કોરોના સંક્રમિત થયેલાં લતાદીદીની તબિયત સ્થિર

12 January, 2022 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વવિખ્યાત સ્વરસમ્રાજ્ઞીને ન્યુમોનિયા થવાની સાથે ૯૨ વર્ષની ઉંમરને લીધે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના આઇસીયુમાં રવિવારે દાખલ કરાયાં

સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકર

વિખ્યાત સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરને કોરોનાનું સંક્રમણ થતાં દક્ષિણ મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. લતાદીદીને ન્યુમોનિયા પણ થયો છે. તેમની સારવાર કરનારી ટીમના ઇન્ચાર્જ ડૉ. પ્રતીત સમધાણીએ કહ્યું હતું કે લતાદીદીને રવિવારે સવારે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરવામાં આવ્યાં હતાં. અત્યારે તેમની તબિયત સ્થિર છે.
લતા મંગેશકરની ભત્રીજી રચનાએ પત્રકારોને માહિતી આપી હતી કે ‘લતાતાઈની કોવિડ-19 ટેસ્ટ પૉઝિટિવ આવી છે. તેમની ૯૨ વર્ષની ઉંમરને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ તેમને હોમ ક્વૉરન્ટીન કરવાને બદલે આઇસીયુ વૉર્ડમાં ઍડ્‌મિટ કરવાની સલાહ આપી હોવાથી તેમને અહીં લાવવામાં આવ્યાં છે. અમે પણ કોઈ ચાન્સ લેવા ન માગતાં હોવાથી તાઈને તમામ પ્રકારની મેડિકલ સુવિધા મળી રહે એ માટે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ લઈ આવ્યાં હતાં.’
મોટી ઉંમરને લીધે લતા મંગેશકરની તબિયતમાં ઉતારચડાવ આવી રહ્યા હોવાથી લાંબા સમયથી તેમની સારવાર બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના ડૉક્ટરોની ટીમ કરી રહી છે. રવિવારે ન્યુમોનિયાની સારવાર માટે લતાતાઈને અહીં ઍડ્‌મિટ કરાયા બાદ તેમને કોવિડનું સંક્રમણ થયું હોવાનું પણ જણાતાં સાવચેતીના પગલારૂપે તેમને આઇસીયુ વૉર્ડમાં રાખવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.
લતા મંગેશકર કોરોના સંક્રમિત થયાં હોવાના સમાચાર ગઈ કાલે બપોરથી વહેતા થયા બાદ તેઓ જલદી ઠીક થઈ જાય એ માટે સોશ્યલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. 
ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં લતાતાઈને શ્વાસ લેવાની તકલીફ થયા બાદ હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરવામાં આવ્યાં હતાં. તબીબી સંશોધનમાં એ સમયે તેમને વાઇરલ ઇન્ફેક્શન થયું હોવાનું જણાયું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લતા મંગેશકરે ૯૨મા જન્મદિવસની ઉજવણી નજીકના પરિવારજનો સાથે કરી હતી.

coronavirus covid19 mumbai mumbai news lata mangeshkar breach candy breach candy hospital