મુંબઈ: રેલવે-સ્ટેશન પર બીજા દિવસે કોઈ ધાંધલધમાલ નહીં

27 November, 2020 07:59 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: રેલવે-સ્ટેશન પર બીજા દિવસે કોઈ ધાંધલધમાલ નહીં

કુર્લા એલટીટી પર તિરુવનંતપુરમથી મુંબઈ આવેલા ૧૦૭ મુસાફરોની ઍન્ટિજન ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં કોઈ કોરોના-પૉઝિટિવ નહોતું.

રાજ્યની બૉર્ડર સીલ કર્યાના પહેલા દિવસે ભીડને સંભાળવી અને ટેસ્ટમાં પડતી સમસ્યાઓના અભ્યાસ બાદ બીએમસી અને રેલવેએ સંકલન કરીને મુંબઈમાં પ્રવેશતા મુસાફરોની વ્યવસ્થામાં સુધારો કરવા ગઈ કાલે વધુ ટેસ્ટિંગ-બૂથ ઊભાં કરવાનો નિર્ણય કર્યો.

બુધવારે બાંદરા ટર્મિનસ પર ભારે ભીડથી સર્જાયેલી ઘટના બાદ પશ્ચિમ રેલવે અને બીએમસીની ટીમને અન્ય સ્ટેશનો પર ભીડની વ્યવસ્થા અને આકારણી કરવા માટે વધારાનાં બૂથ, આરપીએફ અને જીઆરપીના વધુ જવાનોને તહેનાત કર્યા હતા.

જોકે બીજા દિવસે મુસાફરો પોતાના કોવિડ-ટેસ્ટના રિપોર્ટ સાથે લાવ્યા હોવાથી કાર્યવાહી ઘણી સરળ બની રહી હતી. કુર્લા અને એલટીટી પર બહારગામથી આવનારા પૅસેન્જરોને મેનેજ કરવા વધુ એક બૂથ ઊભું કરવામાં આવ્યું હતું. પહેલા દિવસની તુલનાએ ગઈ કાલે કાર્યવાહી ઘણી સરળતાથી પાર પડી શકી હતી એમ મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું.

કુર્લા એલટીટી પર ગઈ કાલે થિરુવનંતપુરમથી મુંબઈ આવી રહેલા ૧૦૭ મુસાફરોમાંથી જેમની પાસે આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ ન હોય તેવા મુસાફરોનું સ્ક્રીનિંગ અને ઍન્ટિજન ટેસ્ટિંગ કરાયું હતું. આ માટે બીએમસીએ ૧૯ મેડિકલ અને પૅરા-મેડિકલ સ્ટાફની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત ભીડના વ્યવસ્થાપન માટે આરપીએફ અને જીઆરપી ઉપરાંત ટિકિટ ચેકિંગ સ્ટાફ પણ તહેનાત કર્યો હતો.

mumbai mumbai news coronavirus covid19 maharashtra kurla rajendra aklekar