ખાડે ગયેલું તંત્ર આપણને ખાડામાં ન નાખે એના માટે આ ગુજરાતી ઍડ્વોકેટની જોરદાર કાનૂની લડત

28 November, 2022 09:28 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કોર્ટે સુધરાઈના કમિશનરોને બિસમાર રોડ અને ખુલ્લા મૅનહોલ બાબતે આદેશ આપ્યો હોવા છતાં તેમના દ્વારા કોઈ પગલાં ન લેવાતાં ઍડ્વોકેટ રજ્જુ ઠક્કરે કોર્ટના અવમાનની અરજી કરી હતી જેની આજે થશે સુનાવણી

ઍડ્વોકેટ રજ્જુ ઠક્કર અને રસ્તા પરના ખાડા

વસઈમાં પંદરેક દિવસ પહેલાં જ એક મહિલા ખુલ્લા મૅનહોલમાં પડી ગયા પછી કલાકો સુધી તે નહોતી મળી અને ત્યાર બાદ તેનો મૃતદેહ મળી આવતાં ફરી એક વખત રસ્તા પરના ખુલ્લા મૅનહોલનો પ્રશ્ન એરણે ચડ્યો છે. જોકે આ સંદર્ભે મુલુંડનાં એક ગુજરાતી મહિલા ઍડ્વોકેટ લાંબી કાનૂની લડત ચલાવી રહ્યાં છે. વસઈની ઘટના બાદ ફરી એક વખત તેમણે આ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટમાં રજૂઆત કરતાં કોર્ટે મુંબઈ સુધરાઈ સહિત વસઈ-વિરાર સુધરાઈને પણ સોમવાર સુધીનો સમય આપીને વહેલી તકે એ મૅનહોલ પર ઢાંકણાં ગોઠવી દેવાનો નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં, તેમણે ઢાંકણાં બેસાડ્યાં કે નહીં એનો હવે પછી સોમવારે થનારી સુનાવણીમાં અહેવાલ આપવા પણ  તાકીદ કરી છે.  

મુલુંડમાં રહેતાં અને રોજ હાઈ કોર્ટમાં જવા બાય રોડ પ્રવાસ કરતાં મહિલા ઍડ્વોકેટ રજ્જુ ઠક્કરે નોંધ્યું હતું કે મુંબઈના રસ્તાઓની હાલત તો ખરાબ છે જ, પણ રસ્તા પર સુધરાઈ દ્વારા બનાવાયેલા મૅનહોલ પણ ખુલ્લા હોય છે. એના પર ઢાંકણાં ન હોવાથી  ઘણા લોકો એમાં પડી જતા હોવાથી આ સંદર્ભે તેઓ કાયદાકીય લડત ચલાવી રહ્યાં છે. ઍડ્વોકેટ રજ્જુ ઠક્કરે આ બાબતે ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘મુંબઈગરાને અને મહારાષ્ટ્રના લોકોને સારા રસ્તા મળવા જ જોઈએ. આ પીઆઇએલ લાંબા સમયથી ચાલી રહી છે. ૨૦૧૩માં અત્યારના જસ્ટિસ ગૌતમ પટેલે એ સમયના ચીફ જસ્ટિસ મોહિત શાહને એક લેટર લખ્યો હતો. એમાં તેમણે કહ્યું હતું કે મુંબઈ અને મહારાષ્ટ્રના રસ્તાઓ બહુ જ ખરાબ છે. એ વખતે હાઈ કોર્ટે આ બાબતને ગંભીરતાથી લઈ એ લેટરને પછી સુઓ મોટો પીઆઇએલમાં ફેરવી નાખ્યો હતો. હું રોજ મુલુંડથી ટાઉન કારમાં આવતી હતી અને એ માટે બેથી અઢી કલાકનો સમય જતો હતો, કારણ કે રસ્તાઓની હાલત બહુ જ ખરાબ હતી. એથી ૨૦૧૫માં એ પીઆઇએલમાં મધ્યસ્થી કરીને મુલુંડથી ટાઉનના રસ્તાઓ બહુ જ ખરાબ છે તેમ જ ઓપન મૅનહોલ દુર્ઘટનાને નોતરું આપી શકે છે એવી રજૂઆત કરી હતી. એ સમયે જસ્ટિસ ઓકે મારી એ રજૂઆતને દાખલ કરી હતી. જોકે એ પછી ૨૦૧૮માં બૉમ્બે હાઈ કોર્ટે ડીટેલ ઑર્ડર આપીને રાજ્ય સરકાર અને રાજ્યની દરેક સુધરાઈને આ બાબતે પગલાં લેવા કહ્યું હતું અને રસ્તાઓની હાલત સુધારવા અને મૅનહોલ પરનાં ઢાંકણાં ગોઠવવાનો આદેશ આપ્યો હતો જેથી લોકોની હાડમારી ઓછી થાય. જોકે કોર્ટના એ આદેશનો અમલ જ ન થયો એટલે બીએમસી સહિત બધા જ કમિશનરો સામે મેં ૨૦૧૯માં કોર્ટના આદેશનું અવમાન કર્યું હોવાથી તેમને નોટિસ મોકલાવવામાં આવે એ માટે અરજી કરી હતી. એ પછી કોર્ટની કાર્યવાહી દરમ્યાન કોર્ટે બીએમસીના કમિશનર ઇકલાબ સિંહ ચહલને પણ કોર્ટમાં બોલાવ્યા હતા અને તેમને ઇન્સ્ટ્રક્શન્સ આપી હતી. એ વખતે તેમને મુંબઈના સૌથી ૨૦ ખરાબ રસ્તાઓ ઓળખી કાઢી એ રસ્તા ક્યાં સુધીમાં (ચોક્કસ સમય - ટાઇમ લાઇન) રિપેર કરી શકાશે એ જણાવવા કહ્યું હતું. હાલમાં જ્યારે કોર્ટનું દિવાળી વેકેશન ચાલી રહ્યું હતું ત્યારે વિરારમાં ૩૮ વર્ષની એક મહિલા મૅનહોલમાં પડી ગઈ અને ત્યાર બાદ કલાકો સુધી ન મળી આવતાં તેનું મૃત્યુ થયું હતું. એથી જ્યારે કોર્ટ ખૂલી ત્યારે એ સંદર્ભે મેં બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને જાણ કરી હતી. એ પછી એ મૅટર જસ્ટિસ ગંગાપુરવાલા પાસે ગઈ હતી. એના પર ગયા અઠવાડિયે સુનાવણી થઈ ત્યારે મેં તેમનું ધ્યાન દોર્યું હતું કે હજી પણ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને લાગીને આવેલા સર્વિસ રોડ પર ઘણા બધા મૅનહોલ ખુલ્લા છે. એ સિવાય બાંદરા અને મીરા-ભાઈંદરમાં પણ મૅનહોલ ખુલ્લા હોવાની જાણ થઈ હતી. એથી જસ્ટિસે સરકારી વકીલને નિર્દેશ આપતાં કહ્યું કે આવતા સોમવારે ફરી આ અરજીની સુનાવણી થવાની છે તો ત્યાં સુધીમાં એ બધા જ મૅનહોલ પર ઢાંકણાં ગોઠવી દો, જેથી વધુ કોઈ એમાં પડે નહીં. વળી તમે કેટલા મૅનહોલ્સ કવર કર્યા એનો રિપોર્ટ પણ સોમવારે રજૂ કરજો. આ ઉપરાંત પહેલી ડિસેમ્બરે એ ૨૦ રસ્તાઓ અને મૅનહોલ કવર કરવા બાબતે બીએમસીએ ડીટેલ રિપોર્ટ આપવાનો છે અને કોર્ટે બહુ સ્પષ્ટ કર્યું છે કે તેમને એ કામ પૂરું કરવા કે આગળ લઈ જવા એક્સ્ટેન્શન નહીં આપવામાં આવે.’    

mumbai mumbai news brihanmumbai municipal corporation mumbai high court bombay high court bakulesh trivedi