નવી મુંબઈ-પનવેલમાં કોરોનાના સેકન્ડ વેવની શક્યતા નહીંવત્

10 December, 2020 12:38 PM IST  |  Mumbai | Anurag Kamble

નવી મુંબઈ-પનવેલમાં કોરોનાના સેકન્ડ વેવની શક્યતા નહીંવત્

નવી મુંબઈમાં મહિલાનું સ્ક્રીનિંગ કરી રહેલો એનએમએમસી સ્ટાફ

નવી મુંબઈ અને પનવેલમાં કોરોનાના કેસની સંખ્યા અને બન્ને મનપાનો આત્મવિશ્વાસ જોતાં આ વિસ્તારોએ કોરોનાના સેકન્ડ વેવને માત આપી હોય તેમ જણાઈ રહ્યું છે. દિવાળી બાદ કેસમાં સહેજ વધારો જણાયો હતો, પણ હવે સ્થિતિમાં સુધારો જણાતાં વહીવટી તંત્ર નજીકના ભવિષ્ય વિશે આશાવાદી છે.

નવી મુંબઈ મ્યુનિ. કૉર્પો. (એનએમએમસી)માં અત્યાર સુધીમાં ૪૯,૧૮૭ કેસ નોંધાયા છે, તેમાંથી ૪૬,૮૬૧ દરદી સાજા થયા અને ૧૦૦૩ મોતને ભેટ્યા હતા. પનવેલ મ્યુનિ. કૉર્પો. (પીએમસી)માં કોરોનાના કુલ ૨૫,૯૧૬ કેસ નોંધાવા સાથે ૨૪,૮૬૬ લોકો સાજા થયા અને ૫૮૩નાં મૃત્યુ થયાં હતાં.

એનએમએમસીના અધિકારીના જણાવ્યા પ્રમાણે અમારા વિસ્તારમાં કેસ વધશે તેમ અમને લાગતું હતું, પણ છેલ્લા ૨૦-૨૫ દિવસમાં માત્ર ત્રણ-ચાર દિવસ જ રોજિંદા કેસ વધ્યા હતા.

તો પીએમસીના અધિકારીએ જણાવ્યા પ્રમાણે કેસમાં નોંધપાત્ર વધારો થયો નથી. દિવાળી પહેલાં રોજિંદા કેસની સંખ્યા ૫૦ નીચે જતી રહી હતી, દિવાળી બાદ આ આંક ૧૩૦ ઉપર પહોંચ્યો હતો, પણ તે ૧૫૦ના આંકને પાર થયો નહોતો. ગઈ કાલે ૨૪ કેસ નોંધાયા હતા. નજીકના ભવિષ્યમાં સંખ્યા ૫૦થી નીચે જશે તેવી અમને અપેક્ષા છે.

એનએમએમસીના મ્યુનિ. કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે આંકડા સકારાત્મક છે. રોજિંદા કેસ વત્તા-ઓછા અંશે સ્થિર રહ્યા છે, પણ અમે ચાંપતી નજર રાખી રહ્યા છે. એક વખત લોકલ ટ્રેનો સૌ માટે શરૂ થઈ જાય, પછી આગામી પડકાર કેસ નિયંત્રિત કરવાનો છે.

mumbai mumbai news navi mumbai panvel anurag kamble