જુલાઈમાં રસીકરણનું પ્રમાણ જૂનની સરખામણીએ ૨૦ ટકા ઓછું રહ્યું

02 August, 2021 10:33 AM IST  |  Mumbai | Prajakta Kasale

જુલાઈમાં ૩૧૩ કેન્દ્રો દ્વારા ૧૦ લાખ ડોઝ આપવામાં આવ્યા, જેમાંના ૫.૫ લાખ પહેલો અને ૪.૫ લાખ બીજો ડોઝ હતા

દગડી ચાલમાં ૩૦ જુલાઈએ સુધરાઈના કૅમ્પમાં રસીકરણની રાહ જોઈ રહેલા શહેરીજનો (તસવીરઃ આશિષ રાજે)

જુલાઈમાં ૧૭.૯ લાખ રસી આપવામાં આવી હતી, જે જૂન મહિનામાં આપવામાં આવેલી ૨૧.૬ લાખ રસી કરતાં લગભગ ૨૦ ટકા જેટલી ઓછી હતી. આમાંથી પણ ૭ લાખ લોકોએ બીજો ડોઝ મેળવ્યો હતો.

સરકારે લગભગ ૭૦ ટકા લોકોને વૅક્સિન આપવાનો લક્ષ્યાંક ઠરાવ્યો હતો. જોકે રસીકરણની ગતિ ધીમી રહી હતી. ૧૮થી ૪૪ વર્ષના વયજૂથના લોકો માટે મે મહિનાથી ખાનગી હૉસ્પિટલોમાં વૅક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ૧૮-૪૪ વયજૂથ માટે રસીની કિંમતને અતાર્કિક અને મનસ્વી ગણાવતાં તેના આદેશથી ૨૧ જૂનથી તમામને જાહેર કેન્દ્રોમાં નિઃશુલ્ક રસી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદથી રસીકરણની પ્રક્રિયા વેગમાં આવવી જોઈતી હતી, પરંતુ એથી ઊલટું રસીકરણ ધીમું પડ્યું.

માર્ચ મહિનામાં જ્યારે સામાન્ય જનતા માટે રસીકરણ શરૂ થયું ત્યારે ૯.૨ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. એપ્રિલ મહિનામાં ૧૩ લાખ અને મે મહિનામાં ૮.૨ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા, જેમાંના મોટા ભાગના પ્રથમ ડોઝ હતા. જૂન મહિનામાં ૨૧.૬ લાખ ડોઝ અપાયા, જેમાંથી ૧૮.૩૭ લાખ પ્રથમ ડોઝ હતો.

જુલાઈમાં જાહેર (નાગરિક તેમ જ રાજ્ય) વૅક્સિનેશન કેન્દ્રો વીક-એન્ડ ઉપરાંત લગભગ પાંચથી છ દિવસ માટે રસીની ઉપલબ્ધતા ન હોવાને કારણે બંધ રહ્યાં હતાં. આમ ૩૧૩ કેન્દ્રો દ્વારા ૧૦ લાખ ડોઝ આપવામાં આવ્યા, જેમાંના ૫.૫ લાખ પહેલો અને ૪.૫ લાખ બીજો ડોઝ હતા.

ખાનગી કેન્દ્રોમાં આ સમય દરમ્યાન ૧૧૩ કેન્દ્રોમાં ૭.૯ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા, જેમાંના ૫.૩ લાખ લોકોને પહેલો અને ૨.૬ લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો એમ જણાવતાં બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે જાહેર કેન્દ્રોમાં રસીના એક લાખ જેટલા ડોઝ આપવા તૈયાર છીએ, પરંતુ રસીના પુરવઠા પર અમારું નિયંત્રણ નથી.’

અત્યાર સુધીમાં ૫૪.૫૨ લાખ લોકોએ પહેલો ડોઝ મેળવ્યો છે તથા ૧૭.૭૧ લાખ નાગરિકોએ બન્ને ડોઝ મેળવ્યા છે. કુલ ૭૨.૨૩ લાખ ડોઝમાંથી ૯૦ ટકા ડોઝ (૬૭.૫ લાખ) કોવિશીલ્ડના છે, જ્યારે કે ૪.૬ લાખ ડોઝ કોવૅક્સિનના અને ૧૪૧૦૮ ડોઝ સ્પુટનિક-વીના છે.

coronavirus covid19 covid vaccine vaccination drive prajakta kasale