પ્રાઇવેટ હૉસ્પિટલો થઈ ગઈ હાઉસફુલ

08 January, 2022 10:05 AM IST  |  Mumbai | Somita Pal

જોકે બીએમસીની કોવિડ ફૅસિલિટીઝમાં પૂરતા પ્રમાણમાં બેડ ઉપલબ્ધ છે, પણ મોટા ભાગના લોકો પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ કરાવવા માગે છે અને ત્યાં વેઇટિંગ ચાલે છે

મલાડના જમ્બો કોવિડ કૅર સેન્ટરની ફાઇલ તસવીર. બીએમસી સેન્ટર્સના ઘણા બેડ ખાલી છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના અહેવાલ અનુસાર શહેરમાં સરકારી અને બીએમસીની હૉસ્પિટલોમાં કોરોનાના દરદીઓ માટે સારીએવી સંખ્યામાં બેડ ઉપલબ્ધ છે. જોકે પ્રાઇવેટ હૉસ્પિટલ્સમાં બેડ ફુલ થઈ ગયા છે અને અત્યારે ત્યાં ટ્રીટમેન્ટ માટે વેઇટિંગ પિરિયડ છે.
સુધરાઈએ પ્રાઇવેટ હૉસ્પિટલોને ૨૦૨૧ની પાંચમી મેએ હતી એટલી બેડની ક્ષમતા ૧૦મી જાન્યુઆરી સુધીમાં પુનઃ પ્રસ્થાપિત કરવાની તાકીદ કરી છે. એ ઉપરાંત અસિમ્પ્ટમેટિક (લક્ષણો ન ધરાવતા કોરોનાના દરદીઓ)ને ત્રણ દિવસમાં રજા આપવા જણાવાયું છે.
નવ જમ્બો કોવિડ કૅર સેન્ટર્સ અને કૉર્પોરેશનની સેવનહિલ્સ હૉસ્પિટલમાં ૧૫,૦૦૦થી વધુ બેડ ઉપલબ્ધ છે, પણ મોટા ભાગના દરદીઓ બીએમસીની સુવિધાઓમાં દાખલ થવા ઇચ્છતા નથી. વળી ૯૦ ટકા કરતાં વધુ પૉઝિટિવ કેસ ઝૂંપડપટ્ટી સિવાયના વિસ્તારોમાંથી આવતા હોવાને કારણે દરદીઓ પ્રાઇવેટ હૉસ્પિટલને પ્રાથમિકતા આપે છે, એમ સુધરાઈના અધિકારીઓએ જણાવ્યું હતું.
સુરાના સેઠિયા હૉસ્પિટલના સીઈઓ ડૉક્ટર પ્રિન્સ સુરાનાએ જણાવ્યું હતું કે ‘૨૨મી ડિસેમ્બરે અમારા મુંબઈ સેન્ટરમાં કોરોનાના ફક્ત પાંચ દરદી હતા. આજે અમારી પાસે પંચાવન દરદીઓ છે. દરદીઓ હળવાં લક્ષણ ધરાવે છે.’
કૉર્પોરેશનના જણાવ્યા અનુસાર ટેસ્ટ પૉઝિટિવિટી રેટ ૨૯.૯ ટકા હોવા છતાં હાલમાં ૮૦ ટકા જેટલા દરદીઓ અસિમ્પ્ટમેટિક છે.
ડૉક્ટર એલ. એચ. હીરાનંદાની હૉસ્પિટલના સીઈઓ ડૉક્ટર સુજિત ચૅટરજીએ કહ્યું કે ‘કેસ વધ્યા છે, પણ હૉસ્પિટલ અગાઉથી સજ્જ હોવાથી અમે સામનો કરવા માટે સક્ષમ છીએ. અત્યાર સુધી વિવિધ સ્તરની ગંભીરતા ધરાવતા દરદીઓ દાખલ થઈ રહ્યા છે.’
કૉર્પોરેશનના એક આરોગ્ય અધિકારીએ જણાવ્યા પ્રમાણે ‘પ્રાઇવેટ હાસ્પિટલો વૉર્ડ વૉરરૂમને જણાવ્યા વિના દરદીઓને સીધા દાખલ કરી શકે નહીં. કૉમોર્બિડિટી ન ધરાવનારા અસિમ્પ્ટમેટિક દરદીઓને બેડ ફાળવાશે નહીં. દરેક હૉસ્પિટલમાં સહનિર્દેશન માટે એક નોડલ ઑફિસરની નિયુક્તિ કરવાની રહેશે.’

coronavirus covid19 mumbai mumbai news somita pal