મહારાષ્ટ્રમાં દરરોજ 30 જેટલાં બાળકોનું અપહરણ કરાય છે

21 January, 2020 01:34 PM IST  |  Mumbai

મહારાષ્ટ્રમાં દરરોજ 30 જેટલાં બાળકોનું અપહરણ કરાય છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં દરરોજ ૩૦ બાળકોના અપહરણ થતા હોવાનું એક સંસ્થાએ કરેલા સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે. આ અહેવાલ મુજબ નાનાં બાળકો સંબંધિત ગુનેગારીમાં દેશભરમાં મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે છે. ગયા વર્ષ કરતાં રાજ્યમાં આ વર્ષે બાળકોની ગુનેગારીમાં વધારો થયો છે.

સીઆરવાય નામની સંસ્થાએ દેશભરમાં કરેલા સર્વેક્ષણ મુજબ બાળકોના અપહરણના સૌથી વધુ મામલા જ્યાં નોંધાય છે એવા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી અને બિહાર વગેરે રાજ્યમાં હવે મહારાષ્ટ્ર પણ સામેલ થયું છે. આવા ગુનામાં મહારાષ્ટ્ર ત્રીજા નંબરે આવ્યું છે. રાજ્યમાં દરરોજ આવા ૩૦ ગુના નોંધાય છે. સરકારે બાળકો વિશેની ગુનેગારીનો અહેવાલ રજૂ કર્યો છે તેનું સીઆરવાય સંસ્થાએ વિશ્લેષણ કર્યું છે.

૨૦૧૮માં અપહરણ અને બળજબરીપૂર્વક બાળકોને લઈ જવાના ૧૦,૧૧૭ કેસ રાજ્યમાં નોંધાયા હતા. ૨૦૧૭ની તુલનાએ આવી ગુનેગારીમાં ૧૫.૬ ટકાનો વધારો નોંધાયો હતો.

૨૦૧૯માં નાનાં બાળકો સંબંધી ૧૦,૬૨૩ ગુના નોંધાયા છે. આમાંથી ૬થી ૧૨ વર્ષના ૧૧૧૯, ૧૨થી ૧૬ વર્ષના ૪૨૨૨ બાળક અને ૧૬થી ૧૮ વર્ષના ૫૨૮૨ બાળકો ગુમ થવાના કેસ પોલીસને ચોપડે નોંધાયા છે. ચોંકાવનારી વાત એ છે કે ૭૨ ટકા બાળકીઓના અપહરણ થયા છે.

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી અને બિહાર રાજ્યો બાળકોના અપહરણના મામલામાં બદનામ છે, પરંતુ હવે એમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થતાં આ બાબત રાજ્ય માટે શરમજનક બની છે. પોલીસ અને નાગરિકો સામે આવા મામલાને રોકવા માટેનો પડકાર છે.

mumbai news Crime News mumbai crime news maharashtra