જેણે વૅક્સિન લીધી છે તેમનું શું થયું એની અમને ચિંતા છે: હાઈ કોર્ટ

25 June, 2021 03:46 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

બનાવટી વૅક્સિન કૌભાંડ કેસમાં કોર્ટે સરકાર અને બીએમસીને જવાબ નોંધાવવા કહ્યું : ૨૦૫૩ લોકો અત્યાર સુધી ફેક રસીકરણનો ભોગ બન્યા હોવાનું સરકારે કહ્યું

કાંદિવલીની હીરાનંદાની હેરિટેજ સોસાયટી

કાંદિવલીની હીરાનંદાની હેરિટેજ સોસાયટીમાં કરાયેલા કૅમ્પને કારણે બનાવટી વૅક્સિન કૅમ્પનું કૌભાંડ બહાર આવતાં રાજ્ય સરકારે ગઈ કાલે હાઈ કોર્ટમાં એ સંદર્ભે એનો અહેવાલ આપતાં કહ્યું હતું કે મુંબઈમાં ૯ જગ્યાએ આવા બનાવટ વૅક્સિન કૅમ્પ યોજાયાનું અત્યાર સુધી જાણમાં આવ્યું છે. એ સંદર્ભે ૪ જગ્યાએ એફઆઇઆર નોંધી હાલ એ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની બેન્ચે આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્ય સરકાર અને સુધરાઈને કહ્યું છે કે જે લોકોએ એ વૅક્સિન લીધી છે તેમને એની કોઈ માઠી અસર ન થાય એ માટે તેમની ચકાસણી કરી જરૂરી પગલાં લો. અમારી ચિંતા એ છે જેમણે એ વૅક્સિન લીધી તેમનું શું થયું? તેમની એ વૅક્સિનની શી અસર થઈ? એ વૅક્સિનમાં ખરેખર શું હતું? 

કોર્ટે એ બાબત પણ નોંધી હતી કે આટલું બધું થવા છતાં રાજ્ય સરકારે પ્રાઇવેટ સોસાયટીઓ અને ઑફિસોમાં યોજાતા વૅક્સિનેશન કૅમ્પ માટેની ચોક્કસ ગાઇડલાઇન બહાર પાડી નથી. કોર્ટે કહ્યું હતું કે આ બાબત બહુ જ મહત્ત્વની હોવાથી અર્જન્ટ છે. રાજ્ય સરકાર વહેલી તકે આ માટેની એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર) બહાર પાડે એ જરૂરી છે. આ બાબતે મોડું કરશો તો એ નહીં પાલવે.

ગઈ કાલે સરકાર તરફથી આ કેસનો સ્ટેટસ રિપોર્ટ કોર્ટને સુપરત કરવામાં આવ્યો હતો. જેમાં સરકારે અત્યાર સુધીમાં ૨૦૫૩ લોકો આ કૌભાંડનો ભોગ બન્યા હોવાનું કહ્યું હતું. આ સિવાય અત્યાર સુધીમાં ૪૦૦ વિટનેસના સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. સુધરાઈ તરફથી રજૂઆત કરતા સિનિયર ઍડ્વોકેટ અનિલ સાખરેએ કહ્યું હતું કે ‘અમે પણ આ (ફેક વૅક્સિન) કિસ્સાઓની તપાસ ચલાવી રહ્યા છીએ. વૅક્સિન લેનારાઓને તેમના સર્ટિફિકેટ એ જ દિવસે મળ્યાં નહોતાં અને ત્યાર બાદ ૩ અલગ-અલગ હૉસ્પિટલ તરફથી સર્ટિફિકેટ ઇશ્યુ થતાં તેમને જાણ થઈ હતી કે આમાં કશુંક ખોટું થયું છે. જ્યારે કે હૉસ્પિટલો દ્વારા એમ કહેવાયું છે કે તેમણે એ કૅમ્પમાં વૅક્સિનનાં ઇન્જેક્શન પૂરાં પાડ્યાં નથી. અમે  આ બાબતે સીરમ ઇન્સ્ટિટ્યૂટને પણ પત્ર લખ્યો છે.’

કોર્ટે રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાને આ બાબતે તેમનો જવાબ ઍફિડેવિટ દ્વારા નોંધાવવાનું કહી આગળની સુનાવણી ૨૯ જૂન પર મુલતવી રાખી હતી.

mumbai mumbai news covid vaccine vaccination drive coronavirus covid19 bombay high court kandivli preeti khuman-thakur