બી અલર્ટ

19 March, 2022 11:41 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

ઘાતક ડેલ્ટા અને ચેપી ઓમાઇક્રોનના મિશ્રણથી એક નવો વેરિઅન્ટ બન્યો હોવાથી બેફિકર રહેવાને બદલે માસ્ક પહેરવાનો અને બીજા દેશોમાં કેવી પરિસ્થિતિ છે એના પર નજર રાખવાનો નિષ્ણાતોનો મત

બીવાયએલ નાયર હૉસ્પિટલમાં રસી મુકાવતી મહિલા (તસવીર : આશિષ રાજે)

ડેલ્ટા અને ઓમાઇક્રોનના મિશ્રણથી ઉદ્ભવેલા નવા વેરિઅન્ટ બાદ હેલ્થકૅર એક્સપર્ટ અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ લોકોને જૂન મહિનામાં આવનારી ચોથી લહેરને જોતાં વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. વળી અગાઉના વેરિઅન્ટ કરતાં એના પર અંકુશ રાખવો તેમ જ એની સારવાર વધુ પડકારજનક છે. આ વેરિઅન્ટ સૌથી પહેલાં ફ્રાન્સમાં દેખાયો હતો. ત્યાર બાદ અમેરિકા, જર્મની અને નેધરલૅન્ડ્સમાં પણ દેખાયો હતો. નવા વેરિઅન્ટની જિનોમ ટેસ્ટ વિશેની માહિતી ૮મી માર્ચના આંતરરાષ્ટ્રીય જર્નલમાં જણાવાઈ હતી.

બીજી તરફ ચીનમાં કોરોના બહુ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમ જ હૉન્ગકૉન્ગમાં રોજના ૩૨,૦૦૦ નવા કેસ આવી રહ્યા છે. ગ્રૅન્ટ મેડિકલ કૉલેજ ઍન્ડ સર જે.જે. ગ્રુપ ઑફ હૉસ્પિટલના મેડિસિનના પ્રોફેસર ડૉ. વિકાર શેખે કહ્યું હતું કે ‘આ વાઇરસ મનુષ્યો તથા પ્રાણીઓમાં પણ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બન્નેના મિશ્રણથી ઉદ્ભવેલા આ વેરિઅન્ટે સમગ્ર વિશ્વમાં ચિંતાની લહેર પેદા કરી છે.’ 
અગાઉ કોવિડ-19 વેરિઅન્ટ માત્ર શ્વાસોચ્છ્વાસની સિસ્ટમ પર અસર કરતા હતા પરંતુ નવો વેરિઅન્ટ હૃદય, મગજ, આંતરડાં, કિડની, યકૃત, આંખો અને બ્લડ સિસ્ટમને પણ અસર કરે છે. ભલે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વેરિઅન્ટને ખતરાની નિશાની સમાન નથી ગણાવ્યો પરંતુ તેમ છતાં નાગરિકોએ રસીકરણ ઉપરાંત માસ્ક પહેરવા પર ધ્યાન આપવું જરૂરી છે.  આ સિવાય ઇઝરાયેલમાં પણ નવા વેરિઅન્ટે ઍન્ટ્રી મારી છે અને એના બે કેસ પણ નોંધાયા છે. જોકે, ત્યાંના હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે હજી એને લઈને ખાસ કંઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બન્ને દરદીને હળવાં લક્ષણો છે.

coronavirus covid19 covid vaccine vaccination drive mumbai mumbai news vinod kumar menon