ડોમ્બિવલીકરો સાવધાન, કોરોનાની ચપેટમાં આવી ગયા છે શાકભાજીવાળાઓ

26 June, 2020 11:53 AM IST  |  Kalyan | Mumbai Correspondent

ડોમ્બિવલીકરો સાવધાન, કોરોનાની ચપેટમાં આવી ગયા છે શાકભાજીવાળાઓ

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (કેડીએમસી)ની હદમાં આવેલા ક્રાંતિનગર અને ટંડન રોડ વિસ્તારની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અને ડોમ્બિવલી-ઈસ્ટના સ્ટેશન રોડ, ફડકે રોડ અને અન્ય વિસ્તારોમાં શાકભાજી વેચતા ફેરિયાઓની કોરોનાની ટેસ્ટ પૉઝિટિવ આવતાં ડોમ્બિવલી-ઈસ્ટમાં પૅનિક ફેલાઈ ગયું હતું. આ બાબતે મેસેજ વાઇરલ થયો હતો જેમાં ૧૦૦થી વધુને કોરોના થયો હોવાનું અને તેમને બુધવારે કેડીએમસી દ્વારા લઈ જવાયા હોવાની વાત કરાઈ હતી. આ બાબતે કેડીએમસી દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે ૧૦૦ જણનો આંકડો ખોટો છે. ૩૫થી ૪૦ જણને અમે આઇસોલેશનમાં રાખ્યા છે અને તેમના સ્વેબ ટેસ્ટ કરાયા છે. પૅનિક ન ફેલાવો અને એ સાથે જ તમારી પોતાની બની શકે એટલી વધુ કાળજી લો, કારણ કે તે કાછિયાઓ અનેક જણના સંપર્કમાં આવ્યા હોવા જોઈએ.

કેડીએમસીના એપિડેમિક મહિલા ઑફિસર ડૉક્ટર પાન પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્રાંતિનગર એ સ્લમ વિસ્તાર છે. ત્યાંથી કોરોનાના દરદી મળી આવતાં અમે ત્યાં સર્વે કર્યો હતો અને એમાં અમને કેટલાક ફીવરના પેશન્ટ મળી આવ્યા હતા. એથી તેમને તાતા આમંત્રામાં આઇસોલેટ કર્યા છે, જેમાં ૩૫થી ૪૦ જણનો સમાવેશ થાય છે. બાકીના જે પેશન્ટ્સ છે તેમને હાઇડ્રૉક્લોરોક્વિનની ટૅબ્લેટ વેચી છે અને સર્વેની ઍક્ટિવિટી ચાલુ જ છે. અમે તે ૩૫થી ૪૦ જણનાં સ્વેબ સૅમ્પલ લીધાં છે અને એ ટેસ્ટિંગ માટે મોકલાવ્યાં છે, જેમાંથી પાંચ જણને કોરોના હોવાનું જણાયું છે. બાકીના રિપોર્ટ આવવાના બાકી છે. કેડીએમસીમાં કોરોના કેસ વધી રહ્યા હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે. અમે રોજ ૨૦૦થી ૨૫૦ જેટલાં સૅમ્પલ મોકલાવતાં હોઈએ છીએ. હાલ લૅબ પર પણ બહુ લૉડ છે. હાફકિન, મેટ્રોપોલિસ લૅબ પર પણ લૉડ છે. લોકોને કહેવાનું કે તેઓ પૅનિક ન થાય, પણ બની શકે એટલી પોતાની કાળજી રાખે. કોરોનાના નિયમોનું પાલન કરે. માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળે. આપણે જેટલી વધુ કાળજી લઈશું એટલા કોરોનાથી વધુ સુરક્ષિત રહી શકીશું.’

dombivli coronavirus covid19 mumbai news mumbai lockdown