ગુડ ન્યુઝ : મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ દર્દી સાજા થયા છે

12 October, 2020 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુડ ન્યુઝ : મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ દર્દી સાજા થયા છે

પ્રતીકાત્મક તસવીર

હજી સુધી દેશમાં કોરોના સંસર્ગ પર કાબૂ મેળવવામાં સફળતા નથી મળી એમ છતાં અનેક સારી બાબતો સામે આવી રહી છે. કોરોનાના કારણે થતા મૃત્યુનો દર ઘટ્યો છે અને રિકવરી રેટમાં વધારો થયો છે. અત્યાર સુધી દેશમાં ૬૦ લાખ કરતાં વધુ લોકો કોરોનામાંથી સાજા થયા છે. સતત ૮ દિવસથી એના કારણે થતા મૃત્યુનો આંક ૧૦૦૦ કરતાં ઓછો નોંધાઈ રહ્યો છે. જે નવા કેસ નોંધાઈ રહ્યા છે એમાંથી ૮૦ ટકા કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને ચંડીગઢ મળી ૧૦ રાજ્યોમાં નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં શનિવારે એક જ દિવસમાં સૌથી વધુ ૨૬,૦૦૦ કોરોનાના દર્દી સાજા થયા હતા.

માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં ભારતમાં કોરોનાનો પહેલો કેસ પુણેમાં નોંધાયા બાદથી મહારાષ્ટ્રમાં દરરોજ સૌથી વધારે નવા કેસ નોંધાઈ રહ્યા હોવાથી રાજ્યભરમાં ચિંતા પ્રસરી ગઈ છે. મહાનગર મુંબઈમાં પણ આવી જ સ્થિતિ ઊભી થવાથી લાખો લોકો વતન ભેગા થઈ ગયા હતા. જોકે હવે ધીમે-ધીમે સ્થિતિમાં સુધારો થઈ રહ્યો હોવાથી ટૂંક સમયમાં પહેલાંની જેમ મુંબઈ ફરી ધમધમતું થઈ જવાની આશા સેવાઈ રહી છે.

દેશમાં મૂળભૂત વૈદ્યકીય સેવાઓમાં થયેલો વધારો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કેન્દ્ર દ્વારા પ્રામાણિત કરાયેલા પ્રોટોકૉલનું અનુસરણ અને ડૉક્ટરો સહિત મેડિકલ સ્ટાફના સમર્પણના કારણે રોજેરોજ થતા મૃત્યુના દરમાં ઘટાડો શક્ય બન્યો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા રોજેરોજ વધી રહી છે. શનિવારે કોરોનાના કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા ૯૧૮ હતી જેમાં મહારાષ્ટ્રના ૩૦૮ દર્દી હતા, જ્યારે કેરળના ૧૦૨ દર્દીઓનો એમાં સમાવેશ થતો હતો.

mumbai mumbai news coronavirus covid19 brihanmumbai municipal corporation maharashtra