભરીને બ્રોકરની મદદથી નાના-મોટા વેપારીઓને વેચવામાં આવતું હતું. હાલમાં અમે બે આરોપીની ધરપકડ કરીને તેલનો જથ્થો જપ્ત કર્યો છે. અહીં મળેલી પૅક તેલની થેલીઓને લૅબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવી છે. એ સાથે અમે ફૂડ વિભાગના અધિકારીઓને પણ આ સંદર્ભે જાણ કરી છે. આરોપીઓએ કયા બ્રોકરની મદદથી તેલને નાના-મોટા વેપારીઓને વેચ્યું છે એની અમે તપાસ કરી રહ્યા છીએ.’

પામોલીન તેલ શરીર માટે હાનિકારક છે?

મુંબઈ ફૂડ ઍન્ડ ડ્રગ કાંદિવલી વિભાગના ફૂડ ઑફિસર તુષાર ઘોમરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પામોલીન તેલને રિફાઇન્ડ ઑઇલની થેલીમાં ભરીને વેચવું એ નાગરિકો સાથે થતી છેતરપિંડી ગણાય છે. 
આ તેલ ખાવાથી શરીરમાં કોઈ પ્રૉબ્લેમ થાય ખરો એવું પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘રિફાઇન્ડ ઑઇલ પચવા માટે સહેલું હોય છે. એ સાથે પામોલીન તેલ પચવામાં પરેશાની ઊભી કરતું હોય છે. અમુક બીમારીઓના શિકાર થયેલા નાગરિકો પામોલીન તેલનું સેવન કરે તો તેમના શરીર પર ગંભીર પરિણામો આવવાની શક્યતા છે.’

Mumbai mumbai news mehul jethva